અમદાવાદઃ ક્રિકેટ જગતનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાઉથ આફ્રિકા (South Africa) માટે જાણે હોમ ગ્રાઉન્ડ બની ગયું છે, કારણકે આ દેશની ટીમનું અહીં જે વર્ચસ્વ રહ્યું છે એમાં આજે વધુ એક વિજયનો ઉમેરો થયો જેમાં એઇડન માર્કરમ (Markram)ની ટીમે વેસ્ટ ઇન્ડિઝને ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ મુકાબલામાં નવ વિકેટે હરાવીને સેમિ ફાઇનલમાં સ્થાન લગભગ પાક્કું કરી લીધું હતું. કૅરિબિયનોએ આપેલો 177 રનનો લક્ષ્યાંક સાઉથ આફ્રિકાએ 23 બૉલ બાકી રાખીને મેળવી લીધો હતો. સાઉથ આફ્રિકા અમદાવાદના આ જગવિખ્યાત મેદાન પર ડિસેમ્બર, 2025માં ભારત સામેની હાર પછી જે પાંચ મૅચ રમ્યું એ પાંચેયમાં વિજય મેળવ્યો છે.
અમદાવાદમાં સતત પાંચ વિજય
આ વર્લ્ડ કપમાં અમદાવાદમાં સાઉથ આફ્રિકાના સતત પાંચ વિજય આ મુજબના છેઃ કૅનેડા સામે 57 રનથી વિજય, અફઘાનિસ્તા સામેની ટાઇ પછીની બે ઐતિહાસિક સુપર ઓવરમાં વિજય, ન્યૂ ઝીલૅન્ડ સામે સાત વિકેટે વિજય, ભારત સામે 76 રનથી વિજય અને વેસ્ટ ઇન્ડિઝ સામે નવ વિકેટે વિજય.
માર્કરમે મૅચ વન-સાઇડેડ બનાવી
વેસ્ટ ઇન્ડિઝે પહેલાં બૅટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ શરૂઆતથી જ ધબડકો જોયા બાદ છેવટે 20 ઓવરમાં 176/8ના સ્કોર સાથે વિજયની આશા જીવંત રાખી હતી. જોકે સાઉથ આફ્રિકાએ (ખાસ કરીને માર્કરમે) મૅચને વન-સાઇડેડ બનાવી નાખી હતી અને 16.1 ઓવરમાં 1/177ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો. ગ્રૂપ-1માં સાઉથ આફ્રિકા ચાર પૉઇન્ટ સાથે મોખરે છે. આ મૅચના અંતે વેસ્ટ ઇન્ડિઝ બે પૉઇન્ટ સાથે બીજા સ્થાને તેમ જ ભારત અને ઝિમ્બાબ્વે શૂન્ય-શૂન્ય સાથે અનુક્રમે ત્રીજા-ચોથા નંબરે હતા.
માર્કરમની બે મોટી ભાગીદારી
મૅન ઑફ ધ મૅચ માર્કરમ (82 અણનમ, 46 બૉલ, ચાર સિક્સર, સાત ફોર) આ જીતનો સુપરહીરો હતો. પહેલાં તેણે ક્વિન્ટન ડિકૉક (47 રન, 24 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) સાથે પ્રથમ વિકેટ માટે 95 રનની પાર્ટનરશિપ અને પછી રાયન રિકલ્ટન (45 અણનમ, 28 બૉલ, બે સિક્સર, ચાર ફોર) સાથે બીજી વિકેટ માટે 82 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

છમાંથી એક જ બોલરને મળી એક વિકેટ
છ કૅરિબિયન બોલર્સ ઓપનર માર્કરમને નમાની નહોતા શક્યા. માત્ર સ્પિનર રૉસ્ટન ચેઝને એક વિકેટ મળી હતી. બૅટિંગમાં સારું પર્ફોર્મ કરનાર પેસ બોલર જેસન હોલ્ડરને 31 રનમાં વિકેટ નહોતી મળી. રોમારિયો શેફર્ડ પણ ધમાકેદાર બૅટિંગ બાદ બોલિંગમાં ફાવ્યો નહોતો. તેની બે ઓવરમાં બાવીસ રન બન્યા હતા અને તેને વિકેટ નહોતી મળી. મૅથ્યૂ ફોર્ડેને 30 રનમાં તેમ જ ગુડાકેશ મૉટીને 24 રનમાં અને શમાર જોસેફને 24 રનમાં વિકેટ નહોતી મળી.
હોલ્ડર, શેફર્ડની મહેનત પાણીમાં

એ પહેલાં, વેસ્ટ ઇન્ડિઝની ટીમ સાઉથ આફ્રિકા સામેની સુપર-એઇટની મૅચમાં શરૂઆતના ઝટકા બાદ સન્માનજનક સ્થિતિમાં આવી ગયું હતું અને સાઉથ આફ્રિકનોને છેવટે 177 રનનો ઊંચો લક્ષ્યાંક આપી શક્યું હતું. એઇડન માર્કરમની ટીમ માટે આ લક્ષ્યાંક સાધારણ હતો, પરંતુ કૅરિબિયનોએ 60 રનમાં પાંચ વિકેટ અને 83 રન સુધીમાં સાત વિકેટ ગુમાવી ત્યાર પછી જેસન હોલ્ડર (49 રન, 31 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને રોમારિયો શેફર્ડ (બાવન અણનમ, 37 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)ની જોડીએ આઠમી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરીને વેસ્ટ ઇન્ડિઝની ટીમને મોટી મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. જોકે પછીથી સાઉથ આફ્રિકાએ સારી શરૂઆત કરી હતી.