ન્યૂયોર્કઃ નાસાનું ઔતિહાસિક નીલ ગેહરેલ્સ સ્વિફ્ટ સ્પેસ ટેલિસ્કોપ લગભગ 22 વર્ષ બાદ પૃથ્વી પર પરત ફરવા જઈ રહ્યું છે. અમેરિકન સ્પેસ ફોર્સના તાજેતરના અભ્યાસ પ્રમાણે આ ટેલિસ્કોપ 4 નવેમ્બરે બુધવારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે. ભારતીય સમય અનુસાર બુધવારે મોડી રાત્રે અથવા ગુરુવારે વહેલી સવારે તે વાતાવરણના ગાઢ વિસ્તારોમાં પ્રવેશે તેવી શક્યતા છે. લગભગ 1,130 કિલોગ્રામ વજન ધરાવતું આ ટેલિસ્કોપ ઘર્ષણને કારણે આકાશમાં જ નષ્ટ થઈ જશે.
પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રી જ્હોન નૌસેકના જણાવ્યા અનુસાર નીચી ભ્રમણકક્ષામાં ફરતી દરેક વસ્તુએ એક દિવસ નીચે આવવું જ પડે છે અને તેનો અંત વિનાશક હોય છે. વૈજ્ઞાનિકો પહેલેથી જ જાણતા હતા કે આ મિશનનો અંત આવી જ રીતે આગના ગોળામાં ફેરવાશે.
બે વર્ષના મિશન માટે મોકલાયું, 22 વર્ષ સુધી કર્યું કામ
નાસાએ વર્ષ 2004માં સ્વિફ્ટ ટેલિસ્કોપને અંતરિક્ષમાં મોકલ્યું હતું. શરૂઆતમાં તેને માત્ર 2 વર્ષ સુધી કામ કરી શકે એ રીતે તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે, આ ટેલિસ્કોપે લગભગ 22 વર્ષ સુધી સતત કામગીરી કરીને વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કર્યા હતા. સ્વિફ્ટે બ્રહ્માંડમાં થતાં સૌથી શક્તિશાળી વિસ્ફોટો એટલે કે ગામા-રે બર્સ્ટનો ઊંડાણપૂર્વક ઉપયોગ કર્યો હતો.
તેના સમગ્ર કાર્યકાળ દરમિયાન ટેલિસ્કોપે 2000થી વધુ ગામા-રે બર્સ્ટ અને 1400થી વધુ સુપરનોવાની ઘટનાઑ નોંધેલી છે. જ્યારે કોઈ વિશાળ બ્લેક હૉલ તારાને પોતાની તરફ ખેંચીને ગળી જાય છે, તેવી દુર્લભ ઘટનાને પણ સ્વિફ્ટે સફળતાપૂર્વક રેકોર્ડ કરી હતી. તાજેતરમાં જ સૌરમંડળમાંથી પસાર થયેલા ત્રીજા ઇન્ટરસ્ટેલર ઑબ્જેક્ટ ‘ધૂમકેતુ 3 આઈ/એટલાસ’ના અભ્યાસમાં પણ આ ટેલિસ્કોપે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ટેલિસ્કોપને બચાવવાની યોજના નિષ્ફળ ગઈ
નાસાના એસ્ટ્રોફિઝિક્સ વિભાગનાઆ ડિરેક્ટર શૉન ડોમાગલ-ગોલ્ડમેનના જણાવ્યા અનુસાર સ્વિફ્ટે એકત્રિત કરેલા ડેટાના આધારે અત્યાર સુધીમાં 7000થી વધુ વૈજ્ઞાનિક સશોધન પેપર પ્રકાશિત થઈ ચૂક્યા છે. સરેરાશ દર અઠવાડિયે આશરે 6 નવા સંશોધન પેપર આ ડેટા પર આધારીત હોય છે.
વૈજ્ઞાનિકો આ મિશનનો કાર્યકાળ વધુ લંબાવવા માંગતા હતા. આ જ વર્ષે જુલાઈમાં નાસાએ એક ખાનગી સ્પેસ કંપની સાથે મળીને ટેલિસ્કોપને બચાવવાની યોજના પણ બનાવી હતી. આ યોજના હેઠળ એક ખાસ રોબોટિક સેટેલાઈટ મોકલીને સ્વિફ્ટને વધુ ઊંચી ભ્રમણકક્ષામાં પહોંચાડવાની તૈયારી હતી.
જોકે, આ રોબોટિક ઉપકરણ રસ્તામાં ખરાબ થઈ ગયું અને યોજના નિષ્ફળ રહી ત્યાર બાદ વૈજ્ઞાનિકોએ ટેલિસ્કોપ બચાવવાનો વિચાર પડતો મૂક્યો અને તેને પૃથ્વીના ગુરુત્વાકર્ષણના હવાલે કરી દીધું. હવે આ ટેલિસ્કોપ આકાશમાં ચમકતી લકીર છોડીને હંમેશા માટે ઇતિહાસનો ભાગ બની જશે.