Tue Mar 10 2026

Logo

હાલો રમીએ, માતૃભાષાની મસ્તીલી `મેમરી ટેસ્ટ'

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

મિજાજ મસ્તી - સંજય છેલ

ટાઇટલ્સ: 
`શું યાદ રાખવું કે શું ભૂલવું'- એ હંમેશાં યાદ રાખવું. (છેલવાણી)
એક માણસે ડોક્ટરને ફરિયાદ કરી, `આજકાલ યાદશક્તિ બહુ દગો આપે છે.'

ડોક્ટરે પૂછ્યું, `કોની...મારી કે તમારી?'

કહે છે કે હવે 40-50 વર્ષના લોકોને, ડોક્ટરો અમુક સવાલો પૂછશે, અમુક ફોટા બતાડીને જવાબ આપવાની પેશંટની ઝડપ પરથી પારખી લેશે કે એમને બૂઢાપામાં ભૂલવાની કે `એલ્ઝાઈમર' જેવી બીમારી આવશે કે નહીં! વિસ્મૃતિ કે `ભૂલી જવું' એ કરૂણ અને રમૂજી વિષય છે.

`ધૂલ કા ફૂલ' ફિલ્મમાં અભિનેતા મહેમૂદની યાદશક્તિ નદીમાં તણાયા પછી ઘણાં દિવસે પાછી આવે છે. ત્યારે એની જાન બચાવનારા ભલાભોળાં માછીમારોનો આભાર માનવાને બદલે એ પહેલો જ સવાલ પૂછે છે:
`અય્યો! તુમ લોગોંને મેરે કપડે બચાયે હૈં કિ બેચ ડાલે ક્યા?'      

નેતાઓ આવી જ રીતે ચૂંટણી બાદ કહેતા હોય છે- `હેં? બેરોજગારી? મોંઘવારી? એ બધું દેશમાં છે?' નેતાઓ ચૂંટણીનાં વચનો ભૂલી જાય છે એ વિશે હવે કોઈને નવાઈ નથી લાગતી. ઉલ્ટાનું, જો નેતાઓ વચનોને યાદ રાખે તો પ્રજાને આઘાત લાગે છે.

બોલિવૂડમાં નિર્માતાઓ અમારા જેવા ગરીબ લેખકનું કામ પત્યા પછી પૈસા આપતી વખતે એવી રીતે ભૂલી જાય છે, જેમ શકુંતલાને દુષ્યંત ભૂલી ગયેલો. શકુંતલા પાસે તો અંગૂઠી હતી, પણ નિર્માતાઓ તો લેખકને અંગૂઠો દેખાડે છે. 

નિષ્ફળ માણસને મતલબી મિત્રો ભૂલી જાય છે, બ્રેક-અપ બાદ પ્રેમી-પ્રેમિકાઓ એકબીજાનો બર્થ-ડે ભૂલી જાય છે. એવી જ રીતે સતત એક ફરિયાદ છે કે આપણે ગુજરાતીઓ ધીમે ધીમે આપણી માતૃભાષાને ભૂલી રહ્યાં છીએં, જે રીતે મસમોટી `ટાઈટેનિક શિપ' ધીમે ધીમે સમુદ્રમાં ગરક થઈ હતી. ગઈ કાલે 21 ફેબ્રુઆરીએ `માતૃભાષા દિવસ' ગયો. દર વર્ષે એક દિવસ માટે આપણાને મનમાં ચિંતા જગ્યા કરતી હોય છે કે સમયનાં સમુદ્રમાં આપણી ભાષા, આપણાં ગીતો, આપણી કહેવતો, આપણાં ફટાણાંઓ સાવ ડૂબીને શું ભૂલાઈ જશે? શું આપણે ગુજરાતીઓ ભાષા ભૂલવાનાં ધીમા ધીમા `કેન્સર'થી મરી રહ્યા છીએ?

જી ના, પોતાની જ નસોમાં મોર્ફિનનું ઇંજેક્શન આપીને કોઇ ગાઢ નિદ્રામાં સરી જઇને આખરે મરી જાય- એવી આ ધીમે ધીમે ખતમ થવાની જાણતા-અજાણાતા વાત છે. કાશ, આ દહેશત, ખોટી હોય ને આવું કંઇ ના થાય.

ઇન્ટરવલ:
ભૂલી જવાના એમ એ કહેતા હતાં મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયા મને!
 (શાયરનું નામ યાદ નથી)

-તો ચાલો, આજે ગુજરાતી અસ્મિતા વિશે આપણી યાદશક્તિ કેટલી મજબૂત છે એને તપાસીએ. કદાચ અંદાજો લાગી શકે કે આપણી ભાષા, પરંપરા કે સંસ્કૃતિ ક્યાં સુધી સચવાશે. તો અમુક સવાલો ખુદને જ પૂછીએ ને જો એમાંથી 70% જવાબો પણ આવડે તો ચિંતાનું કોઇ કારણ નથી. 

-પ્રસ્તુત છે, પરંપરા પર પેચીદા પ્રશ્નો-

પ્ર.1. પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ હતી?

વિકલ્પ: 1) કાદુ મકરાણી 2) નરસિંહ મહેતા 3) જેસલ તોરલ 4) કોઇ ગુજજુ ફિલ્મ જોઇ જ નથી.

પ્ર.2. `ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા'. આ કવિતા કોણે લખેલી?

વિકલ્પ: 1) નર્મદ 2) ઉમાશંકર જોશી 3) દલપતરામ 4) ખુદ ઊંટે.

પ્ર.3 ગુજરાતના જાણિતા વૈજ્ઞાનિક કોણ ?

વિકલ્પ: 1) વિક્રમ સારાભાઇ 2) આર્ય ભટ્ટ 3) અશ્વિની ભટ્ટ 4) એમાં મારે શું લેવા દેવા?

પ્ર.4. 1971- બાંગ્લાદેશનું યુદ્ધ જીતાડનાર ગુજરાતી જનરલ કોણ હતા?

વિકલ્પ: 1) જનરલ કરિયેપ્પા 2) જનરલ માણેકશા 3) જનરલ બક્ષી 4) મારા જન્મ પહેલાની વાત છે.

પ્ર.5. ગુજરાતમાં બનતાં ક્યાંના પટોળાં વિશ્વ વિખ્યાત છે?

વિકલ્પો: 1) જામનગર 2) પાવાગઢ 3) પાટણ 4) ઓન લાઇનનાં.

પ્ર.6. તમને સપનાં ગુજરાતીમાં આવે કે હિંદી કે અંગ્રેજી ભાષામાં?

વિકલ્પ: 1) ગુજરાતીમાં 2) હિંદીમાં 3) અંગ્રેજીમાં 3) કહેવાય એમ નથી.

પ્ર.7. ગુજરાતી ભાષાનું સૌથી વધુ વેચાયેલું પુસ્તક કયું?

વિકલ્પો: 1) તારક મહેતાનો ટપુડો 2) સરસ્વતીચંદ્ર 3) ગાંધીજીની આત્મકથા 4) કદી વાંચી જ નથી.

પ્ર.8. કમ્પ્યુટર કે લેપટોપમાં ટાઇપ કરીને હવે હાથેથી તમાં ગુજરાતીમાં લખવાનું ભૂલાઇ ગયું છે?

વિકલ્પ: 1) હા 2) ના 3) થોડું-ઘણું 4) અહીં  લખે છે જ કોણ?

પ્ર.9. `નયનને બંધ રાખીને..'- આ ગઝલ કોણે લખી છે?

વિકલ્પ: 1) અવિનાશ વ્યાસ 2) બેફામ 3) મનહર ઉધાસ 4) લોકગીત છે.

પ્ર.10. ગુજરાતના પ્રથમ મીડિયમ-પેસ બોલર કોણ?

વિકલ્પો: 1) ઇરફાન પઠાણ 2) કરસન ઘાવરી 3) હાર્દિક પંડયા 4) બૂકીને પૂછવું પડશે.

પ્ર.11. કયા ગુજરાતીએ ઓસ્કાર એવોર્ડ્ઝમાં નોમિનેટેડ ફિલ્મ `મધર ઇંડિયા' બનાવેલી?

વિકલ્પ: 1) સોહરાબ મોદી 2) કેતન મહેતા 3) મહેબૂબ ખાન 4) જોઇ જ નથી.

પ્ર.12. તમને `અ-બ-ક-ડ-ઇ.' એમ આખી બારાખડી આવડે છે?

વિકલ્પો: 1) હા 2) ના 3) થોડી-ઘણી 4) એ-બી-સી-ડી આવડે છેને!

પ્ર.13. ગુજરાતની આસપાસ સૌથી નજીક ક્યાં દારૂ મળે?

વિકલ્પ: 1) આબુ 2) દહાણુ 3) ઉમરગામ 4) ગુજરાતમાં પણ બધે મળે.

પ્ર.14. ગુજરાતમાં સૌથી વધારે શું ખવાય છે?

વિકલ્પ: 1) ગાંઠિયા 2) ખીચડી 3) થેપલાં 4) માવા-ફાકી.

પ્ર.15. તમે ગુજરાત છોડીને અમેરિકા કે કેનેડા વસવા માગો છો?

વિકલ્પ: 1) હા 2) ના 3) કદાચ 4) સિટીઝન શિપ મળે તોને?

આ પ્રશ્નોત્ત્રી આમ તો સાવ અમસ્તી-મસ્તીની છે ને છતાં સ્હેજ અઘરી ખરી. શું છે કે, સતત શેરબજાર, મોટીવેશનલ વાતો કે રાસ-ગરબા સિવાય આવું બધું પણ ક્યારેક વિચારવું સાં, નહિતર આવનારા યુગો સુધી અનેક સવાલો ધરા ગુર્જરીમાં ગુંજ્યા કરશે.

એન્ડ ટાઇટલ્સ:

ઇવ: તું મને ભૂલી તો નહીં જાયને?
આદમ: હોતું હશે, ઇલા?