Wed Aug 19 2026

Logo

શિવ રહસ્ય: ત્રણે લોકને વશમાં કરવાનું અદ્ભુત સામર્થ્ય તમારામાં હશે, યોગ્ય લાગે ત્યાં નિવાસ કરો

2026-08-17 09:00:00
Author: Bharat Patel
Article Image

 

 

 

- ભરત પટેલ

 

અરુણાસુરના પ્રાણ પંખેરુ ઊડી જતાં બ્રહ્માજી, માતા સરસ્વતી, માતા લક્ષ્મી, ભગવાન શ્રીહરી વિષ્ણુ, દેવર્ષિ નારદ, દેવગુરુ બૃહસ્પતિ, દેવરાજ ઇન્દ્ર, તમામ દેવગણો સહિત કૈલાસ ખાતેથી શિવગણો આવી પહોંચે છે. તમામ શિવગણો અને દેવગણો માતા પાર્વતી, ભગવાન શિવ, બ્રહ્માજી, માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરી વિષ્ણુનો જયજયકાર બોલાવે છે. દેવર્ષિ નારદ કહે છે, ‘માતા તમારા આ ભ્રામરી રૂપનો સાક્ષાત્કાર સમસ્ત સંસાર માટે કલ્યાણકારી સાબિત થશે.

માતા ભ્રામરી યુગો યુગો સુધી પૃથ્વી પર બિરાજમાન રહેશે, કલિયુગમાં જે માનવી માતા ભ્રામરીના ગુણગાન ગાશે એનાથી અસુરી શક્તિઓ દૂર રહેશે.’ ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુના આશિર્વાદ લઈ દેવગણો પોત પોતાના લોક ચાલ્યાં ગયાં. માતા પાર્વતી, ભગવાન શિવ અને કુમાર કાર્તિકેય ફરી તેમની સાથે કૈલાસ પધારતાં શિવગણો આનંદ અનુભવે છે.

કુમાર કાર્તિકેય માફી માગતા કહે છે, ‘પિતાશ્રી મને માફ કરો તમે મને પહેલાજ ચેતવ્યો હતો કે યુદ્ધભૂમિમાં લાગણીશીલ ન થતાં તમે એક યોદ્ધા તરીકે યુદ્ધભૂમિમાં ઊતરજો, હું એક સેનાપતિ તરીકે જવાબદારી નિભાવવામાં અસફળ રહ્યો અને યુદ્ધમાં ભાવુક થઈ એક ખોટું વચન આપી બેઠો, મેં તમારી સમક્ષ અયોગ્ય વર્તણૂક કરી તમારી નારાજગી વ્હોરી, મને માફ કરો.’ સમજાવતાં માતા પાર્વતી કહે છે, ‘પુત્ર તમારી વર્તણૂકથી અમને દુ:ખ નથી થયું પણ અન્ય દેવતાઓ અવશ્ય દુ:ખી થયા છે. તમારે વચન આપવું પડશે કે આવનારા સમયમાં કોઈપણ અસુરની માયાજાળમાં નહીં ફસાઉં.’ કુમાર કાર્તિકેય કહે છે, ‘માતા તમારા અને પિતાજીના આશીર્વાદથી હું દેવગણો પર આવનારા સંકટને હંમેશાં દૂર કરીશ.’ વાતાવરણ પ્રફુલ્લિત થતાં જ ભગવાન શિવ કહે છે, ‘કુમાર તમે કૃત્તિકા લોકથી ક્રોધિત અવસ્થામાં ક્ષીરસાગર ગયા હતા. તમારી કૃત્તિકા માતાઓ (સીવા, સંભુતી, પ્રિતી, સન્નતી, અનાસુયા અને ક્ષમા) ખૂબ પીડા અનુભવી રહી છે, તમારે ત્યાં જઈ જવું પડશે, કૃત્તિકા માતાઓના સ્નેહનું પાન કરવું પડશે.’ વસ્તુસ્થિતિનું ભાન થતાં જ કુમાર કાર્તિકેય તુરંત કૃત્તિકા લોક તરફ પ્રયાણ કરે છે. કૃત્તિકા લોક પહોંચતાં જ માતાએ કુમારને ઘેરી વળે છે.

 

કુમાર કાર્તિકેય માતા સીવા, માતા સંભુતી, માતા પ્રિતી, માતા સન્નતી, માતા અનાસુયા અને માતા ક્ષમાના આશીર્વાદ લે છે. હાસ્યની છોળ ઉડાડતાં માતા સંભુતિ કહે છે, કુમાર તમે ક્રોધિત અવસ્થામાં ખૂબ કદરૂપા લાગતા હતા. પણ આજે તમે ખૂબ પ્રેમાળ લાગી રહ્યા છો.’ ઘણા સમયથી માતાઓના ભોજનરૂપી સ્નેહથી દૂર રહેલા કુમારની માગણી થતાં જ કૃત્તિકા માતાઓ ભોજન બનાવવામાં વ્યસ્ત થઇ જાય છે.

 

માતા સન્નતી: ‘કુમાર ભોજન તૈયાર છે.’

 

કુમાર કાર્તિકેય: ‘માતા હું સ્વહસ્તે તો ભોજન દરરોજ કરું છું પણ માતાઓ તમારા હાથે આરોગેલા ભોજનનો સ્વાદ કંઈ અલગ જ હોય છે.’

 

માતા સીવા, માતા સંભુતી, માતા પ્રિતી, માતા સન્નતી, માતા અનાસુયા અને માતા ક્ષમાના હાથે કુમાર કાર્તિકેય ભોજન  આરોગે છે.

 

કુમાર કાર્તિકેય: ‘માતા તમે હંમેશાં મને તમારા હાથે ભોજન કરાવ્યું છે, પણ આજે હું મારા હાથે તમને પણ ભોજન કરાવીશ.’

 

કુમાર કાતિર્ર્કેયના હાથે માતાઓ ભોજન કરી જીવનમાં સંતુષ્ટી અનુભવે છે. પોતાના આગમનથી માતાઓને થઈ રહેલા આનંદને જોઈ કુમાર કાર્તિકેય થોડો સમય કૃત્તિકા લોક નિવાસ કરે છે.

* * *

બીજી તરફ બ્રહ્મલોક ખાતે બ્રહ્માજી ધ્યાન મગ્ન હોય છે. ધ્યાન દરમિયાન તેમને બગાસું આવે છે. એ બગાસામાંથી એક સિંદૂરી શરીર ધરાવતા યુવાનની ઉત્પત્તિ થાય છે. યુવાન જમીન પર પગ મૂકતાં જ બ્રહ્મલોક ભૂકંપ જેવી કંપારી અનુભવે છે.

 

યુવાન: ‘તમારામાંથી મારી ઉત્પત્તિ થઈ હોવાથી આપ મારા પિતા છો, મને જણાવવાની કૃપા કરો કે તમે કોણ છો.’

 

બ્રહ્માજી: ‘મારા મુખમાંથી આવેલા બગાશાથી આપનો જન્મ થયો છે. અવશ્ય હું તમારો પિતા છું, હું સૃષ્ટિનો સજર્ર્ક બ્રહ્માજી છું અને આ તમારી માતા સરસ્વતી છે.’

 

યુવાન: ‘તમે મારા પિતાશ્રી છો મને મારું નામ અને ક્યાં નિવાસ કરું તેની જાણકારી આપો.’

 

બ્રહ્માજી: ‘પુત્ર તમારું શરીર સિંદૂરી છે, એટલે હું તમારું નામ સિંધુર રાખું છું.

 

સિંધુર: ‘પિતાશ્રી તમે મારું નામકરણ તો કરી દીધું હવે મને એ જણાવવાની કૃપા કરશો જેથી હું ત્યાં નિવાસ કરી શકું.’

 

બ્રહ્માજી: ‘પુત્ર તમારામાં ત્રણે લોકોને વશમાં કરવાનું અદ્ભુત સામર્થ્ય હશે. જાઓ ત્રણે લોકમાંથી તમને યોગ્ય  લાગે ત્યાં નિવાસ કરો.’

 

પુત્ર સિંધુર પિતા બ્રહ્માજીના આશીર્વાદ લઈ પૃથ્વી લોક તરફ નીકળી પડે છે. પૃથ્વી લોક પહોંચી એક ગામમાં ત્યાંના માનવોને હાનિ પહોંચાડવાની શરૂઆત કરે છે. એ ગામમાં ત્રાહિમામ થઇ ગયેલા માનવો એકઠા થઈ સિંધુરને કેમ સબક શિખડાવવો એની ચર્ચા કરે છે. ગામના યુવાનો એકઠા થઈ એકસાથે સિંધુર પર તૂટી પડે છે. સિંધુર ત્યાંથી પલાયન થઈ જાય છે અને બીજા ગામ પહોંચે છે. ત્યાં પણ એનું આસુરી મગજ ગામવાસીઓને ત્રાસ આપવાનું શરૂ કરે છે. ત્યાંના ગામવાસીઓ પણ એકત્ર થઈ સિંધુર પર તૂટી પડે છે. સિંધુર પાસે પલાયન થવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. ત્યાંથી પલાયન થઈ એક નદી કિનારે પહોંચે છે. એક સાધુ મહાત્મા ધ્યાન મગ્ન હોય છે.

 

સિંધુર: ‘એ માનવ! તું કોણ છે આવી મોટી મોટી દાઢી રાખીને તું શું કરી રહ્યો છે.’

 

સાધુ મહાત્મા: ‘હું સાધુ છું, ભગવાન શિવની આરાધના કરી રહ્યો છું.’

 

સિંધુર: ‘ભગવાન શિવની આરાધના કરવાથી શું મળશે.’

 

સાધુ મહાત્મા: ‘શું મળશે? તમને નથી ખબર?’

 

સિંધુર: ‘ના.’

 

સાધુ મહાત્મા: ‘ભગવાનની આરાધના કરવાથી ભગવાન પ્રસન્ન થાય અને તમે જે મનવાંછિત વરદાન માગો એ આપે.’

 

સિંધુર વિચાર કરે છે કે પિતાશ્રીએ કહ્યું હતું કે પુત્ર તમને પંચભૂતો, દેવતાઓ, દાનવો, યક્ષો અને મનુષ્યથી કોઈ ભય ન રહે. ઇન્દ્ર કે યોગપાલ પણ તારું કંઇ બગાડી નહીં શકે. પુત્ર તમને દિવસ હોય કે રાત્રી, સજીવ કે નિર્જીવ વસ્તુથી ભય નહીં રહે. જો તું તારી ભુજાઓમાં કોઈને જકડી લેશે તો વિરોધીના શરીરના સેંકડો ટુકડા થઈ જશે. તારે ત્રણે લોકમાં જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે તને કોઈ રોકી નહીં શકે. હવે મને સમજણ પડી રહી છે કે પિતાશ્રી મને પણ આરાધના કરી વરદાન માગવાનું કહી રહ્યા હતા. આટલું વિચારી સિંધુર પણ એકાંત વનમાં જઈ ધ્યાન મગ્ન થઈ જાય છે. ઘણાં વરસો સુધી ભગવાન શિવની આરાધના કરે છે. સિંધુરની આરાધનાનો સ્વર કૈલાસ સુધી પહોંચવા માંડે છે.

 

માતા પાર્વતી: ‘સ્વામી ફરી કોનો આ સ્વર કૈલાસ સુધી આવવા માંડ્યો છે, શું અસુર તો નથી ને?’

 

ભગવાન શિવ: ‘હા પાર્વતી એ અસુર જ છે, પણ બ્રહ્માજીનો પુત્ર છે.’

 

આટલું કહી ભગવાન શિવ સિંધુર પાસે પહોંચે છે.      

 

(ક્રમશ:)