(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે કડાકો બોલાઈ ગયા બાદ આજે અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં પ્રગતિ થઈ રહી હોવાના અને ભારતની પેક્સ સિલિકામાં સહભાગિતા થવાના આશાવાદ વચ્ચે ખાસ કરીને મેટલ અને બૅન્કિંગ ક્ષેત્રના શૅરોમાં લેવાલી નીકળતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 316.57 પૉઈન્ટનું અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 116.90 પૉઈન્ટનું રિબાઉન્ડ જોવા મળ્યું હતું.
જોકે, એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 10,010.16 કરોડની ખરીદી સામે રૂ. 10,944.67 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 934.61 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 14,901.90 કરોડની ખરીદી સામે રૂ. 12,264.75 કરોડની વેચવાલી રહેતાં રૂ. 2637.15 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. આમ સ્થાનિક સંસ્થાકીય ખરીદીનો પણ બજારને ટેકો મળ્યો હતો.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 82,498.14ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 82,272.49ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 82,206.21 અને ઉપરમાં 83,132.08ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 0.38 ટકા અથવા તો 316.57 પૉઈન્ટ વધીને 82,814.71ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 25,454.35ના બંધ સામે 25,406.55ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 25,379.75થી 25,663.55ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 0.46 ટકા અથવા તો 116.90 પૉઈન્ટ વધીને 25,571.25ની સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે આજે બીએસઈ ખાતે કુલ 4349 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 1882 શૅરના ભાવ વધીને, 2303 શૅરના ભાવ ઘટીને અને 164 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 82 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 204 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા અને છ શૅરોમાં નીચલી સર્કિટ લાગી હતી. ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મોટું કરેક્શન જોવા મળ્યા બાદ આજે રોકાણકારોએ મિડકેપ શૅરોના પ્રીમિયમ વૅલ્યુએશનની સરખામણીમાં ઓછું જોખમ ધરાવતા લાર્જકેપ શૅરો પર પસંદગી ઉતારતા બજારમાં રિબાઉન્ડ જોવા મળ્યું હતું.
ધુમાં અમેરિકા સાથેના વેપાર કરારના સંકેતો અને ભારતનો પેક્સ સિલિકામાં પ્રવેશ થતાં એઆઈ, સેમીક્નડક્ટર અને મહત્ત્વના ખનીજોમાં પુરવઠાચેઈનની સલામતી મજબૂત થવાના આશાવાદે બજારના સુધારાને વધુ ટેકો પૂરો પાડ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ્સ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે આજે બૅન્કિંગ અને મેટલ શૅરોમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે આઈટી શૅરોમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, જાપાનના ફુગાવાના ડેટા હળવા આવ્યા હોવાથી વૈશ્વિક સ્તરે સુસંગત નાણાનીતિ અપનાવવામાં આવે તેવો આશાવાદ પ્રવર્તી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
એકંદરે આજે વૈશ્વિક મિશ્ર વલણને ધ્યાનમાં લેતા બજારમાં બેતરફી વધઘટ જોવા મળી હતી તેમ છતાં ઈન્ડેક્સ હેવીવેઈટ શૅરોમાં લેવાલી ઉપરાંત એનર્જી, મેટલ અને બૅન્કિંગ ક્ષેત્રના શૅરોમાં લેવાલીને ટેકે બજાર સકારાત્મક બંધ રહેવામાં સફળ રહ્યું હોવાનું રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ હેડ અજિત મિશ્રાએ જણાવ્યું હતું. આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 21 શૅરના ભાવ વધીને અને નવ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 2.73 ટકાનો સુધારો એનટીપીસીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 2.37 ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં 1.56 ટકાનો, બજાજ ફાઈનાન્સમાં 1.47 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 1.44 ટકાનો અને ટાટા સ્ટીલમાં 1.36 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં ટેક મહિન્દ્રામાં 1.61 ટકાનો, ઈન્ફોસિસમાં 1.23 ટકાનો, ઈટર્નલમાં 1.10 ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીમાં 0.92 ટકાનો, ભારતી એરટેલમાં 0.63 ટકાનો અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 0.53 ટકાનો ઘટાડો આવ્યો હતો.
આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં પાવર ઈન્ડેક્સમાં 1.91 ટકાનો, પીએસયુ બૅન્કમાં 1.83 ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં 1.53 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.51 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ અને મેટલ ઈન્ડેક્સમાં 1.27 ટકાનો અને બૅન્કેક્સમાં 0.77 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે આઈટી અને ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 0.45 ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.07 ટકાનો સુધારો આવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં 0.22 ટકાનો અથવા તો 187.95 પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીમાં 0.39 ટકા અથવા તો 100.15 પૉઈન્ટનો સુધારો આવ્યો છે. એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ. 1,89,341.06 કરોડ વધીને રૂ. 4,67,11,355.63 કરોડની સપાટીએ રહ્યું હતું.
દરમિયાન આજે એશિયન બજારોમાં હૉંગકૉંગના હૅંગસૅંગમાં 1.10 ટકાનો અને જાપાનના નિક્કી 225માં 1.07 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 2.31 ટકાનો સુધારો આવ્યો હતો. જોકે, આજે ચીનની બજાર લ્યૂનાર નવા વર્ષની રજાઓને કારણે બંધ રહી હતી. આ સિવાય યુરોપનાં બજારોમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ જ આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને બેરલદીઠ 71.44 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.