જો તમે પણ સોવેરિયન ગોલ્ડ બોન્ડ એટલે કે (SGB)માં રોકાણ કર્યું છે કે કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે પહેલી એપ્રિલ, 2026થી સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)પર ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ છે. ચાલો જોઈએ શું છે આ ફેરફાર અને એની તમારા પર શું અસર જોવા મળશે?
વાત કરીએ સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટેના જૂના નિયમની તો અત્યાર સુધી જો તમે બોન્ડને તેની મેચ્યોરિટી એટલે કે 8 વર્ષ સુધી રાખો, તો તેના પર મળતા નફા અર્થાત જ કેપિટલ ગેઈન પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નહોતો. પરંતુ હવે આ 'ટેક્સ-ફ્રી' સુવિધામાં કેટલીક નવી શરતો ઉમેરવામાં આવી છે.
સૌથી મોટો ફેરફાર તો એવા લોકો માટે કરવામાં આવ્યો છે કે જેઓ શેરબજાર પરથી કે પછી બીજા કોઈ રોકાણકાર પાસેથી આ સોવેરિયન ગોલ્ડ બોન્ડ ખરીદે છે.
જો તમે સેકન્ડરી માર્કેટમાંથી બોન્ડ ખરીદ્યા હશે, તો મેચ્યોરિટી સમયે થતા નફા પર તમારે 12.5 ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. આનો અર્થ એવો થયો કે હવે એક્સચેન્જ પરથી ડિસ્કાઉન્ટમાં બોન્ડ ખરીદીને ટેક્સ-ફ્રી નફો નહીં કમાવી શકાય.
વાત કરીએ આ ફેરફારથી કોને ફાયદો થશે એની તો ટેક્સમાંથી મુક્તિનો લાભ માત્ર તે જ રોકાણકારોને મળશે કે જેઓ જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નવા બોન્ડ બહાર પાડવામાં આવે ત્યારે સીધા જ આરબીઆઈ પાસેથી સબસ્ક્રિપ્શન લે છે અને આ બોન્ડને છેક મેચ્યોરિટી સુધી પોતાની પાસે જાળવી રાખે છે. આવા કિસ્સામાં મેચ્યોરિટી પર મળતો નફો હજુ પણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રહેશે.
ટેક્સની ગણતરી કેવી રીતે બદલાશે? એ ઉદાહરણ સાથે સમજવાનો પ્રયાસ કરીએ તો ધારો કે તમે એક્સચેન્જ પરથી એક ગોલ્ડ બોન્ડ રૂપિયા 7000માં ખરીદ્યો અને મેચ્યોરિટી સમયે સોનાનો ભાવ વધીને રૂપિયા 11,000 થઈ ગયો તો જૂના નિયમ પ્રમાણે ચોખ્ખા 4000 રૂપિયાનો પૂરેપૂરો નફો રોકાણકારને થતો હતો.
પરંતુ બજેટમાં રજુ કરવામાં આવેલા નવા નિયમ અનુસાર 4000 રૂપિયાના નફા પર રોકાણકારે 12.5 ટકા લેખે રૂપિયાના 500ના ટેક્સ ભરવો પડશે. એટલે કે તમારા હાથમાં રૂપિયા 3,500 જ આવશે.
વ્યાજ પરનો ટેક્સ યથાવત
એસજીબી પર સરકાર દ્વારા જે વાર્ષિક 2.5 ટકાનો વ્યાજ આપવામાં આવે છે, તે પહેલાની જેમ જ ટેક્સેબલ રહેશે. આ વ્યાજ તમારી કુલ આવકમાં ઉમેરાશે અને તમારા ઈન્કમટેક્સ સ્લેબ મુજબ તેના પર ટેક્સ લાગશે.
આવી સ્થિતિમાં જો તમે પણ ટેક્સ બચાવવા માંગતા હોવ, તો હવેથી સોવરિન ગોલ્ડ બોન્ડ હંમેશા પ્રાઈમરી ઈશ્યૂ (સીધા સરકાર પાસેથી) વખતે જ ખરીદવા હિતાવહ છે. સેકન્ડરી માર્કેટમાં રોકાણ કરનારાઓએ હવે ટેક્સ ચૂકવ્યા પછીના વળતરની ગણતરી કરીને જ રોકાણ કરવું જોઈએ. આ નવો નિયમ પહેલી એપ્રિલ 2026 પછી રિડીમ થતા બોન્ડ પર લાગુ પડશે.