યુપી-હરિયાણા એસટીએફની મદદથી શૂટરના છ સાથીની પણ ધરપકડ: ફિલ્મજગત અને ઉદ્યોગપતિઓમાં ધાક જમાવવાનો ઇરાદો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જૂહુ ખાતેના નિવાસસ્થાન પર ગોળીબાર કરવાના ચકચારી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે યુપી અને હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની મદદથી શૂટરને આખરે હરિયાણામાં પકડી પાડ્યો હતો. શૂટરે આપેલી માહિતી પરથી તેના વધુ છ સાથીની પણ ધરપકડ કરવામાં આવતાં આ કેસમાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 12 પર પહોંચી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ખંડણીની રકમ વસૂલવા માટે ફિલ્મજગત અને ઉદ્યોગપતિઓમાં ધાક જમાવવાને ઇરાદે આ ગોળીબાર કરાયો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાએ પકડી પાડેલા સાત આરોપીમાં શૂટર દીપક રમેશચંદ્ર શર્મા (24), સની રાકેશ કુમાર (23), સોનુ વિનોદ કુમાર (23), રિતિક વિનોદ કુમાર (22), જતીન રત્નેશ ભારદ્વાજ (24), વિશાલ બાલકરામ અને વિષ્ણુ સૂરજ કુશવાહા (26)નો સમાવેશ થાય છે. સાતેય આરોપીને સોમવારે વિશેષ એમસીઓસીએ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને પચીસ ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના જૂહુમાં આવેલા નિવાસસ્થાન શેટ્ટી ટાવર પર 31 જાન્યુઆરીની રાતે ગોળીબાર કરવામાં આવ્યો હતો. શૂટર દીપક શર્મા સેમી ઑટોમેટિક પિસ્તોલથી પાંચ રાઉન્ડ ફાયર કરી તેના સાથી સાથે ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણે જૂહુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની તપાસ ખંડણી વિરોધી શાખાએ હાથ ધરી હતી.
આ કેસમાં પોલીસે અગાઉ મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી પાંચ આરોપીની ધરપકડ કરી હતી, જેમને કોર્ટે 17 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગના સભ્ય શુભમ લોણકરને ઇશારે શેટ્ટી ટાવર પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો ખુલાસો પકડાયેલા આરોપીએ કર્યો હતો. પાંચ આરોપી પકડાયા છતાં શૂટર ફરાર હતો અને તેના કોઈ સગડ પોલીસને મળતા નહોતા. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ કેસમાં મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) લગાવવામાં આવ્યો હતો.
ફરાર શૂટરને શોધી કાઢવા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની 12 ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ અને મળેલી માહિતીને આધારે શૂટર દીપક શર્મા હરિયાણામાં સંતાયો હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક હરિયાણા પહોંચી હતી, જ્યારે બીજી ટીમ ઉત્તર પ્રદેશ ગઈ હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે હરિયાણા એસટીએફની મદદથી ઝજ્જર જિલ્લાના મછરૌલી ગામમાંથી દીપક, સની, સોનુ અને રિતિકને તાબામાં લેવાયા હતા. બીજી બાજુ યુપી એસટીએફની સહાયથી આગરા અને ગાઝિયાબાદથી વિષ્ણુ, જતીન અને વિશાલને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા સાતેય આરોપીને મુંબઈ લાવી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં પોલીસ ફરાર મુખ્ય આરોપી શુભમ લોણકરની શોધ ચલાવી રહી છે. બાન્દ્રામાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરવાના કેસમાં પણ શુભમ ફરાર છે.