નામચી: સિક્કિમના નામચી જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ભૂસ્ખલનને કારણે, નિર્માણાધીન સમરદુંગ રોડ ટનલનો પ્રવેશદ્વાર કાટમાળથી બંધ થઈ ગયો હતો. જેમાં 12 કામદારો અંદર ફસાઈ ગયા હતા. ટનલની અંદર કુદરતી ગેસના લીકેજને લીધે બચાવ કામગીરીને વધુ જટિલ બનાવી દીધી છે.
યુદ્ધના ધોરણે બચાવ પ્રયાસો શરૂ
તેમજ ગેસ લીકેજના પગલે રાહત અને બચાવ કામગીરી દરમિયાન વધારાની સાવધાની રાખવામાં આવી રહી છે. વહીવટીતંત્રે અનેક એજન્સીઓની ટીમોને ઘટનાસ્થળે તૈનાત કરી છે અને યુદ્ધના ધોરણે બચાવ પ્રયાસો શરૂ કર્યા છે.
ભૂસ્ખલનને કારણે ટનલનો એક ભાગ તૂટી પડ્યો
આ દુર્ઘટના તિસ્તા સ્ટેજ-VI હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે બનાવવામાં આવી રહેલી ટનલની અંદર બની હતી. ભૂસ્ખલનને કારણે ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો અને બ્લોક થઈ ગયો હતો. જેના કારણે કામદારોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી. ભૂસ્ખલન પછી ટનલની અંદરની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ટનલ સુધી પહોંચવું મુશ્કેલ
અધિકારીઓને શંકા છે કે ભૂગર્ભ ખડકોની રચના અને ભૂસ્તરશાસ્ત્રીય સ્તરોમાં ફેરફારને કારણે કુદરતી ગેસ લીક થઈ રહ્યો હોઈ શકે છે. જેના કારણે ટનલ સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે.
બચાવ ટીમના સભ્યો ગેસની અસરથી બેભાન
સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળથી આવેલી બચાવ ટીમના સભ્યો ફસાયેલા કામદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરતી વખતે ચક્કર આવવા લાગ્યા અને ગેસના સંપર્કમાં આવવાને કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ ફસાયેલા કામદારોની ચોક્કસ સંખ્યા હજુ સ્પષ્ટ નથી.