Mon Oct 05 2026

Logo

`હું માફ કરી શકું, પણ ક્યારેય ભૂલતી નથી': સ્મૃતિ મંધાનાનું દર્દ છલક્યું, કહ્યું કે `મને બિચારી ન સમજો'

2026-09-13 18:12:26
Author: Ajay Motiwala
`હું માફ કરી શકું, પણ ક્યારેય ભૂલતી નથી': સ્મૃતિ મંધાનાનું દર્દ છલક્યું, કહ્યું કે `મને બિચારી ન સમજો'

મુંબઈઃ મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અત્યારથી જ બૅટિંગ-લેજન્ડ તરીકે ઓળખાવા લાગી છે, તેણે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ (10,891 રન) બનાવવાનો વિશ્વવિક્રમ તેમ જ સૌથી વધુ (18 ઇન્ટરનૅશનલ સેન્ચુરીનો) વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે અને વિમેન્સ ક્રિકેટમાં સર્વોચ્ચ બૅટર તરીકે ઓળખાઈ રહી છે ત્યારે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ (Interview)માં અંગત જીવન વિશે પૂછાયેલા સવાલનો તેણે ખૂબ સમજદારીથી સચોટ જવાબ આપ્યો હતો.

મહિલા ક્રિકેટની મોટી-મોટી બોલરની બોલિંગને ચીંથરેહાલ કરવામાં કાબેલ સ્મૃતિ મંધાનાએ રવિવારે દુબઈના ટી-20 એશિયા કપમાં શ્રીલંકા સામેની ફાઇનલમાં રમવાની તૈયારી કરી લીધી હતી એના થોડા કલાકો પહેલાં તેનો ઇન્ટરવ્યૂ વાઇરલ થયો હતો. મેદાન પર હંમેશાં શાંત દેખાતી સ્મૃતિના હૃદયમાં એવા દર્દ અને ક્રોધ છુપાયા છે જેની હળવી ઝલક તેણે એક પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યૂમાં આપી છે.

થોડા મહિના પહેલાં સિંગર પલાશ મુચ્છળ સાથે સ્મૃતિના લગ્ન થવાના હતા, પણ ગણતરીના દિવસો પહેલાં ચર્ચાસ્પદ કારણસર એ લગ્ન નહોતા થયા અને બન્ને વચ્ચે બે્રક-અપ થઈ ગયું હતું. સ્મૃતિએ એ વિશે 10 મહિનામાં કંઈ જ કહ્યું નથી અને પૉડકાસ્ટ પરના આ ઇન્ટરવ્યૂમાં પણ જાણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે મજબૂત દિવાલ બાંધી રાખી હતી અને અંગત જીવન વિશે નામ પૂરતી અને આડકતરી કમેન્ટ કરીને મેદાન પરના પોતાના પર્ફોર્મન્સ પર જ ફૉકસ રાખ્યું હતું.

જ્યારે સ્મૃતિને પૂછવામાં આવ્યું કે શું તે લોકોને આસાનીથી માફ કરી દેતી હોય છે? સ્મૃતિએ એના દમદાર જવાબમાં કહ્યું, `હું માફ કરી શકું, પણ ક્યારેય ભૂલતી નથી.' આનો અર્થ સ્પષ્ટ છે કે તે કોઈની પણ સાથે વાદવિવાદમાં ઊતર્યા વગર જીવનમાં આગળ વધવામાં માને છે, પણ તેની સાથે કોણે શું કર્યું એ ક્યારેય નથી ભૂલતી.

સ્મૃતિએ ઇન્ટરવ્યૂ દરમ્યાન ચર્ચામાં હસતાં કહ્યું કે લોકો તેને બહારથી શાંત અને સરળ સ્વભાવવાળી સમજે છે, પણ અંદર તેનામાં બહુ ગુસ્સો ભર્યો હોય છે. જોકે અંગત જીવનમાં તે કોઈની સાથે બદલો લેવામાં નથી માનતી, તેને કોઈની પાસેથી સહાનુભૂતિની અપેક્ષા પણ નથી અને તે ઇચ્છતી પણ નથી કે તેને કોઈ બિચારી તરીકે ઓળખાવે.