જ્યોત્સના તન્ના
આપણે ત્યાં એક પરંપરા છે. દરેક માસનાં ગીત રચાય. ઋતુ પ્રમાણે ગીત, નૃત્ય અને ઉત્સવ હોય છે. આ વખતે લોકપ્રિય નાયક અને નાયિકાને અનુલક્ષીને આવાં ગીત ગોઠવાઈ જાય છે. તે ‘બારહમાસા’ કહેવાય છે. સ્વાભાવિક રીતે જ રાધાને કેન્દ્રમાં રાખી આવાં ગીત રચાયાં છે. દા.ત. એક લોકગીતની પંક્તિઓ છે.
‘માગશર શુભ માસં, ધર્મપ્રકાશં, હિયે હુલાશં, જનવાસં, સુંદર સહવાસં, સ્વામી પાસં, વિવિધ વિલાસં, રનવાસં અને નહીં અપવાસં, વૃત્તિ અકાસં નહીં વિશ્ર્વાસં, મોરારિ કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી.’
વસંત તો પ્રેમની ઋતુ જડચેતન બધું જીવંત થઈ જાય છે. મીરાંબાઈનું સુંદર પદ વસંતના આનંદવિલાસને વર્ણવે છે, ‘ઝૂલત રાધે સંગ, ગિરધર ઝૂલત રાધે સંગ અબીર ગુલાલ કી ધૂમ મચાઈ, ભર પિચકારી રંગ, ગુલાલ ભઈ જમુના વૃંદાવન, કેસર ચુવત અનંગ.’
તો રાધાના વિરહનું વર્ણન પણ આ જ ઋતુમાં છે, પ્રેમની રંગભરી ઋતુમાં પ્રિયતમ સાથે ન હોય તો રાધા દુ:ખી છે.
‘ફાગણ આવ્યો રે સખી, કસૂ ફૂલ રસાળ
હૃદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ...
વેરી વિધાતાએ લખ્યો, વ્હાલા તણો રે વિજોગ
રત્નાના સ્વામી રે શામળા, આવી કરો રે સંજોગ.’
વર્ષાઋતુમાં ગવાતા મલ્હારના સૂરમાં ‘બોલે ઝીણાં મોર, રાધે! તારા ડુંગરિયા પર બોલે ઝીણાં મોર’ પણ એક સરસ ઋતુપદ છે. રાજેન્દ્ર શાહની થોડી સુંદર પંક્તિઓ છે.
‘હિય હરિ લિયો હરાય, છલ છલ જમુના છલકૈ,
મોરા બોલૈ, સો ન સહાય.
વરસિ વરસિ અવ સાંવર, રાધાઅંગસુ અંગ મિલાય.’
બીજું એક વર્ષાનું વર્ણન છે. રત્નો કહે છે,
‘ભાદરવો ભરપૂરમાં, ભલું જણાયે જોર
ગગન વિશે કરે કાટકા, ના’વ્યા નંદકિશોર,
પંચરંગના આભમાં, મોટા તાણ્યા રે મચ્છ,
ચંપકવરણી રે રાધિકા, ચીર ભીંજાયે સ્વચ્છ.’
ચૈતન્યના અનુગામી 6 ગોસ્વામીઓમાંના એક રઘુનાથદાસે સંસ્કૃતમાં ‘હંસસંદેશ’ લખેલું, જેનો બંગાલી અનુવાદ 17મી સદીમાં થયો હતો તે ઉપલબ્ધ છે. તેમાં ગોપી લલિતા હંસપક્ષીને કૃષ્ણ પાસે સંદેશ લઈને મોકલે છે.
જેમાં વર્ષના બારે માસ દરમિયાન રાધા અને તેની સખીઓ ગોપીઓએ કૃષ્ણના વિરહમાં વેઠેલી વ્યથા વર્ણવે છે. જનસાધારણમાં બારહમાસા લોકપ્રિય પરંપરામાં હતા અને તે ગેય પ્રકાર છે.
શ્રીકૃષ્ણ સાથે મોરપીંછ એટલું નિકટતાથી જોડાઈ ગયું છે કે મોરપીંછ વગર તેમની કલ્પના પણ ન થાય. એક લોકગીતની સરસ પંક્તિઓ છે, ‘ઓરા આવો: તો વળી પૂછું વરણાગિયા, મોરલાની પીંછી શું પહેરી જી રે? અમે રે કળાધર, હો, નટવર, નટરાજ, રાધાની ટીલડી ને સેંથાનો રંગ રાજ;
ગોરી પૂછો તો કે’શું રે કે રંગો રળિયામણા.’ હરીન્દ્ર દવેની રાધા કૃષ્ણને કહે છે,
‘ફૂલ જશે કરમાઈ શ્યામ, લ્યો મોરપીંછ નિત તાજું,
નીલરંગમાં સોનેરી મુજ વર્ણ જોઈ નહીં લાજું.’
સુરેશ દલાલે કહ્યું,
‘અમે તમારી વાંસળીઓ ને તમે અમારા સૂર,
અમે તમારા મોરપિચ્છમાં રેશમ જેવો રંગ.’
રાધા અને મોરપીંછનું મુલાયમ ઐક્ય કવિઓ સિવાય કોણ સમજી શકે? શ્યામને મોરપીંછ જોઈ શું થાય? મકરંદ દવે,
‘માધવ મોરપીંછ અવલોકે,
વારવાર કંપિત કરથી ધરતા વિરહાકુલ શોકે,
આતુર અપલક રાધા કેરી ઝાંખી ઉરે જગાડી,
મોરપિચ્છ મહીં અનુખન નીરખે આંખ ઉઘાડી,
ઝીણી ઝલમલ તંતુતંતુ પર સોહે સ્વર્ણિમ છાયા,
નયન તરે સંકોચી સરતી કોમળ કંચન-કાયા
પ્રાણે પૂર્ણ વણાઈ નીલિમા નિખિલ નીલમણિ કેરી
પાગલ નૃત્ય કરી ખરવું શ્યામ વદનધન હેરી.
મોરપિચ્છ નિજ શિરે લગાવત ધારી પ્રેમ અગાધા,
માધવ ડોલત વનવન કુંજે બોલત રાધા! રાધા!’
જ્યારે ભક્તિભાવનાથી સમાજ તરબોળ થતો ગયો ત્યારે પાર્થિવ પ્રેમનાં ઘોતક પ્રાચીન પદો પર વૈષ્ણવ ભાવનાની છાપ મૂકી, એ પદોને રાધાકૃષ્ણના અપાર્થિવ પ્રેમનાં પદો બનાવી લેવાયાં. એ પદ એ વખતે લોકપ્રિય હશે તેથી એ નાની નાની સરવાણીઓ બૃહત્ ભક્તિસરિતામાં સમાઈ ગઈ.
નાયક-નાયિકાનાં નામ વગરનાં પદ ત્યારથી રાધાકૃષ્ણ ગીતિકા બની ગયાં. દા.ત. એક શ્ર્લોક છે, જેને 11મી સદીના આચાર્ય મમ્મટે પોતાના પુસ્તક ‘કાવ્યપ્રકાશ’માં રસશાસ્ત્રીય દૃષ્ટિએ મૂલવ્યો છે, જેમાં રાધાકૃષ્ણની કેલિક્રીડા સાથે કોઈ સંબંધ હોય તેવું લાગતું નથી. તે શ્ર્લોક રૂપ ગોસ્વામીએ ‘પદાવલી’નામના પોતાના પુસ્તકમાં રાધાની ઉક્તિરૂપે લીધો છે. શ્ર્લોક આ પ્રમાણે છે:
ય: કૌમારહર: સ એવ હિ વર: તા એવ ચૈત્રક્ષપા:
તે ચોન્મીલિત માલતી - સુરભય: પ્રૌઢા કદંબનિલા:
સા ચૈવાસ્મિ તથાપિ તત્ર સુરતવ્યાપાર-લીલાવિધૌ
રેવા-રોધસિ વેતસીતરુતલે ચેત: સમુત્કંઠતે.
નાયિકા (હવે રાધા) સખીને કહે છે. જેણે મારું કૌમાર્ય હર્યું છે તે જ મારો વર છે. ચૈત્રની એ જ રાતો છે. ખીલેલાં માલતીનાં ફૂલોથી સુરભિત કદંબ વનમાં એ જ પવન છે. હું પણ એ જ છું. છતાં કામક્રીડાલીલા માટે નર્મદાને કિનારે વાંસના તરુની નીચે મારું મન ઉત્કંઠિત છે.
‘ચૈતન્ય ચરિતામૃત’માં સમજાવવામાં આવ્યું છે કે કુરુક્ષેત્રમાં રાધા અને ગોપીઓ કૃષ્ણને મળ્યા તે વખતનો આ ભાવ છે. (ક્રમશ:)