જૂનાગઢ: સૌરાષ્ટ્ર પંથકમાં ડીઝલના નામે લાંબા સમયથી ધમધમતા શંકાસ્પદ અને ભેળસેળયુક્ત બાયોડીઝલના કૌભાંડ પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. ગાંધીનગરથી મળેલી ચોક્કસ બાતમીના આધારે SMCની ટીમે જૂનાગઢ જિલ્લાના ચોરવાડ અને માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ત્રણ અલગ-અલગ સ્થળોએ એકસાથે દરોડા પાડી ખળભળાટ મચાવી દીધો છે. આ દરોડામાં પોલીસે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે ઇલેક્ટ્રિક મોટર, ડિસ્પેન્સર મશીન, ટાંકા અને મોટી સંખ્યામાં વાહનો મળીને કુલ 2,13,48,880 રૂપિયાનો જંગી મુદ્દામાલ કબજે કર્યો છે, જે સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચનો વિષય બન્યો છે.
દરોડાની મુખ્ય વિગતો પર નજર કરીએ તો, ગડુ ગામથી માળીયા જવાના રસ્તે આવેલા ભવાની કોમ્પ્લેક્ષમાં શીવકૃપા ટ્રેડર્સ, ગડુ-ચોરવાડ હાઇવે પર આવેલ રાધે એન્ટરપ્રાઈઝ અને માણાવદરના મીતડી રોડ પર આવેલા નિલકંઠ ટ્રાન્સપોર્ટ એમ ત્રણેય સ્થળેથી પોલીસને ભેળસેળયુક્ત પ્રવાહીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે 15 જેટલા વાહનો જેમાં ટ્રક, આઇસર અને બસનો સમાવેશ થાય છે, તેને જપ્ત કર્યા છે. આ સાથે સ્થળ પરથી 9 સંગ્રહ કરવાના ટાંકાઓ, 7 ઇલેક્ટ્રિક મોટર અને 5 મોબાઇલ ફોન પણ મળી આવ્યા હતા.

પોલીસની આ તપાસમાં અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં શાહીલખા લીગારી, અર્જુનકુમાર ગળચર, નરેશકુમાર ડાભી, રાજુભાઈ રાડા, ફારૂક દલ, લાખાભાઈ કોડિયાતર, સોમીલભાઈ ભીમાણી અને જીતેશ ચૌહાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પપ્પુભાઈ ઉર્ફે પરબતભાઈ સોલંકી, ગૌતમભાઈ કારેથા, ભરતભાઈ કોરીયા અને અનવર હોઠી સહિતના 5 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારો અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર સરકારી તિજોરીને નુકસાન જ નથી પહોંચાડતી, પરંતુ પર્યાવરણ અને જાહેર સુરક્ષા માટે પણ મોટું જોખમ છે. SMC દ્વારા આપવામાં આવેલી ચેતવણી મુજબ, આ પ્રકારના ભેળસેળયુક્ત બાયોડીઝલના ઉપયોગથી વાહનોમાંથી નીકળતો ઝેરી ધુમાડો હવાનું પ્રદૂષણ વધારે છે, જ્યારે ઉત્પાદન દરમિયાન નીકળતા રસાયણો ભૂગર્ભ જળને દૂષિત કરે છે. વધુમાં, કોઈપણ સુરક્ષા માપદંડો વગર ચાલતા આવા સ્થળોએ આગ કે વિસ્ફોટ જેવી ગંભીર દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે. પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ઇંધણના કારોબારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.