Thu Oct 01 2026

Logo

સાયન સ્ટેશનનો 150 વર્ષથી જૂનો ઐતિહાસિક વારસો હવે લોનાવાલામાં સચવાશે, 19મી સદીના દુર્લભ રેલવે અવશેષોને મળશે નવું સ્થાન

2026-09-19 21:05:28
Author: Mumbai Samachar Team
સાયન સ્ટેશનનો 150 વર્ષથી જૂનો ઐતિહાસિક વારસો હવે લોનાવાલામાં સચવાશે, 19મી સદીના દુર્લભ રેલવે અવશેષોને મળશે નવું સ્થાન

મુંબઈ: મુંબઈના ઐતિહાસિક સાયન રેલવે સ્ટેશન સાથે જોડાયેલા 150 વર્ષથી વધુ જૂના રેલવે વારસાને હવે સાચવવામાં આવશે. સાયન સ્ટેશન અને તેની આસપાસથી મળેલા ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવેના સમયના ઐતિહાસિક અવશેષોને સંરક્ષિત કરીને હેરિટેજ ગેલેરી અને નેશનલ રેલ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવાની દિશામાં રેલવે પ્રશાસને પગલાં લીધાં છે. જૂના લોખંડના બ્રેકેટ સહિતના રેલવે અવશેષોને નષ્ટ થવાથી બચાવી આગામી પેઢી માટે સાચવવાનો નિર્ણય લેવાયો છે.

સાયન સ્ટેશન મુંબઈના રેલવે ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તારનો સંબંધ ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેન સાથે પણ રહ્યો છે, જે 16 એપ્રિલ 1853ના રોજ બોરીબંદરથી થાણે વચ્ચે દોડી હતી. સાયન આ ઐતિહાસિક રેલવે માર્ગ પરનું એક મહત્વપૂર્ણ સ્ટોપ હતું. હાલના સાયન સ્ટેશનનું બાંધકામ બાદમાં કરવામાં આવ્યું હતું અને 3 નવેમ્બર 1873ના રોજ સાયન સ્ટેશન શરૂ થયું હતું. આમ, સાયન સ્ટેશનનો રેલવે સાથેનો ઈતિહાસ 150 વર્ષથી પણ જૂનો છે.

પુરાત્તત્વવિદોએ માંગ કરી હતી કે જીઆઈપીઆર કાળના બાંધકામ અથવા મૂળ ઘટકોને હેરિટેજ મૂલ્યાંકન કર્યા વિના તોડી પાડવામાં ન આવે. સાથે જ ઐતિહાસિક વસ્તુઓના ફોટોગ્રાફ, માપન, દસ્તાવેજીકરણ અને સૂચીકરણ કરવામાં આવે તથા શક્ય હોય તો તેને મૂળ સ્થળે જ સાચવવામાં આવે. જો સ્થળ પર જાળવણી શક્ય ન હોય તો તેને સુરક્ષિત રીતે મ્યુઝિયમમાં ખસેડવાની માંગ કરવામાં આવી હતી. રેલવે બોર્ડની સૂચના તેમજ ‘રેલ એન્થુઝિયાસ્ટ સોસાયટી’ અને પુરાત્તત્વવિદોની માંગ બાદ તોડી પાડવાની કામગીરી પહેલાં ઇમારતમાંથી ઐતિહાસિક વસ્તુઓ કાળજીપૂર્વક કાઢી લેવામાં આવી હતી.

આ તમામ ઐતિહાસિક વસ્તુઓ વરિષ્ઠ વિભાગીય યાંત્રિક એન્જીનીયરને સોંપવામાં આવી છે. મધ્ય રેલવેના પ્રધાન મુખ્ય યાંત્રિક એન્જીનીયરના કાર્યાલયે આપેલી માહિતી અનુસાર, વધારાની માર્ગિકા માટે ઈમારત હટાવવી જરૂરી બની હતી. જોકે, ઈમારત દૂર કરવામાં આવી હોવા છતાં તેમાં રહેલા ઐતિહાસિક ઘટકોને નષ્ટ થવા દેવામાં આવ્યા નથી. વારસાનું મૂલ્ય ધરાવતી તમામ વસ્તુઓને અલગ-અલગ સ્થળે વિખેરવાને બદલે એક જ સ્થળે સુરક્ષિત રાખવાનો નિર્ણય લેવાયો છે.

સાયન સ્ટેશનમાંથી સુરક્ષિત કરવામાં આવેલી વસ્તુઓમાં જીઆઈપીઆરનું બોધચિહ્ન ધરાવતી 18 ત્રિકોણાકાર કાસ્ટિંગ ગ્રિલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 18 લાકડાના વક્ર નકશીકામવાળા ભાગો, લાકડાની જૂની ટિકિટ બારીની એક ફ્રેમ, કાસ્ટ-આયર્ન રૂફ બ્રેકેટ્સ, જૂના થાંભલા, ઐતિહાસિક ઘંટ અને અન્ય સ્થાપત્ય ઘટકોનો પણ સમાવેશ થાય છે. આ વસ્તુઓ મુંબઈના રેલવેના પ્રારંભિક સમયગાળાની સ્થાપત્યશૈલી અને બાંધકામ પદ્ધતિની ઝલક આપે છે.

સાયન સ્ટેશનના લોખંડના બ્રેકેટ્સ, જીઆઈપીઆર બોધચિહ્ન ધરાવતી ગ્રિલ્સ અને લાકડાનું નકશીકામ 19મી સદીની રેલવે સ્થાપત્યશૈલીના દુર્લભ નમૂના માનવામાં આવે છે. વારસા અભ્યાસકોના મતે, આધુનિક રેલવે પ્રોજેક્ટ સાથે ઐતિહાસિક ઘટકોનું સંરક્ષણ કરવાથી ભારતીય રેલવેના શરૂઆતના ઇતિહાસના મહત્વપૂર્ણ ભૌતિક પુરાવા ભાવિ પેઢીઓ માટે જાળવી શકાય છે. મધ્ય રેલવેની યોજના મુજબ ભવિષ્યમાં આ વસ્તુઓને વારસા પ્રદર્શનના માધ્યમથી નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ રીતે સાયન સ્ટેશન સાથે જોડાયેલો મુંબઈનો જૂનો રેલવે વારસો નવી પેઢી સુધી પહોંચાડવાનો માર્ગ ખુલશે.

મધ્ય રેલવે દ્વારા આ તમામ વસ્તુઓને લોનાવાલા ખાતેના વારસા સંકલન કેન્દ્રમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેન્દ્રમાં અગાઉ પણ બ્રિટિશકાળની વરાળથી ચાલતી ક્રેન, સ્ટોન ક્રશર મશીન, પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિન, હેન્ડ-ટ્યુબ ફાયર એન્જિન, કોન્ક્રિટ મિક્સર અને જૂની પ્રિન્ટિંગ પ્રેસ જેવી ઐતિહાસિક વસ્તુઓ સાચવવામાં આવી છે. હવે સાયન સ્ટેશન સાથે જોડાયેલા અવશેષો પણ આ ઐતિહાસિક સંગ્રહનો ભાગ બનશે.

સાયન સ્ટેશન સાથે જોડાયેલા જૂના રેલવે માળખાના કેટલાક અવશેષો આજે પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. તેમાં જૂના લોખંડના બ્રેકેટ અને જીઆઈપીઆરના સમયગાળાની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. રેલવે પ્રશાસન આવા અવશેષોને યોગ્ય રીતે સંરક્ષિત કરીને સામાન્ય લોકો અને નવી પેઢીને ભારતીય રેલવેના પ્રારંભિક સમયગાળાની ઝલક મળે તે માટે પ્રદર્શિત કરવાની યોજના બનાવી રહ્યું છે.

મુંબઈની રેલવે વ્યવસ્થાના વિકાસમાં જીઆઈપીઆરનો મહત્વનો ફાળો રહ્યો હતો. 1853માં બોરીબંદરથી થાણે વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન શરૂ થયા બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રેલવે નેટવર્કનો ઝડપથી વિકાસ થયો હતો. સાયન પણ આ ઐતિહાસિક પરિવર્તનનો સાક્ષી રહ્યું છે. જૂના રેલવે અવશેષોનું સંરક્ષણ માત્ર ઐતિહાસિક વસ્તુઓને સાચવવાનું કામ નથી, પરંતુ મુંબઈના પરિવહન ઇતિહાસ સાથે જોડાયેલી યાદીઓને જીવંત રાખવાનો પ્રયાસ પણ છે.

સાયન સ્ટેશન સાથે જોડાયેલી ઐતિહાસિક તસવીરો અને દસ્તાવેજોમાં પણ રેલવેના પ્રારંભિક સમયગાળાની અનેક ઝલક જોવા મળે છે. સાયન સ્ટેશન પર ટ્રેનના આગમનથી લઈને 1897ની પ્લેગ મહામારી દરમિયાન અહીં કરવામાં આવેલી તબીબી તપાસ સુધીની કેટલીક ઐતિહાસિક તસવીરો પણ ઉપલબ્ધ છે. આ સામગ્રી મુંબઈના રેલવે વિકાસ અને શહેરના સામાજિક ઇતિહાસની મહત્વપૂર્ણ કડીઓ દર્શાવે છે.

રેલવે તંત્રના આ નિર્ણયથી મુંબઈના જૂના રેલવે વારસાને એક જગ્યાએ સંરક્ષિત અને પ્રદર્શિત કરવાની તક મળશે. સાયન જેવા ઐતિહાસિક સ્ટેશનો સાથે જોડાયેલી વસ્તુઓ ભવિષ્યમાં હેરિટેજ ગેલેરી અથવા રેલવે મ્યુઝિયમમાં જોવા મળશે. આ રીતે મુંબઈની રેલવેના જન્મ અને વિકાસ સાથે જોડાયેલી ઐતિહાસિક કહાનીને નવી પેઢી સુધી પહોંચાડવામાં મદદ મળશે.