Sun Sep 13 2026

Logo

ક્રૂડતેલના ભાવ વધતાં સેન્સેક્સમાં 43 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 13 પૉઈન્ટનો સાધારણ સુધારો

2026-08-10 20:42:24
Author: Ramesh Gohil
ક્રૂડતેલના ભાવ વધતાં સેન્સેક્સમાં 43 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 13 પૉઈન્ટનો સાધારણ સુધારો

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની રૂ. 1974.76 કરોડની ચોખ્ખી લેવાલી સામે સ્થાનિક ફંડોની રૂ. 1290.29 કરોડની વેચવાલી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 43.27 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 13.15 પૉઈન્ટનો સાધારણ સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની રૂ. 13,161.56 કરોડની ખરીદી સામે રૂ. 11,186.80 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 1974.76 કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 15,868.51 કરોડની ખરીદી સામે રૂ. 17,158.80 કરોડની વેચવાલી રહેતા કુલ રૂ. 1290.29 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. આમ એકંદરે વિદેશી ફંડોની લેવાલીનો ટેકો મળતાં બૅન્ચમાર્કનાં સુધારાને ટેકો મળ્યો હતો. 

એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 78,499.17ના બંધ સામે સાધારણ સુધારા સાથે 78,501.59ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 78,298.92 અને ઉપરમાં 78,676.98ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 0.06 ટકા અથવા તો 43.27 પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના 24,570.65ના બંધ સામે 24,581.25ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 24,511.10થી 24,620.95ની રેન્જમાં રહીને અંતે આગલા બંધ સામે 0.05 ટકા અથવા તો 13.15 પૉઈન્ટ વધીને 24,583.80ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આજે સત્ર દરમિયાન સેન્સેક્સમાં 177.81 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 50.30 પૉઈન્ટનો સુધારો નોંધાયો હતો.

આજે ભારતીય ઈક્વિટી માર્કેટમાં અમુક અંશે દિશાહિન જેવી સ્થિતિ રહી હતી. જેમાં આઈટી અને ગ્રાહકલક્ષી શૅરોમાં જોવા મળેલો સુધારો બૅન્કિંગ ક્ષેત્રના શૅરોમાં જોવા મળેલા ઘટાડાની સામે ધોવાઈ ગયો હતો. એકંદરે ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલવા માટે કઠોર વલણ અપનાવ્યું હોવાના નિર્દેશોને ધ્યાનામાં લેતા મધ્યપૂર્વમાં સમાધાનની શક્યતા ધૂંધળી બનતાં બજારમાં રોકાણકારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હોવાનું રિસર્ચ એનાલિસ્ટ કંપની એચએસટી વૅલ્થનાં સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર હરિસેલ્વન રાધાક્રિષ્નને જણાવ્યું હતું. 

વધુમાં જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે આજે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખુલવા અંગે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને કારણે બજાર સાંકડી વધઘટે અથડાઈ ગયું હતું. જોકે, પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોને અમુક અંશે બજારને ટેકો જરૂર મળ્યો હતો. વધુમાં ગત શુક્રવારે જાહેર થયેલા અમેરિકાના રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિ અપનાવે તેવી શક્યતા નબળી પડી હોવા છતાં હવે રોકાણકારોની નજર વર્તમાન સપ્તાહે જાહેર થનારા અમેરિકાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ તથા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે. 

તે જ પ્રમાણે એનરીચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું કે ક્રૂડતેલના ભાવમાં વધારો અને પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ અંગે સમાધાનમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને કારણે ક્રૂડતેલના ભાવ વધી આવતા બજાર સાંકડી વધઘટમાં અથડાઈ ગયું હતું. જોકે, અમેરિકાનાં જોબ ડેટા નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં વધારો નહીં કરે તેવો આશાવાદ બજાર વર્તુળો સેવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

દરમિયાન આજે બીએસઈ ખાતે કુલ 2148 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાં 2148 શૅરના ભાવ વધીને, 2304 શૅરના ભાવ ઘટીને અને 193 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 239 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 92 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. આ ઉપરાંત આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 0.22 ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.16 ટકાનો સુધારો નોંધાયો હતો. 

આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 19 શૅરના ભાવ વધીને અને 11 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 3.14 ટકાનો વધારો ટાઈટનમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે બજાજ ફાઈનાન્સમાં 1.93 ટકાનો, બજાજ ફિનસર્વમાં 1.15 ટકાનો, ટાટા સ્ટીલમાં 1.09 ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં 1.07 ટકાનો અને ઈન્ફોસિસમાં 0.81 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 2.19 ટકાનો ઘટાડો સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં જોવા મળ્યો હતો. આ સિવાય ઈટર્નલમાં 1.57 ટકાનો, એનટીપીસીમાં 1.52 ટકાનો, આઈટીસીમાં 1.23 ટકાનો, ટીસીએસમાં 0.80 ટકાનો અને ટેક મહિન્દ્રામાં 0.66 ટકાનો ઘટાડો આવ્યો હતો. 

વધુમાં આજે બીએસઈ ખાતેનાં સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં રિયલ્ટી ઈન્ડેક્સમાં 1.60 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 1.21 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 0.47 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં 0.41 ટકાનો, ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 0.34 ટકાનો અને આઈટી ઈન્ડેક્સમાં 0.22 ટકાનો સુધારો આવ્યો હતો. તેની સામે પીએસયુ બૅન્ક ઈન્ડેક્સમાં 1.30 ટકાનો, હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડેક્સમાં 0.59 ટકાનો, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ક્વૉલિટી ટિલ્ટ ઈન્ડેક્સમાં 0.55 ટકાનો અને મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સમાં 0.36 ટકાનો ઘટાડો આવ્યો હતો.

આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી, જાપાનના નિક્કી 225, શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગનો હૅંગસૅંગ સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે, આજે યુરોપનાં બજારોમાં મધ્યસત્ર દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું હોવાના તેમ જ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.10 ટકાના ઉછાળા સાથે બેરલદીઠ 84.47 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.