Tue Aug 18 2026

Logo

બેતરફી વધઘટને અંતે બ્લ્યુચીપ શૅરોમાં લેવાલી નીકળતા સેન્સેક્સમાં 273 પૉઈન્ટનો સુધારો

2026-07-30 19:51:04
Author: Ramesh Gohil
Article Image

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 3623.51 કરોડની ચોખ્ખી લેવાલી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
સ્થાનિક ઈક્વિટી માર્કેટ આજે સત્ર દરમિયાન બેતરફી વધઘટે અથડાઈ ગયા બાદ ખાસ કરીને પાછોતરા સત્રમાં રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝ અને એચડીએફસી બૅન્ક જેવાં બ્લ્યુચીપ શૅરોમાં લેવાલી નીકળતાં સત્રના અંતે સતત બીજા દિવસે બજાર સુધારા સાથે બંધ રહ્યા હતા, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 273.55 પૉઈન્ટ વધીને અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 66.95 પૉઈન્ટ વધીને બંધ રહ્યો હતો.

વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 17,431.96 કરોડની ખરીદી સામે રૂ. 13,808.45 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 3623.51 કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 17,979.63 કરોડની ખરીદી સામે રૂ. 19,843.66 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 1864.03 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.  

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 77,654.60ના બંધ સામે સાધારણ નરમાઈના વલણ સાથે 77,638.86ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 77,440.91 અને ઉપરમાં 78,007.09ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 0.35 ટકા અથવા તો 273.55 પૉઈન્ટ વધીને 77,928.15ની સપાટીએ બંધ રહ્યો હતો.

તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 24,250.20ના બંધ સામે ઘટીને 24,249.55ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 24,187.10 અને ઉપરમાં 24,342.95ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.28 ટકા અથવા તો 66.95 પૉઈન્ટ વધીને 24,317.15ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સમાં કુલ 566.18 પૉઈન્ટની અને નિફ્ટીમાં 155.85 પૉઈન્ટની બેતરફી વધઘટ જોવા મળી હતી. 

અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસની બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્‌‍ રાખ્યા હતા, પરંતુ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે તંગ નાણાનીતિ જાળવી રાખવાના સંકેત આપતાં આજે અમેરિકી બૉન્ડની યિલ્ડમાં વધારો થયો હતો અને વ્યાજદરમાં વધારાની આશંકાને ધ્યાનમાં લેતા વિશ્વ બજારમાં રોકાણકારો સાઈડલાઈન થયા હતા. વધુમાં આજે અમેરિકાના ઈરાન પરના હુમલાઓને કારણે ક્રૂડતેલના ભાવમાં ચંચળતા વધતાં બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા સપાટી પર આવી હોવાથી તેની બજાર પર નકારાત્મક અસર પડતા બજાર રેન્જ બાઉન્ડ રહી હોવાનું જીઓજિત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. 

જોકે, ગઈકાલે સતત બીજા દિવસે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહી હોવાના અહેવાલ, ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ અને અમુક કંપનીઓનાં વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળાના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા બજારનાં સુધારાને ટેકો મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

એકંદરે ફેડરલ રિઝર્વે વ્યાજદર જાળવી રાખવાની સાથે તંગ નાણાનીતિના સંકેત પણ આપ્યા હોવાથી આ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા હતા. વધુમાં આજે પશ્ચિમ એશિયાનો ભૂરાજકીય તણાવ ફરીથી સપાટી પર આવતા ક્રૂડતેલના ભાવ વધીને બેરલદીઠ 90 ડૉલર સુધી પહોંચતા બજાર બેતરફી વધઘટે અથડાઈ ગઈ હોવાનું રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવતા ઉમેર્યું હતું કે આજે મુખ્યત્વે ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ અને ચોક્કસ ક્ષેત્રના શૅરોમાં લેવાલીનો ટેકો મળતાં બજાર સકારાત્મક ઝોનમાં બંધ રહેવામાં સફળ રહ્યું હતું. 

આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 15 શૅરના ભાવ વધીને અને 15 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 25 શૅરના ભાવ વધીને અને 25 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જોકે, આજે બીએસઈ ખાતે કુલ 4407 શૅરોમાં કામકાજ થયા હતા જેમાંથી 1691 શૅરના ભાવ વધીને 2528 શૅરના ભાવ ઘટીને અને 188 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતાં. 

આજે સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 1.77 ટકાનો સુધારો મારુતિ સુઝુકીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 1.73 ટકાનો, રિલાયન્સમાં 1.44 ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 1.22 ટકાનો, એચડીએફસી બૅન્કમાં 1.06 ટકાનો અને પાવરગ્રીડ કોર્પોરેશનમાં 1.04 ટકાનો ઘટાડો આવ્યો હતો.

આ સિવાય મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 3.26 ટકાનો ઘટાડો અદાણી પોર્ટસમ જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈન્ડિગોમાં 0.87 ટકાનો, બજાજ ફિનસર્વમાં 0.83 ટકાનો, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 0.74 ટકાનો એક્સિસ બૅન્કમાં 0.57 ટકાનો અને ટીસીએસમાં 0.56 ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.66 ટકાનો અને મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.36 ટકાનો ઘટાડો આવ્યો હતો. 

વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં ઑટો ઈન્ડેક્સમાં 1.58 ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં 0.73 ટકાનો, ક્નઝ્યુમર ડિસ્ક્રેશનરી ઈન્ડેક્સમાં 0.48 ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં 0.38 ટકાનો, ટોપ ટેન બૅન્ક ઈન્ડેક્સમાં 0.20 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 0.17 ટકાનો અને ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 0.13 ટકાનો સુધારો આવ્યો હતો. તેની સામે આજે રિઅલ્ટી ઈન્ડેક્સ2.10 ટકા, સર્વિસીસ ઈન્ડેક્સ 1.14 ટકા, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ક્વૉલિટી ટિલ્ટ ઈન્ડેક્સ 0.82 ટકા, ઈન્સ્યોરન્સ ઈન્ડેક્સ 0.69 ટકા, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સ 0.61 ટકા, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સ 0.42 ટકા અને કૉમૉડિટી ઈન્ડેક્સ 0.39 ટકા ઘટીને બંધ રહ્યો હતો. 

આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી અને શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ રહ્યો હતો, જ્યારે જાપાનના નિક્કી 225માં અને હૉંગકૉંગના હૅંગસૅંગમાં સુધારાતરફી વલણ રહ્યું હતું અને યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન સુધારો જોવા મળ્યો હતો.