Mon Aug 24 2026

Logo

પંતના પાવરફુલ શૉટમાં બૉલ શું ડ્રૉનને વાગ્યો હતો? ખરેખર શું બન્યું હતું? જાણી લો હકીકત...

2026-06-07 17:36:50
Author: Ajay Motiwala
પંતના પાવરફુલ શૉટમાં બૉલ શું ડ્રૉનને વાગ્યો હતો? ખરેખર શું બન્યું હતું? જાણી લો હકીકત...

ન્યૂ ચંડીગઢઃ અહીં મુલ્લાંપુરમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં રવિવારના બીજા દિવસે આક્રમક બૅટ્સમૅન રિષભ પંતે એક ખૂબ ઊંચો શૉટ માર્યો અને એમાં બૉલ ઊંચે સેટ કરવામાં આવેલા ડ્રૉનને વાગ્યો અને ડ્રૉન સીધું નીચે આવી પડ્યું એવો વીડિયો (Video) વાઇરલ થયો છે, પરંતુ એને લગતી કેટલીક હકીકતો આ આખા કથિત કિસ્સાને ખૂબ રસપ્રદ બનાવે છે.

પંત (Pant)ના પાવરફુલ લૉફ્ટેડ શૉટમાં બૉલ જો ડ્રૉન (Drone)ને વાગે તો એ નવાઈની વાત ન કહેવાય, કારણકે પંત આવા પ્રકારના હાર્ડ-હિટિંગ શૉટ્સ માટે જ પ્રખ્યાત છે. જોકે સોશ્યલ મીડિયામાં જે દાવો કરવામાં આવ્યો છે એ વિશે તથ્ય બહાર આવી ગયું છે.

એઆઇ હૈ તો મુમકિન હૈ

આ કથિત શૉટને લગતું ફૂટેજ સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચાસ્પદ થયું છે અને એને લાખો વ્યૂઝ મળ્યા છે. જોકે બારીકાઈથી અને ક્રિકેટને લગતા બૅઝિક નિયમોને ધ્યાનમાં લેતાં જણાયું કે આ વીડિયો `એઆઇ જનરેટેડ' છે. સૌથી પહેલી વાત એ છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી બનાવાયેલા આ વીડિયોમાં સફેદ બૉલ બતાવવામાં આવ્યો છે અને ટેસ્ટ મૅચ લાલ બૉલથી રમાતી હોય છે. વીડિયો ક્રીએટરનું આ ડિટેઇલ પર ધ્યાન જ ન ગયું. વાઇટ બૉલ હંમેશાં મર્યાદિત ઓવર્સની મૅચો (વન-ડે, ટી-20)માં જ વપરાતો હોય છે. એ જોતાં, ઇન્સ્ટાગ્રામ પરની આ વીડિયો ક્લિપ બનાવટી છે.

બીસીસીઆઇનો શું નિયમ છે?

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે પંતના શૉટમાં વાઇટ બૉલ ઊંચે આકાશમાં ઉડી રહેલા ડ્રૉનને વાગ્યો, ડ્રૉનને નુકસાન થયું અને જોત જોતામાં નીચે આવી પડ્યું અને જમીન પર પટકાયું. હકીકતમાં આવું કંઈ બન્યું જ નહોતું. પંતે આવો એક શૉટ જરૂર માર્યો હતો, પણ બૉલ ડ્રૉનને વાગ્યો અને એ નીચે આવી પડ્યું એવું કંઈ બન્યું જ નહોતું. સ્ટેડિયમની ઉપર સ્કાય કૅમેરા (સ્પાઇડર કૅમેરા) કે ડ્રૉન સેટ કરવાની બાબતમાં કે ઉડાડવાની બાબતમાં બીસીસીઆઇનો કડક પ્રૉટોકૉલ છે. આવા ડિવાઇસીસ ક્રિકેટ બૉલ સામાન્ય રીતે વધુમાં વધુ જેટલી ઊંચાઈ સુધી જઈ શકે એનાથી ઉપર જ ગોઠવવાનું કહેવામાં આવે છે.