Thu Sep 03 2026

Logo

સચિને મમ્મી અને પત્ની સાથે ઉજવ્યો ગૂડીપડવાનો તહેવાર

2026-03-19 19:30:00
Author: Ajay Motiwala
સચિને મમ્મી અને પત્ની સાથે ઉજવ્યો ગૂડીપડવાનો તહેવાર

મુંબઈઃ ક્રિકેટના ભગવાન તરીકે લોકપ્રિય સચિન તેન્ડુલકરે ગુરુવારે બાંદરા-પશ્ચિમના નિવાસસ્થાને મમ્મી અને પત્ની સાથે ગૂડીપડવાનો તહેવાર ઉજવ્યો હતો. સચિન તેના મમ્મી રજની તેન્ડુલકરને પગે લાગ્યો હતો અને તેની પત્ની અંજલિએ પણ સાસુજીના ચરણસ્પર્શ કર્યા હતા.

રજની તેન્ડુલકરના આશીર્વાદ લેવા માટે સચિન (Sachin) અને અંજલિ તેમની પાસે આવ્યા ત્યારે તેમનો પેટ ડૉગ (Pet Dog) પણ ઘરમાં લટાર મારી રહ્યો હતો એટલે મોકો જોઈને સચિને ડૉગને પણ આ અવસરમાં સમાવી લીધો હતો. સચિને દૂર જઈ રહેલા આ પેટ ડૉગ માટેના બિસ્કીટ રજની તેન્ડુલકરના પગ નજીક રાખ્યા એટલે ડૉગ એ ખાવા માટે તરત ત્યાં આવી ગયો હતો અને રજની તેન્ડુલકરે તેને વહાલ કરવાની તક ઝડપી લીધી હતી.

સચિન, અંજલિ તેમ જ સમગ્ર પરિવાર પુત્ર અર્જુનના લગ્ન બાદ થાક ઉતારી રહ્યા છે. પાંચમી માર્ચે પરેલની એક જાણીતી હૉટેલમાં અર્જુન અને સાનિયા ચંદોકના લગ્નનો ભવ્ય સમારોહ યોજાયો હતો જેમાં અનેક સેલિબ્રિટિઝે હાજરી આપી હતી.

અર્જુન તેન્ડુલકર લગ્ન બાદ ગણતરીના દિવસોમાં આઇપીએલ માટેની પ્રૅક્ટિસમાં વ્યસ્ત થઈ ગયો છે. તે સોમવારે પત્ની સાનિયા સાથે લખનઊ પહોંચી ગયો હતો અને અર્જુને બીજા જ દિવસથી લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના કૅપ્ટન તેમ જ બીજા ખેલાડીઓ સાથે પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી. અર્જુન અગાઉ મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં હતો, પણ હવે લખનઊની ટીમ સાથે જોડાઈ ગયો છે.