Tue Sep 15 2026

Logo

શ્રીલંકામાં એક મૅચ શરૂ થઈ, પણ ગિલની ગેરહાજરી અને રાહુલ કેપ્ટન...જાણો શા માટે

Colombo   2026-08-07 11:26:00
Author: Ajay Motiwala
શ્રીલંકામાં એક મૅચ શરૂ થઈ, પણ ગિલની ગેરહાજરી અને રાહુલ કેપ્ટન...જાણો શા માટે

કોલંબો: ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા દોઢ વર્ષમાં થયેલા કેટલાક શર્મનાક પરાજયોના આઘાતમાંથી ભારત હજી માંડ બહાર આવી રહ્યું છે ત્યાં શ્રીલંકાના ટેસ્ટ પ્રવાસમાં શરૂઆતમાં જ ટીમ ઇન્ડિયા (Team India)ને એક ઝટકો લાગ્યો છે. કેપ્ટન શુભમન ગિલ (Gill) હાથની આંગળીની ઈજા (Injury)ને કારણે આજે શ્રીલંકા ક્રિકેટ ઇલેવન સામે શરૂ થયેલી ત્રણ દિવસની મૅચમાં નથી રમી રહ્યો.

ગુરુવારે બપોરે કોલંબોમાં પ્રેક્ટિસ સેશન દરમ્યાન ગિલને જમણા હાથની રિંગ ફિંગરમાં ઈજા થઈ હતી.

ગિલ આ જ મૅચમાં કદાચ રમશે

આજે શરૂ થયેલી આ એકમાત્ર પ્રેક્ટિસ મૅચમાં વાઇસ કેપ્ટન કે. એલ. રાહુલ ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યો છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે પૂર્વ સાવચેતી તરીકે ગિલ આ મૅચમાં પહેલા દિવસે મેદાન પર નથી ઊતર્યો. આ વૉર્મ-અપ મૅચ છે એટલે ગિલ એના બીજા અને ત્રીજા દિવસે રમી શકશે. જોકે તે શનિવાર અને રવિવારે રમશે કે નહીં એ વિશે નિર્ણય પછીથી લેવામાં આવશે.
 

ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ બે ટેસ્ટ મૅચ રમાવવાની છે જેમાંની પ્રથમ ટેસ્ટ ગૉલમાં 15મી ઓગસ્ટથી અને બીજી ટેસ્ટ કોલંબોમાં 23મી ઓગસ્ટથી રમાશે.

પ્રેક્ટિસ મૅચની શરૂઆત કેવી રહી?

ટીમ ઇન્ડિયા સામેની પ્રેક્ટિસ મૅચમાં શ્રીલંકા ક્રિકેટ ઇલેવને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી છે. ગમાગે સોનલ દિનુશા નામનો ખેલાડી યજમાન ટીમનો કેપ્ટન છે. તે સ્પિન ઑલરાઉન્ડર છે. નિશાન ફર્નાન્ડો અને રવિન્દુ રસન્થા નામના ઓપનરે શ્રીલંકન ટીમના દાવની શરૂઆત કરી છે. 12મી ઓવરમાં તેમનો સ્કોર વિના વિકેટે 49 રન હતો. ભારત વતી બોલિંગ કરનારાઓમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, રવીન્દ્ર જાડેજા અને ગુરનૂર બ્રારનો સમાવેશ હતો.