ભરત પટેલ
સ્વર્ગની અપ્સરાઓની વાત સાંભળી સિંદૂરાસુર વિચારે છે કે વાત તો સાચી છે, અહીં બેસીને મારી ખ્યાતિ કાંઈ વધવાની નથી, મારે આગળ વધી વૈકુંઠલોક અને કૈલાસ વિજેતા બનવું જોઈએ તો મારી ખ્યાતિ ત્રણે લોકમાં પ્રસ્થાપિત થશે. સામે પક્ષે પલાયન થયેલા દેવરાજ ઇન્દ્ર અને દેવગણો સિંદૂરાસુરની ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા. તેઓ બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી તેમને કહે છે, ‘દેવગણો આ ચિંતાનો વિષય તો છે જ, પણ આનો ઉપાય શોધવા આપણે તુરંત વૈકુંઠલોક જવું જોઈએ, શ્રીહરિ વિષ્ણુ એનો સાચો ઉકેલ આપશે.’ બ્રહ્માજી, દેવરાજ ઇન્દ્ર સહિત સમસ્ત દેવગણ વૈકુંઠલોક પહોંચે છે.
ભગવાન શ્રીહરિ વિષ્ણુ નિંદ્રાધીન હતા એટલે માતા લક્ષ્મીજીએ કહ્યું કે, ‘તમે તો જોઈ જ રહ્યા છો કે સ્વામી નિદ્રાધીન છે તેમને ઉઠાડી શકાય નહીં, તમે કૈલાસ જાઓ ભગવાન શિવ જ આનો ઉકેલ લાવશે.’ માતા લક્ષ્મીની વાત દેવગણને યોગ્ય લાગતાં તેઓ કૈલાસ પહોંચે છે. કૈલાસ ખાતે પહોંચતાં જ તેઓ જુએ છે કે ભગવાન શિવ તપમાં લીન છે.
માતા પાર્વતી બ્રહ્માજી, દેવરાજ ઇન્દ્ર, દેવગુરુ બૃહસ્પતિ અને દેવગણોનું સ્વાગત કરે છે અને કહે છે, કહો બધા સાથે કેમ પધાર્યા છો? દેવગુરુ બૃહસ્પતિ વસ્તુસ્થિતિ સમજાવતાં કહે છે ‘માતા દેવગણો મુશ્કેલીમાં છે, બ્રહ્માજીના પુત્ર સિંદૂરાસુરને ભગવાન શિવે વરદાન આપ્યું છે કે તેને પંચભૂતો, દેવતાઓ, દાનવો, યક્ષો અને મનુષ્યથી કોઈ ભય નહીં રહે. ઇન્દ્ર કે યોગપાલ પણ તારું કંઇ બગાડી નહીં શકે. દિવસ હોય કે રાત્રી, સજીવ કે નિર્જીવ વસ્તુથી ભય નહીં રહે. જો તું તારી ભુજાઓમાં કોઈને જકડી લેશે તો વિરોધીના શરીરના સેંકડો ટુકડા થઈ જશે. તારે ત્રણે લોકમાં જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે તને કોઈ રોકી નહીં શકે.
પ્રથમ અમે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે ગયા હતાં, પણ તેઓ ક્ષિરસાગરમાં નિદ્રાધીન હતા, એટલે અમે ભગવાન શિવ અને તમારી શરણે આવ્યા છીએ, અહીં ભગવાન શિવ પણ તપસ્યામાં લીન છે.’ વધુમાં દેવરાજ ઈન્દ્ર કહે છે, ‘માતા આવું વરદાન ભગવાન શિવે જ સિંદૂરાસુરને આપ્યું, પણ વરદાનની યુક્તિ તો બ્રહ્માજીએ જ સિંદૂરાસુરને આપી હતી.’ પોતાનો બચાવ કરતાં બ્રહ્માજી કહે છે, ‘દેવી! મને લાગ્યું નહોતું કે મારો પુત્ર અસુરી વૃત્તિ ધરાવતો હશે.’ માતા પાર્વતી દેવતાઓને કહે છે કે ‘માનવ હોય કે દાનવ! દરેકની માનસિકતા તેનો જન્મ કઈ પરિસ્થિતિમાં થયો તેના પર અવલંબે છે.
હવે આવી પરિસ્થિતિમાં દેવતાઓએ જ તેને મહાત કરવો જોઈએ.’ દેવરાજ ઇન્દ્ર કહે છે, ‘માતા! વરદાન મેળવ્યા બાદ સિંદૂરાસુરને ખબર છે કે દેવગણો એનું કંઈ બગાડી શકતા નથી એટલે હવે એ વૈકુંઠલોક અને કૈલાસલોક પર આક્રમણ કરવા આવી રહ્યો છે.’ આટલું સાંભળતાં જ ત્યાં ઉપસ્થિત ભગવાન ગણેશ ક્રોધિત થઈ જાય છે અને કહે છે, ‘દેવગણો ચિંતિત ન થાઓ, સિંદૂરાસુર વૈકુંઠલોક અને કૈલાસ લોક પર શું આક્રમણ કરે, તે પહેલાં હું જ તેનો નાશ કરીશ.’
***
ક્રોધિત થયેલા ભગવાન ગણેશને જોઈ માતા પાર્વતી તેમને શાંત પાડે છે.
માતા પાર્વતી: ‘પુત્ર ગણેશ તમે ક્રોધિત ન થાઓ, સિંદૂરાસુર એટલી હિંમત તો નહીં જ ધરાવતો હોય કે એ વૈકુંઠલોક અને કૈલાસ પર આક્રમણ કરે. તમારા પિતા સહિત દેવગણ કૈલાસ પર જ છે તમે નિશ્ર્ચિંત રહો. તમે ગણેશલોક જાઓ, સિદ્ધિ બુદ્ધિ તમારી રાહ જોતા હશે. તમારી જરૂરત જણાતા હું તમારું આવાહન કરીશ, તુરંત મદદે દોડી આવજો.’
ભગવાન ગણેશ: ‘માતા! જેવી તમારી આજ્ઞા, તમારા આવાહન પર હું તુરંત આવી જઈશ.’
***
બીજી તરફ સિંદૂરાસુર વૈકુંઠલોક પહોંચે છે. તે ભગવાન શ્રીહરિ વિષ્ણુને પડકારે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ માતા લક્ષ્મીને ઈશારો કરતાં જ માતા લક્ષ્મી પણ અદૃશ્ય થઈ જાય છે.
વૈકુંઠલોકથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ અદૃશ્ય થઈ જતાં સિંદૂરાસુરને કંઈ દેખાતું નથી, ફક્ત ભગવાન શ્રીહરિ વિષ્ણુની નાગશૈયા દેખાય છે.
સિંદુરાસુર: ‘આ શું છે? આ વૈકુંઠલોકમાં તો કંઈ જ નથી. અહીં વિજેતા બનીને શું મળે. આ નાગશૈયા પર શું આરામ મળે? સ્વર્ગલોકમાં તો મખમલની શૈયા હોય છે. હવે મારે કૈલાસ લોક જવું પડશે, ત્યાં શું છે એ જોવું છે.’
આટલું કહી એ કૈલાસ તરફ પ્રયાણ કરે છે.
***
સિંદૂરાસુર કૈલાસ પહોંચતાં જ દેવગણો ભગવાન શિવને પોકારવા લાગે છે.
દેવગણો: ‘ત્રાહિમામ પ્રભુ ત્રાહિમામ...’
દેવગણોનો કોલાહલ સંભળાતાં ભગવાન શિવ તપને ત્યાગે છે. સમસ્ત દેવતાઓ ભગવાન શિવની પાછળ છુપાવાની કોશિશ કરે છે.
સામે સિંદૂરાસુર પોતાને મહાકાય બનાવી ભગવાન શિવ સહિત સમસ્ત દેવતાઓને પોતાની બાહુમાં ઊંચકી લે છે.
ભગવાન શિવ: ‘સિંદૂરાસુર આ યોગ્ય નથી, તમને ખબર જ છે કે હું શિવ છું, મારું ત્રીજું નેત્ર જો ખોલીશ તો સિંદૂરાસુર તમે ભસ્મ થઇ જશો.’
સિંદૂરાસુર: ‘પ્રભુ હું કાંઈ મૂર્ખ નથી, કે તમને છુટા કરી દઉં, મેં મારી ભુજાઓના બાહુપાશમાં બાંધી દીધા છે, તમે જો ત્રીજું નેત્ર ખોલશો તો તમારી સાથે બધા દેવતાઓ પણ ભસ્મ થઈ જશે.’
પરિસ્થિતિ વિકટ જણાતાં માતા પાર્વતી ભગવાન ગણેશનું આવાહન કરે છે.
માતા પાર્વતી: ‘પુત્ર ગણેશ...... તુરંત પ્રગટ થાઓ.’
માતા પાર્વતીના આવાહન પર ભગવાન ગણેશ તુરંત પ્રગટ થાય છે.
ભગવાન ગણેશ: ‘હે સિંદૂરાસુર, હું તને ચેતવણી આપું છું કે સમસ્ત દેવતાઓને બાહુપાશમાંથી મુક્ત કર.’
સિંદૂરાસુર: ‘હે વિચિત્ર દેખાતા બાળક! તને ખબર છે હું કોણ છું, હું સ્વર્ગલોક અને વૈકુંઠલોક વિજેતા છું, મને વરદાન મળ્યું છે કે મને પંચભૂતો, દેવતાઓ, દાનવો, યક્ષો અને મનુષ્યથી કોઈ ભય નહીં રહે. ઇન્દ્ર કે યોગપાલ પણ મારું કંઇ બગાડી નહીં શકે. દિવસ હોય કે રાત્રી, સજીવ કે નિર્જીવ વસ્તુથી ભય નહીં રહે. જો હું તારી ભુજાઓમાં કોઈને જકડી લઈશ તો વિરોધીના શરીરના સેંકડો ટુકડા થઈ જશે. મારે ત્રણે લોકમાં જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે તને કોઈ રોકી નહીં શકે, જા બાળક જા... આ ભગવાન શિવ મારું કંઈ બગાડી શકતા નથી તો તું શું કરી લેશે.’
આટલું સાંભળતાં જ ભગવાન ગણેશ પોતાને સિંદૂરાસુરથી ય વધુ મહાકાય બનાવે છે. સિંદૂરાસુર જોઈને આભો થઈ જાય છે. તેના બાહુપાશમાં સમસ્ત દેવતાઓ હોવાથી કંઈ કરી શકતો નથી.
ભગવાન ગણેશ: ‘હું તને છેલ્લી ચેતવણી આપું છું, તુરંત દેવતાઓની છોડી પાતાળલોક ચાલ્યો જા નહીંતર તારો વધ નિશ્ર્ચિત છે.’
સિંદૂરાસુર: ‘હે મહાકાય વિચિત્ર પ્રાણી તું કોણ છે? જ્યાં સુધી મારા બાહુપાશમાં દેવતાઓ છે તું કંઈ નહીં કરી શકે.’
માતા પાર્વતી: ‘મૂર્ખ સિંદૂરાસુર! આ અમારો પુત્ર ગણેશ છે, તારા વરદાનમાં ક્યાંય નથી કહ્યું કે ગજમુખ દેવ તારો વધ નહીં કરી શકે.’
માતા પાર્વતીની વાત સાંભળવામાં વ્યસ્ત સિંદૂરાસુર કંઈ વિચારે એ પહેલાં ભગવાન ગણેશે તેમની સૂંઢથી સિંદૂરાસુરની ડોકને જકડી લીધી. ભગવાન ગણેશના સૂંઢની પકડ એટલી મજબૂત હતી કે સિંદૂરાસુર શ્વાસ પણ લઈ ન શક્યો. સિંદૂરાસુરના બાહુપાશની પકડ ઢીલી થતાં સમસ્ત દેવગણો છુટકારો મેળવે છે. સિંદૂરાસુર નિશ્વાસ થઈ ઢળી પડે છે.
નંદી: ‘ગણાધ્યક્ષ ગણેશની જય હો.’
સમસ્ત દેવતાઓ ભગવાન ગણેશનો જયજયકાર કરે છે. કૈલાસ ખાતે આનંદનું વાતાવરણ થઈ જતાં સમસ્ત દેવગણો અને શિવગણો નૃત્ય કરી ઉત્સવ ઉજવે છે. (ક્રમશ:)