ગંગટોક, સિક્કિમઃ દુનિયાભરના લોકો સોશિયલ મીડિયા પાછળ પોતાનો ઘણો સમય ખર્ચ કરતા હોય છે. જેમાં કેટલાક લોકો માટે સોશિયલ મીડિયા કમાણીનું સાધન પણ બની ગયું છે. તેવામાં ભારતના એક રાજ્ય દ્વારા ચોંકાવનારો આદેશ આપ્યો છે. સિક્કિમના વન અને પર્યાવરણ વિભાગે શુક્રવારે એક આદેશ જારી કર્યો જેમાં હવે સરકારી કર્મચારીઓને કામના સમય દરમિયાન સોશિયલ મીડિયાનો ઉગયોગ ના કરવાનો આદેશ આપ્યો છે. જો કે, આ આદેશ માત્ર વન વિભાગના કર્મચારીઓ માટે છે.
સિક્કિમ વન વિભાગના કર્મચારીઓ માટે નવો આદેશ
સિક્કિમના વન અને પર્યાવરણ વિભાગના આદેશ પ્રમાણે હવે સિક્કિમ વન વિભાગના કર્મચારીઓ કામ દરમિયાન રીલ બનાવી નહીં શકે, એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર વ્યક્તિગત પોસ્ટ કરવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. સિક્કિમના મુખ્ય મુખ્ય વન સંરક્ષક (PCCF)-કમ-મુખ્ય સચિવ પ્રદીપ કુમાર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ કામના વધારે ધ્યાન આપી શકે અને તેમના આચરણમાં સુધાર આવે તે માટે આ આદેશ આપવામાં આવ્યો છે.
સિક્કિમ પોલીસ કર્મચારીઓ પણ નહીં બનાવી શકે રીલ
મહત્વની વાત છે કે, સિક્કિમમાં પોલીસ દ્વારા પણ આવો આદેશ આપવામાં આવ્યો હતો. જે આદેશ પ્રમાણે પોલીસ કર્મચારીઓને પોલીસ યુનિફોર્મમાં રીલ બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. તેવામાં હવે સિક્કિમના વન કર્મચારીઓને ફરજ પર હોય ત્યારે સોશિયલ મીડિયા માટે સામગ્રી બનાવવા કે શેર કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
સરકારી કર્મચારીને માટે રીલ બનાવવા પર પ્રતિબંધ
સિક્કિમના સરકારી આદેશમાં જણાવાયું છે કે, ફરજ પર તૈનાત કર્મચારીઓ વ્યાવસાયિક આચરણ જાળવી રાખે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. તેનો હેતુ કર્મચારીઓ તેમના કાર્ય પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત રહે તે સુનિશ્ચિત કરવાનો પણ છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તેવામાં સરકારી કર્મચારીઓ પર આવો પ્રતિબંધ લગાવવામાં આવ્યો તેનો કેટલાક લોકો વિરોધ પણ કરી રહ્યાં છે.