ભરત પટેલ
અરુણાસુરની માતાને માતા પાર્વતી મુક્તિ આપતાં અરુણાસુર ત્રાડી ઊઠે છે, ‘માતા પાર્વતી આ છળ-કપટ છે, તમે આવું કઈ રીતે કરી શકો? હું તમને આની પરવાનગી નહીં આપું. તમને જ્યારે ખબર હતી કે મારી માતા મુક્તિ મેળવવા તમારી ભક્તિ કરતી હતી તો તમે મને કેમ ન જણાવ્યું. કેવી જગતમાતા છો તમે? શું જગત માતાના હૃદયમાં મમતા નહીં ક્રૂરતા છે? તમે મારી માતાને મારાથી દૂર કરી છે હું પણ તમને અહીંથી નહીં જવા દઉં.’ આટલું કહી અરુણાસુર માતા પાર્વતી પર આક્રમણ કરવા જાય છે. એ જ સમયે કુમાર કાર્તિકેય વચ્ચે આવી જાય છે, સાથે એજ સમયે ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે.
અરુણાસુર ભગવાન શિવને જોઈ કહે છે, ‘દેવોના દેવ મહાદેવ, સારું થયું તમે આવી ગયા, હું બાળક અને સ્ત્રી સાથે યુદ્ધ લડવા નથી માગતો. હે દેવતાઓ બ્રહ્માજી, સરસ્વતીજી, લક્ષ્મીજી, શ્રીહરી વિષ્ણુ જુઓ દેવોના દેવ મારી સાથે કઈ રીતે છળ કરી રહ્યા છે. તમે જ સમજાવો કે અહીં અરુણાસુર છે નહીં કે કોઈ નિર્બળ માનવી.’ ભગવાન શિવ તેને સમજાવે છે કે તમારી હઠ અને વિચારવાની શક્તિએ તમારી સાથે છળ કર્યું છે. કોઈ સામાન્ય માનવી ક્યારેય પુન:જીવિત થઈ શકતો નથી, એટલું તો એક રાજાને સમજપડવું જોઈએ. તમારી માતાનું જીવન ફરી આરંભ નહીં થઈ શકે, પણ તમે ઇચ્છો તો તમારું નવું જીવન આરંભ થઈ શકે છે.’
ક્રોધિત અરુણાસુર ભગવાનને કહે છે કે ‘તમે માતાનું વાત્સલ્ય કઈ રીતે જાણી શકો તમે તો પોતે અજન્મા છો.’ માતા પાર્વતી તેને ચેતવણી આપતાં કહે છે, ‘અરુણાસુર તમે તમારી હદ વટાવી રહ્યા છો. ધ્યાન રહે આ દેવોના દેવ મહાદેવ છે.’ નાદાન અરુણાસુર કહે છે, ‘મહાદેવ તમને એ તો યાદ જ હશે કે તમારી પહેલી પત્નીના શબને લઈને તમે કેટલો વખત ભટકી રહ્યા હતા, હવે તમારે ફરીવાર પત્નીના વિરહમાં જીવવું પડશે, મેં મારી આરાધનાથી માતા પાર્વતીનું આહ્વાન કર્યું છે, તેઓ હવે મારી પરવાનગી સિવાય અહીંથી નહીં જઈ શકે.’
ભગવાન શિવ સખ્ત થતાં કહે છે, ‘અરુણાસુર તમે તમારા મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છો.’ અટ્ટહાસ્ય કરતાં અરુણાસુર કહે છે, ‘તમે મારો વધ તો કરી જ નહીં શકો, કેમ કે બ્રહ્માજીએ મને વરદાન આપ્યું છે કે, એકપદી, દ્વીપદી, ત્રીપદી કે ચતુષ્પદી પ્રાણી મારો વધ નહીં કરી શકે.’ માતા પાર્વતી કહે છે, ‘મૂર્ખ અરુણાસુર! તમે વિચાર્યું કે હવે હું અમર છું ખરું ને? પણ તમે તમારા અહંકારમાં પ્રકૃતિની વિવિધતાને ન સમજી શકયા. તમે ભૂલી ગયા કે સંસારમાં ષષ્ટપદી પ્રાણી પણ હોય છે. હવે તમારો અંત નિશ્ર્ચિત છે, તુરંત મહાદેવના શરણે જાઓ અન્યથા દંડિત થવાની તૈયારી કરો.’
અરુણાસુર માતા પાર્વતીની ચેષ્ટા કરતા કહે છે, ‘દેવી પાર્વતી! શું તમે મને દંડિત કરશો? હું જોઉં છું કે તમારી પાસે કઈ શક્તિ છે જે તમને બચાવશે.’ ક્રોધિત માતા પાર્વતી દેવી ભ્રામરીનું આવાહન કરે છે. માતા પાર્વતીના આદેશથી દેવી ભ્રામરી પ્રગટ થાય છે. (દેવી ભ્રામરી ભમરાઓની દેવી) માતા પાર્વતી કહે છે ‘દેવી ભ્રામરી જાઓ તમારા ભમરાઓને આદેશ આપો કે અરુણાસુરને સંસારથી મુક્ત કરે.’ માતાનો આદેશ સાંભળતાં જ દેવી ભ્રામરીના શરીરમાંથી લક્ષચોર્યાસી ભમરા નીકળ્યા અને અરુણાસુરના શરીરને વળગી પડયાં. થોડી જ ક્ષણોમાં અરુણાસુર તડપી તડપીને નિસ્તેજ થઈ ગયો.
*
અરુણાસુરના પ્રાણ પંખેરુ ઊડી જતાં બ્રહ્માજી, માતા સરસ્વતી, માતા લક્ષ્મી, ભગવાન શ્રીહરી વિષ્ણુ, દેવર્ષિ નારદ, દેવગુરુ બૃહસ્પતિ, દેવરાજ ઇન્દ્ર, તમામ દેવગણો સહિત કૈલાસ ખાતેથી શિવગણો આવી પહોંચે છે.
નંદી: ‘માતા ભ્રામરી રૂપી માતા પાર્વતીની જય હો.’
તમામ શિવગણો અને દેવગણો માતા પાર્વતી, ભગવાન શિવ, બ્રહ્માજી, માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરી વિષ્ણુનો જયજયકાર બોલાવે છે.
દેવર્ષિ નારદ: ‘માતા તમારા આ ભ્રામરી રૂપનો સાક્ષાત્કાર સમસ્ત સંસાર માટે કલ્યાણકારી સાબિત થશે. માતા ભ્રામરી યુગો યુગો સુધી પૃથ્વી પર બિરાજમાન રહેશે, કલિયુગમાં જે માનવી માતા ભ્રામરીના ગુણગાન ગાશે એનાથી અસુરી શક્તિઓ દૂર રહેશે.’
ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ લઈ દેવગણો પોત પોતાના લોક ચાલ્યાં ગયાં.
*
માતા પાર્વતી, ભગવાન શિવ અને કુમાર કાર્તિકેય ફરી તેમની સાથે કૈલાસ પધારતાં શિવગણો આનંદ અનુભવે છે.
કુમાર કાર્તિકેય: ‘પિતાશ્રી મને માફ કરો તમે મને પહેલાજ ચેતવ્યો હતા કે યુદ્ધભૂમિમાં લાગણીશીલ ન થતાં તમે એક યોદ્ધા તરીકે યુદ્ધભૂમિમાં ઊતરજો, હું એક સેનાપતિ તરીકે જવાબદારી નિભાવવામાં અસફળ રહ્યો અને યુદ્ધમાં ભાવુક થઈ એક ખોટું વચન આપી બેઠો, મેં તમારી સમક્ષ અયોગ્ય વર્તણૂક કરી તમારી નારાજગી વ્હોરી, મને માફ કરો.’
ભગવાન શિવ: ‘પુત્ર! તમે અને ગણેશ મારા પ્રિય છો, પિતા ક્યારેય પુત્રથી નારાજ થતા નથી, પણ તમારી માતા અવશ્ય દુ:ખી થયાં છે, તમારે એમની માફી માગવી જોઈએ.’
માતા પાર્વતી: ‘માતાને મન પુત્ર સર્વસ્વ હોય છે, માતા બન્યા બાદ સ્ત્રીનું જીવન પુત્રથી શરૂ થાય છે અને પુત્રથી જ અંત પામે છે. પુત્ર માટે માતાની મમતા અનંત છે. પુત્ર તમારી વર્તણૂકથી અમને દુ:ખ નથી થયું પણ અન્ય દેવતાઓ અવશ્ય દુ:ખી થયા છે. તમારે વચન આપવું પડશે કે આવનારા સમયમાં કોઈપણ અસુરની માયાજાળમાં નહીં ફસાઉં.’
કુમાર કાર્તિકેય: ‘પિતાજી હું તમને વચન આપું છું કે આપના શબ્દો અને ચેતવણીનું ધ્યાન રાખતાં કોઈ માયાજાળમાં નહીં ફસાઉં કે જેથી દેવગણોને દુ:ખ થાય. સમસ્ત દેવગણની સુરક્ષા માટે દેવસેનાપતિ તરીકે મારી ફરજ યોગ્ય રીતે બજાવીશ.’
માતા પાર્વતી : ‘કુમાર તમે સંસારના શ્રેષ્ઠ સેનાપતિ છો, યુગોના યુગો સુધી તમારી ખ્યાતિ ફેલાતી રહેશે.’
કુમાર કાર્તિકેય: ‘માતા તમારા અને પિતાજીના આશીર્વાદથી હું દેવગણો પર આવનારા સંકટને હંમેશાં દૂર કરીશ.’
ભગવાન શિવ: ‘કુમાર તમે કૃત્તિકા લોકથી ક્રોધિત અવસ્થામાં ક્ષીરસાગર ગયા હતા. તમારી કૃત્તિકા માતાઓ (સીવા, સંભુતી, પ્રીતિ, સન્નતી, અનાસુયા અને ક્ષમા) ખૂબ પીડા અનુભવી રહી છે, તમારે ત્યાં જવું પડશે, કૃત્તિકા માતાઓના સ્નેહનું પાન કરવું પડશે.’
કુમાર કાર્તિકેય: ‘અવશ્ય પિતાશ્રી! હું કૃત્તિકા લોક જઈ માતાઓની માફી માંગીશ.’
માતા પાર્વતી: ‘કુમાર, અહીં તમારી માતા પણ તમારી પ્રતીક્ષામાં હશે એ ભૂલશો નહીં.’
કુમાર કાર્તિકેય: ‘નહીં માતા, હું કૃત્તિકા માતાઓના આશીર્વાદ લઈ તુરંત પાછો આવીશ.’
કુમાર કાર્તિકેય, માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ લઈ કૃત્તિકા લોક તરફ પ્રયાણ કરે છે.
*
કુમાર કાર્તિકેય કૃત્તિકા લોક ખાતે પહોંચતાં જ માતાએ કુમારને ઘેરી વળે છે.
કુમાર કાર્તિકેય માતા સીવા, માતા સંભુતી, માતા પ્રીતિ, માતા સન્નતી, માતા અનાસુયા અને માતા ક્ષમાના આશીર્વાદ લે છે.
માતા સંભુતિ: ‘કુમાર તમે ક્રોધિત અવસ્થામાં ખૂબ કદરૂપા લાગતા હતા.’
કુમાર કાર્તિકેય: ‘માતા હમણાં પણ હું કદરૂપો લાગું છું?’
માતા પ્રીતિ: ‘નહીં પુત્ર! આજે તમે ખૂબ પ્રેમાળ લાગી રહ્યા છો.’
કુમાર કાર્તિકેય: ‘માતા ઘણા સમય બાદ અહીં આવ્યો છું, શું આપના ભોજનરૂપી સ્નેહનું પાન નહીં કરાવશો?’
કુમારની માગણી થતાં જ કૃત્તિકા માતાઓ ભોજન બનાવવામાં વ્યસ્ત થઇ જાય છે. (ક્રમશ:)