Tue Oct 06 2026

Logo

સલમાન આગા બંગ્લાદેશી બોલરની `દગાબાજી'નો શિકારઃ રનઆઉટ થતાં ગ્લવ્ઝ-હેલ્મેટ ફેંક્યા...

dhaka   2026-03-13 22:44:52
Author: Ajay Motiwala
સલમાન આગા બંગ્લાદેશી બોલરની `દગાબાજી'નો શિકારઃ રનઆઉટ થતાં ગ્લવ્ઝ-હેલ્મેટ ફેંક્યા...

Bangladesh Cricket X


ઢાકાઃ અહીં શુક્રવારે બાંગ્લાદેશ સામે સિરીઝની બીજી વન-ડેમાં વિચિત્ર સંજોગોમાં અને બાંગ્લાદેશી બોલર તથા કૅપ્ટન મેહદી હસન મિરાઝની ચાલાકી કહો કે દગાબાજી, એમાં પાકિસ્તાનના વર્લ્ડ કપના કૅપ્ટન સલમાન આગાએ રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી અને ત્યાર બાદ સલમાને ગુસ્સામાં ગ્લવ્ઝ તથા હેલ્મેટ (helmet) કાઢીને ફેંક્યા હતા જે બદલ આઇસીસી તેની સામે પગલું ભરી શકે. આ મૅચમાં શાહીન શાહ આફ્રિદી પાકિસ્તાનનો કૅપ્ટન હતો.

બુધવારે સિરીઝની પ્રથમ વન-ડે પાકિસ્તાનને 114 રનમાં આઉટ કર્યા બાદ બાંગ્લાદેશે આઠ વિકેટે જીતી લીધી હતી. શુક્રવારની બીજી વન-ડેમાં સલમાન આગા 64 રન પર હતો. વિકેટકીપર મોહમ્મદ રિઝવાને મિરાઝના બૉલમાં શૉટ માર્યો ત્યારે બૉલ નૉન-સ્ટ્રાઇક એન્ડ પર ઊભેલા સલમાન તરફ આવ્યો હતો અને તેની પાસે આવીને અટક્યો હતો. સલમાન ત્યારે ક્રીઝની બહાર હતો.

સલમાન બૉલ ઊંચકીને મિરાઝ (Miraz)ને આપવા માગતો હતો, પણ એ પહેલાં જ તેની નજીક ઊભેલા મિરાઝે પોતે જ સલમાન (Salman)ને હડસેલીને બૉલ લઈ લીધો હતો અને સલમાનને અન્ડરઆર્મ થ્રોમાં રનઆઉટ કરી દીધો હતો. ક્રિકેટના નિયમ મુજબ મિરાઝે સલમાનને આ રીતે રનઆઉટ કરીને કંઈ જ ખોટું નહોતું કર્યું.

સલમાન હતાશ થઈ ગયો હતો. મિરાઝે તેને નજર સામે દગો દીધો એવો ભાવ તેના ચહેરા પર હતો અને તેણે રિઝવાન સમક્ષ હતાશા પણ વ્યક્ત કરી હતી. સલમાનને રનઆઉટ આપવામાં આવ્યો હતો અને ગુસ્સામાં તેણે ગ્લવ્ઝ અને હેલ્મેટ કાઢીને ફેંક્યા હતા. તે ગાળ બોલતો બોલતો પાછો આવ્યો હતો. બાંગ્લાદેશના વિકેટકીપર લિટન દાસે મગજ પરથી કાબૂ ગુમાવ્યો હતો, પણ રિઝવાને તેને શાંત પાડ્યો હતો. સલમાને બાઉન્ડરી લાઇન નજીક પહોંચ્યા બાદ ફરી ગ્લવ્ઝ અને હેલ્મેટ ફેંક્યા હતા.