Fri Sep 04 2026

Logo

ક્લેપ એન્ડ કટ..!: રશ્મિકાના ઉદાહરણ પરથી કોઈ ધડો લેશે?

2026-08-07 09:35:00
Author: Siddharth Chhaya
ક્લેપ એન્ડ કટ..!: રશ્મિકાના ઉદાહરણ પરથી કોઈ ધડો લેશે?

 

સિદ્ધાર્થ છાયા

 

હાલમાં સમાચાર આવ્યા કે રશ્મિકા મંદાના કોઈ સેટ પર ઈજાગ્રસ્ત થઈ હતી. જોકે, આ ઘટના જૂની હતી,પણ  સમાચાર નવા હતા, કારણ કે, રશ્મિકા અને એની ટીમે આ સમાચાર છુપાવ્યા હતા. થોડા દિવસ અગાઉ રશ્મિકાએ સોશિયલ મીડિયા પર આવીને પોતાની હિપ ઇન્જરી વિશે પોસ્ટ મૂકી ત્યારે તેના ફેન્સને ખબર પડી.

જોકે, એ પહેલાંના અઠવાડિયાઓ સુધી સોશ્યલ મીડિયા પર રશ્મિકાની ગેરહાજરીની નોંધ તો લેવાઈ જ રહી હતી. પછી રશ્મિકાએ ધીરે-ધીરે હાજરી પુરાવવાનું શરૂ કર્યું. પહેલાં સેલ્ફીઓ મૂકી, પછી વીડિયો મૂક્યા વગેરે વગેરે. પરંતુ હાલમાં તેણે જે પોસ્ટ મૂકી તેનાથી ખબર પડી કે, લે, આ બેનબા તો માંદાં પડ્યાં હતાં. પોતાની ઇન્જરીની વાત કરતાં રશ્મિકાએ જે ખુલાસો કર્યો છે, એ કદાચ આજકાલના તમામ કલાકારોને સમજવા જેવો છે.

આ ‘પુષ્પા ગર્લ’ નું કહેવું હતું કે આ તેની પહેલી કે બીજી નહીં, પરંતુ ત્રીજી ઇન્જરી છે!! હેં????? હા, તમે પણ ચોંકી ગયા ને? તો રશ્મિકાના કહેવા અનુસાર તેણે અત્યાર સુધી પોતાની જાતને મશીન તરીકે જ ટ્રીટ કરી છે એટલે કે, પહેલી કે બીજી ઇન્જરી બાદ પણ ડોક્ટરોની આરામ કરવાની સલાહને તેણે અવગણી અને સતત કામમાં વ્યસ્ત રહી હશે. આ જ કારણસર તેને ત્રીજી વખત ઈજાગ્રસ્ત થવું પડ્યું.

બોલિવૂડના અન્ય કલાકારોએ પણ (સિવાય કે અક્ષય કુમાર) આના પરથી ધડો લેવાની જરૂર નથી? શું તેમણે પણ ‘જીવન કી આપાધાપી’માંથી થોડો સમય પોતાના શરીરને આરામ માટે કાઢવો જોઈએ? જો એમ કરશે તો જ કેરિયર તંદુરસ્ત રહેશે અને લાંબી પણ ચાલશે. નહીં તો રશ્મિકાની જેમ અણગમા સાથે લાંબો બ્રેક લેવો પડશે. 

‘રાણો’ તો રાણાની રીતે જ આવશે!

વો ઝમાના ગયા તોલારામ કે જ્યારે હોલિવૂડની બિગ-બજેટ ફિલ્મોને આવકારવા આપણી હિન્દી ફિલ્મો પોતાનું સ્થાન ખાલી કરી દેતી. હવે બોલિવૂડને હોલિવૂડનો ડર નથી. ભલે, હોલિવૂડ એમના કરતાં વધુ સારી રીતે વાર્તા કહી શકે છે, પણ એટલીસ્ટ એની સાથે ટક્કર લેવામાં આપણી ફિલ્મો જરાય પાછળ નથી.

આવનારી ક્રિસમસ પર ત્રણ-ત્રણ મોટા ગજાની હોલિવૂડ ફિલ્મો સામે શાહરૂખ ખાનની ‘કિંગ’ ટક્કર લેશે. જોકે, આ ટક્કર વચ્ચે એક અઠવાડિયાનો ગેપ છે, તેમ છતાં તેની અસર જરાય ઓછી નહીં થાય.

આવનારી 18 ડિસેમ્બરે ત્રણ હોલિવૂડ ફિલ્મ: ‘એવેન્જર્સ: ડૂમ્સ ડે’, ‘ડ્યૂન: પાર્ટ 3’ અને ‘જુમાન્જી: ઓપન વર્લ્ડ’ એકસાથે રિલીઝ થવાની છે. એના  પછીના અઠવાડિયે, એટલે કે 24 ડિસેમ્બરે, શાહરૂખની ‘કિંગ’ રિલીઝ થશે તેની જાહેરાત ઑલરેડી થઈ ચૂકી છે.

જોકે જ્યારે પેલી ત્રણ હોલિવૂડ ફિલ્મોની જાહેરાત થઈ ત્યારે અમુક લોકોને ચિંતા થઈ અને તેમણે અંદરની ખબર કાઢી. આ ખબર પરથી પાક્કું થયું છે કે ‘રાણો’ તો રાણાની રીતે જ, એટલે કે 24 ડિસેમ્બરે જ, થિયેટરોમાં આવશે.....જ્યારે પણ એક સાથે આટલી બધી ફિલ્મો આવતી હોય ત્યારે શો અંગે મારામારી હોય. પણ શાહરૂખ ખાનનો ઇતિહાસ છે કે જ્યારે એ પોતે ફિલ્મ પ્રોડ્યુસ કરે છે ત્યારે તે મેક્સિમમ સ્ક્રીન્સ લઈ જાય છે. આથી હવે ચિંતા પેલા હોલિવૂડવાળાએ કરવાની છે કે એક અઠવાડિયા પછી ભારતમાં એમનાં કલેક્શનની હાલત શું થશે!

હવે આવશે ‘ટનલ મેન’

‘યશરાજ’ ફિલ્મ્સે હવે એવું નક્કી કરી લીધું લાગે છે કે દેશના ઇતિહાસમાં જ્યાં જ્યાં સામાન્ય માણસે અસાધારણ કામ કર્યું હોય ત્યાં ત્યાં કેમેરો પહોંચાડવો. પહેલાં ભોપાલ ગેસ દુર્ઘટનાના અનામી હીરો પર ‘ધ રેલવે મેન’ બનાવી અને હવે વારો આવ્યો છે 2023ની ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલ દુર્ઘટનાનો. ‘યશરાજ એન્ટરટેઇનમેન્ટે’ સત્તાવાર રીતે ‘ટનલ મેન’ નામની નવી સિરીઝની જાહેરાત કરી છે. આ સિરીઝ 17 દિવસ સુધી ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાના અભૂતપૂર્વ રેસ્ક્યૂ ઓપરેશન પર આધારિત હશે.

આખી દુનિયા જ્યારે ટીવી સામે બેસીને પ્રાર્થના કરી રહી હતી, ત્યારે એક તરફ એન્જિનિયરો, એનડીઆરએફ, સેનાના જવાનો અને અનેક નિષ્ણાતો ટનલની બહાર દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા. આખરે તમામ 41 મજૂરોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. હવે આ જ ઘટનાને પડદા પર લાવવાની જવાબદારી ‘યશરાજે’  પોતાના ખભે ઉપાડી છે. સિરીઝનું દિગ્દર્શન ફરી એક વખત શિવ રવૈલ કરશે, જેમણે ‘ધ રેલવે મેન’ને પણ ડિરેક્ટ કરી હતી.

હવે એક વાત તો પાક્કી છે. જો આવું જ ચાલે રાખ્યું તો આપણને જ્યાં જુઓ ત્યાં ‘મેન’ જ ‘મેન’ દેખાશે. પહેલાં ‘રેલવે મેન’, હવે ‘ટનલ મેન’. કોને ખબર કે કાલે કોઈ પાણીની ટાંકીમાં પડી ગયેલી બિલાડીને બચાવનાર પર પણ ‘ટાંકી મેન’ બનાવી નાખે તો નવાઈ નહીં! જોકે, જો વાર્તા સાચી હોય, લાગણીઓ સાચી હોય અને હીરો ખરેખર સામાન્ય માણસ હોય, તો આવી ‘મેનગીરી’ વારંવાર જોવા કોઈને વાંધો પણ નહીં હોય.

કટ એન્ડ ઓકે...

‘સારાભાઇ વર્સીઝ સારાભાઇ’ની સફળ જોડી આતિશ કાપડિયા અને જેડી મજેઠિયા 28 ઓગસ્ટે ‘નેટફલીક્સ’  પર લાવી રહ્યા છે નવી વેબ સિરીઝ ‘ચુંબક’, જેમાં નીના ગુપ્તા, સુમિત રાઘવન અને દેવેન ભોજાણી સરીખા કલાકારો છે.