ઝુબૈદા વલિયાણી
કોલકતામાં મિનરવા થિયેટરમાં `નીલદર્પણ' નામનું નાટક ભજવાયું ત્યારની આ વાત છે.
- નાટકના પહેલા ખેલ વખતે બંગાળની નામાંકિત વ્યક્તિઓને નાટક જોવા આમંત્રી હતી.
- ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર પણ એ નાટક જોવા ગયા હતા.
- એ જમાનામાં સ્ત્રીનું પાત્ર પુરુષ કલાકાર જ ભજવતા.
- એક છોકરાએ ખેડૂતની દીકરીનું પાત્ર લીધું હતું.
- હવે નાટકમાં એક પ્રસંગ એવો આવે છે કે અંગ્રેજ ગોરો ખેડૂતની છોકરીની લાજ લૂંટવાનો પ્રયત્ન કરે છે.
- નાટકમાં ખેડૂતની દીકરી પાંદડું ધ્રૂજે એમ ભયથી ધ્રૂજતી દેખાય છે.
- આ કલાકારોએ એવું આબેહૂબ દૃશ્ય રજૂ કર્યું હતું કે પ્રેક્ષકોના મુખમાંથી પણ અરેરાટી નીકળી ગઈ કે આ ગોરો રાક્ષસ ઘડી-બે ઘડીમાં આ કુમળી કળીને ચોળી-ચૂંથી નાખશે.
- ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરનું લોહી આ દૃશ્ય જોતાં જ ઊકળી ઊઠ્યું.
- એ તો આવેશમાં આવી જઈ, રંગમંચ પર ચડી ગયા.
- પગમાંથી જોડો કાઢી, અંગ્રેજ ગોરાનું પાત્ર ભજવનારને ફટકારતાં બોલી ઉઠ્યા:
- `હરામખોર! એક ભોળી ખેડૂત કન્યાની લાજ લૂંટતાં શરમ નથી આવતી તને?'
- પ્રેક્ષકો પણ સ્તબ્ધ બનીને આ દૃશ્ય જોઈ રહ્યા.
- આવેશ શમી જતાં ઈશ્વરચન્દ્રને તરત ભાન થયું કે આ તો નાટક છે.
- લાજ લૂંટવાનું માત્ર અહીં તો અભિનય જ થઈ રહ્યો હતો.
- ઈશ્વરચન્દ્ર નાટક કંપનીના દિગ્દર્શકની અને એ અંગ્રેજ ગોરો બન્યો હતો એ કલાકારની ક્ષમા માગવા લાગ્યા.
- કલાકાર તો તરત જ બોલી ઊઠ્યો:
- પંડિતજી, આજે મને મારી કલાનું સૌથી મૂલ્યવાન પારિતોષિક મળ્યું છે. આ જોડો મારા માટે એક બહુમૂલ્ય ઉપહાર છે.'
- દિગ્દર્શકે ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરને સ્નેહભર્યા સ્વરે કહ્યું,
- `આપ જેવા વિદ્વાન પણ ભુલાવામાં પડીને નાટકના દૃશ્યને સાચું માની બેઠા એ કંઈ જેવી તેવી વાત નથી.'
- `આ જોડો તો અમે અમારા શો-કેસમાં રાખીશું.'
- `એ હવે આપને પાછો નહીં મળે.'
* લાડકી પૂર્તિના વહાલા વાચક સ્ત્રી-પુરુષ મિત્રો!
- સંસાર એક રંગમંચ છે, આપણે બધા આ રંગમંચના કલાકાર છીએ.
- પરમાત્મા તરફથી જે પાત્ર ભજવવાનું આપણા ભાગે આવ્યું છે તે પાત્ર જો આપણે નિષ્કામ ભાવે નિષ્ઠાપૂર્વક ભજવી શકીએ તો નક્કી માનજો,
- તે કર્મમાંથી જ આનંદનું એક પાવક ઝરણું વહેવા લાગશે.
- આપણને આ જન્મમાં આપણા જીવનની સાર્થકતાનો અનુભવ થશે અને...
- જીવન સાર્થક થવું અર્થાત્ મોક્ષ...
- મોક્ષના અધિકારી થવા માટે પરમાત્મા પાસે પણ કાંઈ જ માગશો નહીં.
- પરમાત્માએ તમને જે કાંઈ પણ આપ્યું હોય તેનો નિષ્ઠાપૂર્વક સ્વીકાર જ કરજો.
* * *
ઝાકળ બિંદુ
- નિંદા એ વૃક્ષ પરથી ખરેલા પાંદડા જેવી છે જે પવન સાથે અફવાની જેમ ફેલાય અને કઈ દિશામાં કેટલે સુધી જાય તેનો ભરોસો નહીં.
- બોલેલા શબ્દો પાછા ખેંચવા માગો તો પણ બધાં શબ્દરૂપી પાંદડાં પાછાં મેળવી શકાય નહીં.
- નિંદાના શબ્દો બૂમરેંગની જેમ બેઉ પાત્રોને નુકસાન કરી શકે.
- જે પારકાના દોષ જોઈને મલકાયા કરે છે તેને પોતાના અનંત દોષોનું ભાન નથી હોતું અને બીજું અવલોકન કે
- દુનિયાના સાતે સાગર ફરી વળી, પણ પારકી નિંદા ન કરે એવો કોઈ જ વિરલો મારા જોવામાં ન આવ્યો.
- `લાડકી પૂર્તિ'ના પ્રિય વાચકો! પ્રશંસાની ભૂખ વધે તો લક્ષ ચુકાય,
- ઊંચાઈ ન મળે અને સામાન્ય વ્યક્તિઓ સાથે જ જીવન વીતે,
- પ્રશંસા માનવો તરફથી નહીં, પણ ઈશ્વર - અલ્લાહ તરફથી અંતકરણમાં ઊગવી - પ્રગટવી જોઈએ.
- `નિંદા અને પ્રશંસાથી ઉપર ઊઠવું જોઈએ.'
- `દૃષ્ટિ ફક્ત મિશન પર હોવી જોઈએ...!'
અને છેલ્લે...
શબ્દ શબ્દ કોઈ કહે -
શબ્દ કે હાથ ન પાવ,
એક શબ્દ ઔષધિ કરે -
એક શબ્દ કરે ઘાવ
એક શબ્દ સુખ રાસ હૈ -
એક શબ્દ દુ:ખ રાસ
એક શબ્દ બંધન કરે -
એક શબ્દ ગલે ફાંસ!
* * *
સમજના જરૂરી હૈ
શીશા ઔર રિસ્તા વૈસે દોનો નાજુક હોતે હૈ,
બસ ફર્ક ઇતના હોતા હૈ કિ
શીશા ગલતી સે તૂટ જાતા હૈ
ઔર રિસ્તા ગલત ફહેમિયોંસે!