ઉમેશ ત્રિવેદી
ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું સોમનાથ મંદિર એ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં નું પ્રથમ જ્યોતિર્લિંગ છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. આ મંદિર પર અનેક વાર હુમલા થયા અને ત્યાં લૂંટફાટ થઇ તથા મંદિર તોડી પડાયા પછી પણ આ મંદિર અડીખમ ઊભું છે. તેનું કારણ એ છે કે સાત-સાત વાર તેનું પુનર્નિર્માણ થયું છે અને તે ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.
દંતકથા મુજબ, સોમ એટલે કે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રીકૃષ્ણે ચંદનના લાકડાનું મંદિર અહીં બનાવ્યું હતું. પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ છે કે ચંદ્રદેવને 27 પત્નીઓ હતી તે બધી દક્ષરાજાની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણીને ચંદ્ર વધુ પ્રેમ કરતા હતા અને બાકીની 26 પત્નીઓ સાથે ઓછો સમય વિતાવતા હતા. પતિ વિયોગને કારણે આ 26 પત્નીઓ ઉદાસ રહેવા લાગી. આ વાતની દક્ષને જાણ થઇ તો તેમણે જમાઇ ચંદ્રને આજ્ઞા કરી કે તે બધી પત્નીઓને એક સરખો સમય આપે. પણ ચંદ્રદેવે તેમની આજ્ઞા અવગણી. આથી દક્ષ રાજાએ શ્રાપ આપ્યો કે, ચંદ્ર તારો ક્ષય થાય.
આ શ્રાપને કારણે ચંદ્રદેવ ક્ષીણ થવા લાગ્યા, ત્યારે તેમણે પ્રજાપિતા બ્રહ્માની સલાહથી આ સ્થાને પોતાનું રૂપ પાછું મેળવવા આ સ્થળે પ્રભુ શિવનું ધ્યાન દોર્યું અને ઘોર તપસ્યા કરી, આથી પ્રસન્ન થયેલા શિવજીએ ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ અપાવી, તેથી શિવજીની કૃપાથી 15 દિવસ ચંદ્રનું તેજ વધતું જોવા મળે છે અને 15 દિવસ ઘટે છે. આ ઉપરાંત શિવે તેમને માથા પર પણ સ્થાન આપ્યું ત્યારે ચંદ્રદેવે અહીં શિવલિંગની સ્થાપના કરી અને સોનાનું મંદિર બનાવ્યું. તેથી તે સોમનાથ રૂપે ગણાયું.
મધ્યકાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલાં બંધાયું હતું એમ કહેવાય છે. ત્યાર પછી સન 639માં વલ્લભી વંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જિર્ણોદ્ધાર કરીને એનાં સ્થાને બીજું મંદિર બનાવ્યું. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું જે 13 માળ જેટલું ઊંચું હતું. મંદિરના દ્વાર હીરાજડિત હતા, તેના પર 13 સુવર્ણ કળશ હતા. તેની ઊંચે ફરકતી ધજાથી નાવિકોને દિશા મળતી હતી.
ઇ. સ. 755માં વલ્લભ સામ્રાજ્યના પતન સાથે આરબોએ આક્રમણ કર્યું અને સોમનાથને ધ્વસ્ત કર્યું. સિંધના આરબ શાસક જૂનાયદે સૈનિકોની મદદથી મંદિર તોડી પાડ્યું હતું અને લૂંટ ચલાવી હતી. પ્રતિહાર રાજા નાગભટ્ટે બીજાએ 815માં ત્રીજી વખત લાલ પથ્થર વાપરી મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો.
1025ની સાલમાં મહમદ ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિન્દુઓ સાથેના આઠ દિવસ ચાલેલા લોહિયાળ જંગ પછી તોડી પાડ્યો હતો. રાજા ભીમદેવ પહેલા હાર્યા, ત્યારે 50 હજાર જેટલા હિન્દુઓની કતલ કરવામાં આવી હતી. ગઝનવીએ મહાદેવજીની પાંચ ગજ ઊંચી અને બે ગજ ઊંચી પ્રતિમા તોડવા માંડી ત્યારે શિવભક્ત ભૂદેવ (બ્રાહ્મણો) તે સમયે રૂપિયા પાંચ કરોડ આપવાની તૈયારી બતાવી પણ ગઝનવીએ કહ્યું કે મને રૂપિયા લેવા કરતાં મૂર્તિ તોડવામાં વધુ મજા પડે છે. શિવલિંગના ટુકડે ટુકડા કરી તે પોતાની સાથે લઇ ગયો અને ત્યાં મસ્જિદના પ્રવેશદ્વારના પગથિયાની નીચે તેમને દાટી દીધા તેથી મુસલમાનો તેનાં પર પગ મૂકીને અપમાનિત કરીને પ્રવેશ કરતા હતા.
1026થી 1042ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું તે જિર્ણ થતાં 1,169માં સમ્રાટ કુમારપાળે મંદિરની પુન:રચના કરાવી. આ પછી 120 વર્ષે સન-1299ની સાલમાં દિલ્હી સલ્તનતે ગુજરાત પર કબજો જમાવ્યો ત્યારે અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને શિવલિંગના ટુકડે- ટુકડા કરી નાખ્યા અને તે ટુકડા દિલ્હી લઇ ગયો.
આ વિનાશ પહેલાં 11મી સદીમાં સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે. આ પવિત્ર સ્થળમાં સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી. 56 જેટલાં સાગના સ્તંભો પર રાજા રાજવીઓના નામ, ઇતિહાસ અને ખજાના ભર્યા હતા. મંદિરના ભોંયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા. આ બધું સાંભળીને જ મુગલો અહીં લૂંટ ચલાવવાના ઇરાદે આવતા હતા અને કત્લેઆમ કરતા હતા. ઉલુઘખાનના આક્રમણ પછી મંદિર વેરાન બની ગયું.
એ પછી રા’નવઘણ ચોથાએ અહીં ફરી લિંગની સ્થાપના કરી. રાજા મહિપાળ દેવે 1308થી 1325 વચ્ચે મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો, પણ માત્ર 70 વર્ષ પછી 1394-95માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝફ્ફરખાને ફરી અહીં વિનાશ વેર્યો અને લૂંટ ચલાવી. ત્યાર પછી 1451માં રા’માંડલિકે પુન: નિર્માણ કર્યું. 15મી સદીમાં મસ્જિદ બનાવી.
1560માં અકબરે આ જગ્યા હિન્દુઓને સોંપી અને ફરી પુનરોદ્ધાર થયો. 1706માં ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો આદેશ આપ્યો અને ફરીથી મંદિર તોડી પડાયું. 1787માં મહારાણી અહિલ્યાબાઇએ પુનર્નિર્માણ કરાવ્યું. પરિણામે અહીંના પરિસરમાં રાણી અહિલ્યાબાઇનું મંદિર પણ છે.
ભારતના લોખંડી પુરુષ અને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલે મૂળ સ્થાન પર સાતમી વાર પુનર્નિર્માણ કર્યું. 11મે 1951ના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઇ. સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું. ચાલુક્ય શૈલીથી બંધાયેલા આજના સોમનાથ મંદિરમાં ‘કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર’ એ ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદ્ભુત સ્થાન છે. મૂળ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું, પણ છેલ્લાં 800 વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.