મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ની 19મી સિઝન તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, આ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ(MI)ની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. MI મુંબઈ પહેલાથી પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ દરમિયાન, 16 વર્ષથી ટીમ સાથે જોડાયેલો રોબિન સિંહે ફ્રેન્ચાઇઝીથી છુટા થવાની જાહેરાત કરી છે, તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કરીને આ માહિતી આપી છે.
મુંબઈ ઈન્ડિયન્સ(MI) ફ્રેન્ચાઈઝી છોડવાની જાહેરાત સાથે રોબિન સિંહે ઈન્ટરનેશનલ લીગ T20ની MA અમીરાતમાંથી પણ અલગ થવાની જાહેરાત કરી. રોબિન સિંહે ટીમ સાથે રહ્યા એ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સે પાંચ વખત IPL ટ્રોફી જીતી હતી.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને રોબિન સિંહે લખ્યું, "હું તમને જણાવવા ઈચ્છું છું કે હું સત્તાવાર રીતે મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થઈ ગયો છું. જોકે હું 2022 થી તેમના IPL સ્ટાફનો ભાગ નહોતો, હું આ દરમિયાન અમીરાત લીગમાં પણ તેમની સાથે સંકળાયેલો હતો."
રોબિન સિંહે લખ્યું, "2010 માં શરૂ થયેલી આ અદ્ભુત સફર દરમિયાન સમર્થન આપવા બદલ હું સમગ્ર MI પરિવાર અને તમામ ચાહકોનો આભાર. આવનારા વર્ષો માટે હું ફ્રેન્ચાઇઝીને શુભકામનાઓ પાઠવું છું."
2023 માં ILT20 ની પ્રથમ આવૃત્તિ માટે રોબિન સિંહને MA અમીરાત ટીમના જનરલ મેનેજર તરીકે જોડાયા. વર્ષ 2024 માં તેમને MA અમીરાતના હેડ કોચ નિયુક્ત કરવામાં આવ્યા.
62 વર્ષીય સિંહે ભારત માટે 136 ODI મેચ રમી છે, જેમાં તેમણે 2336 રન બનાવ્યા અને 69 વિકેટ લીધી. તેમણે વનડેમાં એક સદી અને નવ અડધી સદી ફટકારી છે. તેમણે ભારતીય ટીમ માટે એક જ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેમણે 32 રન બનાવ્યા.