Sun Sep 13 2026

Logo

રાહુલ દ્રવિડના દીકરાની ફટકાબાજી, બેંગ્લૂરુની ટીમને જિતાડી

2026-07-02 18:35:32
Author: Ajay Motiwala
રાહુલ દ્રવિડના દીકરાની ફટકાબાજી, બેંગ્લૂરુની ટીમને જિતાડી

બેંગ્લૂરુઃ મહાન ક્રિકેટર રાહુલ દ્રવિડનો 20 વર્ષનો દીકરો સમિત દ્રવિડ (Samit Dravid) કર્ણાટકની સ્થાનિક ક્રિકેટમાં એક પછી એક ધમાકેદાર ઇનિંગ્સથી પોતાની ઓળખ બનાવી રહ્યો છે અને એવો એક કિસ્સો બુધવાર, પહેલી જુલાઈએ બન્યો જેમાં તેણે એવી જોરદાર ફટકાબાજી કરી કે સોશ્યલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થવા લાગી છે.

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિયેશન (KSCA) ટી-20 ટ્રોફીમાં કલ્યાણી બેંગ્લૂરુ બ્લાસ્ટર્સ નામની ટીમ વતી રમતા સમિતે 23 બૉલમાં 32 રન બનાવ્યા હતા જેમાં છ ચોગ્ગા સામેલ હતા.

આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 2,600થી પણ વધુ ચોગ્ગા ફટકારનાર રાહુલ દ્રવિડે તેના પુત્રને એવી સઘન પ્રૅક્ટિસ કરાવી છે કે તે નાનપણથી જ દમદાર બૅટિંગ કરી રહ્યો છે. સમિતે ટૂંકી ઇનિંગ્સમાં બૉલ ચારેય દિશામાં મોકલ્યો હતો અને હરીફ ટીમના ફીલ્ડર્સને ખૂબ દોડાવ્યા હતા. સમિતે રોહન પાટીલ સાથે બીજી વિકેટ માટે 70 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી.

સમિત દ્રવિડે 32 રનની આ ઇનિંગ્સમાં બૅકફૂટ કટ, પુલ શૉટ, કવર ડ્રાઇવ અને લૉફ્ટેડ શૉટની ઝલક આપી હતી. તેની બૅટિંગમાં ક્યારેક તેના પિતા રાહુલ દ્રવિડની બૅટિંગ ટેક્નિક પણ જોવા મળી હતી. સમિત અને બીજા બૅટ્સમેનોએ ભેગા થઈને ટીમનો સ્કોર 20 ઓવરમાં 7/203 સુધી પહોંચાડ્યો હતો. હુબલી ટાઇગર્સ ટીમ 204 રનના લક્ષ્યાંક સામે છેલ્લા બૉલ સુધી ચાલેલી મૅચમાં સાત વિકેટે 201 રન કર્યા હતા અને કલ્યાણી બેંગ્લૂરુ ટીમનો બે રનથી વિજય થયો હતો.