કોલકાતા: ભારતીય ક્રિકેટના ટીમના સ્ટાર ઓપનર સંજુ સેમસન પાછલા ઘણા સમયથી રન ન બનાવી શકવાથી ટીકાકારોની નજરે ચડ્યા હતા. તેણે પોતાના ખરાબ પર્ફોર્મન્સના સમયગાળામાં સોશિયલ મીડિયાથી દૂર રહીને પોતાની ક્રિકેટ પર ધ્યાન આપી અંતે તમામ ટીકાકારોને પોતાના બેટિંગના અંદાજમાં જવાબ આપ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 વર્લ્ડ કપની અત્યંત મહત્વની ‘ડુ ઓપ ડાઈ'ના મેચમાં સેમસને પોતાની કુશળતા સાબિત કરી દીધી છે. લાંબા સમયથી રન બનાવવા માટે ઝઝૂમી રહેલા આ ખેલાડીએ ટીકાકારોને બેટથી જવાબ આપતા ભારતને સેમિફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ગઈકાલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી સુપર-8 મેચમાં સંજુ સેમસને માત્ર 50 બોલમાં 97 રનની આક્રમક ઇનિંગ રમી હતી. પોતાની આ પારી દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા ફટકારીને વેસ્ટ ઈન્ડિઝના બોલરોને લાચાર કરી દીધા હતા. દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ટીમમાં સામેલ થયેલા 31 વર્ષીય સેમસને મુશ્કેલ સ્થિતિમાં સંયમ જાળવી રાખીને ભારતને 5 વિકેટે વિજય અપાવ્યો હતો. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે.
મેચ બાદ મીડિયા સાથે વાત કરતા સેમસને કહ્યું કે મેં મારા શૉટ સિલેક્શન પર ઘણું કામ કર્યું છે. ખરાબ ફોર્મ દરમિયાન મેં મારો ફોન બંધ કરી દીધો હતો અને સોશિયલ મીડિયાથી દૂર રહ્યો હતો જેથી મારું ધ્યાન ભટકે નહીં. તેણે વધુમાં ઉમેર્યું કે ન્યૂ ઝીલેન્ડ સામેની નિષ્ફળતા બાદ તેણે આત્મમંથન કર્યું અને પોતાની જાતને યાદ અપાવ્યું કે તે આ જ ફોર્મેટમાં ત્રણ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ચૂક્યો છે. આ આત્મવિશ્વાસ જ તેને મેદાન પર સકારાત્મક રહેવામાં મદદરૂપ થયો.
196 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા અંગે સેમસને કહ્યું કે, ઈડન ગાર્ડન્સમાં ઝાકળને કારણે બેટિંગ સરળ લાગતી હતી, પરંતુ સમયાંતરે વિકેટ પડવાને કારણે મેચ રોમાંચક બની ગઈ હતી. સૂર્યકુમાર યાદવ (18) અને તિલક વર્મા (27)ના સાથ સાથે સેમસને અંત સુધી ટકી રહીને ટીમને જીત સુધી પહોંચાડી. તેણે અનુભવનો ઉપયોગ કરીને જોખમી શોટ્સ લેવાને બદલે સચોટ બાઉન્ડ્રી ફટકારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
પોતાના પ્રદર્શન વિશે ભાવુક થતા સેમસને જણાવ્યું કે, ભારત જેવા દેશમાં લાખો યુવાનો દેશ માટે રમવાનું સપનું જુએ છે. કેરળના ત્રિવિન્દ્રમથી આવેલો એક સામાન્ય છોકરો જ્યારે દેશને આવી મહત્વની મેચ જીતાડે છે, ત્યારે તે સપનું સાચું પડવા જેવો અહેસાસ હોય છે. તેણે કહ્યું કે તે પોતે ભાગ્યશાળી છે કે જે સપનું તેણે બાળપણમાં જોયું હતું, તે આજે જીવી રહ્યો છે.