આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક તો કેફેમાંથી કોફી પાર્સલ કરાવી જ હશે, તો તમે પણ કોફીના કપ પર લગાવવામાં આવેલા ઢાંકણા પર જોવા મળતું નાનકડું છિદ્ર જોયું જ હશે, હેં ને? જો આ સવાલનો જવાબ હામાં છે તો તમને પણ એવો સવાલ તો ચોક્કસ જ થયો હશે કે આખરે આ કોફીના કપના ઢાંકણા પર જોવા મળતાં આ છિદ્રનું શું કામ છે? 99 ટકા લોકોને આ પાછળનું સાચું કારણ નથી ખબર હોતી. ચાલો આજે તમને આ પાછળનું સાચું કારણ જણાવીએ...
તમે જ્યારે પણ કોઈ કાફેમાંથી ગરમાગરમ કોફીનો કપ લો છો, ત્યારે તેના પ્લાસ્ટિકના ઢાંકણ પર એક નાનકડું કાણું જોયું હશે. ઘણાને લાગે છે કે આ કાણું કોફી પીવા માટે કે પછી વરાળ બહાર કાઢવા માટે હોય છે. પરંતુ વાસ્તવમાં આ એક નાનકડા કાણા પાછળ એક જટિલ એન્જિનિયરિંગ અને સાયન્સ છુપાયેલું છે. જો આ કાણું ન હોય, તો તમારી કોફી પીવાનો અનુભવ બગડી શકે છે.
હવાના દબાણને સંતુલિત કરવા
જ્યારે તમે કપમાંથી કોફીનો એક ઘૂંટડો ભરો છો, ત્યારે કપની અંદરની કોફીનું સ્તર નીચે જાય છે. જો કપ સંપૂર્ણપણે સીલ હોય, તો કોફી બહાર નીકળ્યા પછી જે ખાલી જગ્યા વધે છે ત્યાં શૂન્યાવકાશ (Vacuum) સર્જાય છે. આ વેક્યૂમ કોફીને બહાર આવતા રોકે છે, જેના કારણે કોફી અટકી-અટકીને બહાર આવે છે. ઢાંકણ પરનું કાણું બહારની હવાને અંદર જવા દે છે, જે દબાણને સંતુલિત રાખે છે અને કોફી એકધારા પ્રવાહમાં બહાર આવે છે.
વરાળ અને ગરમીનું નિયમન
ગરમ કોફીમાંથી સતત વરાળ નીકળતી હોય છે. જો ઢાંકણ પર કાણું ન હોય, તો અંદર વરાળનું દબાણ વધી જાય છે. આ દબાણને કારણે કાં તો ઢાંકણ જાતે જ ખુલી જ જવાની શક્યતા છે કે પછી વરાળના પાણીના ટીપાં બનીને ઢાંકણ પર જમા થાય છે, જે કોફીના સ્વાદને ખરાબ કરી શકે છે. કોફીના કપ પર જોવા મળતું કાણું વધારાની વરાળને બહાર નીકળવા દે છે.

કોફીની સુવાસ ફેલાવવા
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જે સ્વાદ અનુભવીએ છીએ તેમાં 90 ટકા ફાળો તો આપણી સૂંઘવાની ક્ષમતાનો હોય છે. કોફીના ઢાંકણ પરનું કાણું કોફીની મનમોહક સુગંધને સીધી આપણા નાક સુધી પહોંચાડે છે. આ સુગંધને કારણે કોફીનો સ્વાદ વધુ સારો લાગે છે. જો કાણું ન હોય, તો તમે કોફીની અરોમાનો આનંદ માણી શકતા નથી.
છલકાતા રોકવા માટે
કોફી કપના ઢાંકણ પર જોવા મળતું આ કાણું એટલું નાનું હોય છે કે તે હવાને અંદર જવા દે છે પણ કોફીને સરળતાથી બહાર આવવા દેતું નથી. આ સિવાય આ નાનકડું દેખાતું છિદ્ર કોફીને છલકાતી અટકાવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે, જેથી તમે ચાલતા-ચાલતા પણ સરળતાથી કોફી પી શકો.
છે ને એકદમ અનોખી અને ચોંકાવનારી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને એમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...