મુંબઈઃ સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહ અભિનીત ‘બેટલ ઓફ ગલવાન’ ફિલ્મ આ વર્ષે ઈદના અવસરે રિલીઝ થવાની હતી. જોકે, બાદમાં ફિલ્મનું શીર્ષક અને રિલીઝની તારીખ બંને બદલી નાખવામાં આવ્યા હતા. અનેકવાર રિલીઝ મુલતવી રાખવા છતાં, ફિલ્મની રિલીઝની તારીખ હજુ પણ નક્કી થઈ શકી નથી. આ મુદ્દાને લઈને હવે ફિલ્મ ક્યારે આવશે એને લઈ ફેન્સ સોશિયલ મીડિયા પર વાતો કરી રહ્યા છે. વર્ષ 2026ના હવે માત્ર થોડા જ મહિના બાકી રહ્યા છે અને થિયેટર્સમાં મર્યાદિત સ્લોટ્સ છે, ત્યારે પ્રમાણપત્ર મળવામાં વધુ વિલંબ થવાથી એ લગભગ નિશ્ચિત બની ગયું છે કે આ ફિલ્મ આ વર્ષને બદલે 2027માં થિયેટરોમાં આવશે.
તારીખ નક્કી નથી
જોકે, સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ'ની રિલીઝ તારીખ અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. માત્ર એક લૂક અને કેટલીક ચર્ચાઓના આધારે ફિલ્મ ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર પણ હજું વ્યવસ્થિત જાહેર કરાયું નથી અને ટ્રેલર પણ લૉંચ કરવામાં આવ્યું નથી. ફિલ્મ સાથે સંકળાયેલી કેટલીક અડચણોને દૂર કરવા માટે ફિલ્મ નિર્માતાઓ સરકારી અધિકારીઓ અને સંબંધિત વિભાગોના સતત સંપર્કમાં છે. જોકે, સ્થિતિ હજુ પણ સ્પષ્ટ નથી, કારણ કે ફિલ્મના પ્રદર્શન અને પ્રમાણપત્ર અંગે કોઈ સત્તાવાર કે ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. સલમાન ખાનની આગામી ફિલ્મ 'માતૃભૂમિ'ના ચાહકોએ હજુ થોડો સમય રાહ જોવી પડશે. 2020ના ભારત-ચીન સંઘર્ષની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મને લઈને હાલમાં ઘણી અટકળો ચાલી રહી છે.
બોર્ડ તરફથી પ્રમાણપત્ર બાકી
અહેવાલો અનુસાર, આ ફિલ્મને પ્રમાણપત્ર મેળવવા માટે આવતા અઠવાડિયે સેન્સર બોર્ડ (CBFC) સમક્ષ રજૂ કરવાની યોજના હતી, પરંતુ બોર્ડ તરફથી હજુ સુધી મંજૂરી ન મળવાને કારણે આ પ્રક્રિયા અટકી ગઈ છે. સલમાન ખાનની આ ફિલ્મ સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. શરૂઆતમાં 'બેટલ ઓફ ગલવાન' (Battle of Galwan) નામ ધરાવતી આ ફિલ્મનું નામ વિદેશ મંત્રાલયના નિર્દેશો બાદ બદલીને 'માતૃભૂમિ' રાખવામાં આવ્યું હતું. સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહ અભિનીત આ ફિલ્મ ૨૦૨૦ના ભારત-ચીન સંઘર્ષ પર આધારિત હોવાથી તેની રિલીઝ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. મંત્રાલયની સૂચનાઓનું પાલન કરવા માટે ફિલ્મના કેટલાક મહત્વપૂર્ણ દ્રશ્યોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.