Fri Sep 11 2026

Logo

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર BMW અકસ્માતમાં જાણીતા ઉદ્યોગપતિનું મોત

2026-03-09 14:05:00
Author: Savan Zalariya
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર BMW અકસ્માતમાં જાણીતા ઉદ્યોગપતિનું મોત

અલવર: રાજસ્થાનનાં અલવર પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક BMW કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જયપુરના એક જાણીતા ઉદ્યોગપતિ વલ્લભ મહેશ્વરીનું મોત નીપજ્યું, તેઓ ઉદ્યોગ જૂથ શકુન ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હતાં.

અહેવાલ મુજબ 62 વર્ષીય વલ્લભ મહેશ્વરી BMW કારમાં બેસીને જયપુરથી મથુરા જવા નીકળ્યા હતાં, કાર તેમનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. પોલીસ અધિકારી જણાવ્યું કે એક્સપ્રેસ વે પર ડ્રાઇવરે કાર પર કાબુ ગુમાવ્યો હતો, અને કાર રસ્તાની બાજુના બેરિકેડ સાથે અથડાઈ હતી, ત્યાર બાદ કર પલટી મારી ગઈ હતી. આ ટક્કર કેટલી જોરદાર હતી તેનો અંદાજો એ પરથી આવી શકે છે કે BMW જેવી હાઈ સેફટી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ડ્રાઇવરનો આબાદ બચાવ:
અકસ્માતમાં ઘયાલ થયેલા વલ્લભ મહેશ્વરી અને તેમના ડ્રાઇવરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વલ્લભ મહેશ્વરીને અલવરની બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. બાદમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે, તેને માત્ર સામાન્ય ઈજા પહોંચી છે.  

રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો:
વલ્લભ મહેશ્વરી શકુન ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હતાં, તેઓ અન્ય ઘણા ઉદ્યોગોના સંચાલક હતાં, તેઓ જાહેરાત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ, રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં કામ કરતા હતાં.  

તેમના મૃત્યુ અંગે રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકા રામ જુલીએ પણ શોક વ્યક્ત કર્યો હતો.