Tue Apr 21 2026

Logo

ગીતા મહિમાઃ તામસ કર્મનો ત્યાગ

2026-03-30 08:53:00
Author: sarangpreet
Article Image

સારંગપ્રીત

ગત અંકમાં ગુણાતીત જ્ઞાનનો પ્રકાશ પાથરીને હવે ભગવાન કૃષ્ણ તામસ કર્મના ત્યાગનો મર્મ સમજાવી રહ્યા છે.

જીવનમાં કર્મ કરવું એ દરેક માનવનો સ્વાભાવિક ધર્મ છે. મનુષ્ય કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકતો નથી, પરંતુ દરેક કર્મની એક ગુણસ્વરૂપ પ્રકૃતિ હોય છે  સાત્ત્વિક, રાજસિક અને તામસિક. એમાં તામસ કર્મ એ એવાં કર્મો છે, જે અજ્ઞાન, આળસ, અહંકાર અને અવિચારથી પ્રેરિત હોય છે. જે કર્મ મનુષ્યને અંધકાર તરફ દોરી જાય, આધ્યાત્મિક પતન કરાવે અને સદા દુ:ખદાયી હોય, તે તામસ કર્મ કહેવાય છે.

ગીતા કહે છે કે જે કર્મ ‘પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્યના વિચાર કર્યા વગર કેવળ અજ્ઞાનમાંથી જન્મ્યા હોય તે તામસ કર્મ કહેવાય છે’. તામસ કર્મ એ અંધકારનું બીજ છે, જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજાને હાનિ પહોંચાડે છે, અયોગ્ય માર્ગે ચાલે છે, ખોટું બોલે છે, અસત્યને સાચું સાબિત કરવા પ્રયત્ન કરે છે કે પછી અન્યના દુ:ખમાં આનંદ અનુભવે છે. તે તામસ પ્રવૃત્તિનો ભાગી બને છે. એવો મનુષ્ય ધીમે ધીમે મનની શાંતિ ગુમાવે છે, વિચારો હીન બને છે અને તેના અંતરમાં નિરાશા ઘર કરે છે. તામસ કર્મની અસર એટલી ગંભીર હોય છે કે તે મનુષ્યને પરાધીનતા અને દોષની જાળમાં ફસાવી દે છે.

તમામ શાસ્ત્રો એક વાત સ્વીકારે છે કે તામસ કર્મ અવિચારી મનુષ્ય કરે છે, જેને પરિણામની ચિંતા નથી, ધર્મ અને અધર્મનો ભેદ સમજાતો નથી અને જે માત્ર પોતાના હઠથી ચાલે છે. આવાં કર્મો મનુષ્યના પોતાના કલ્યાણ માટે પણ વ્યર્થ છે તો બીજાને માટે ક્યાંથી ઉપયોગી થાય? 

વર્તમાન કાળે પણ આળસ કરવી, ફરજમાંથી ભાગવું, ખોટા કાર્યમાં જોડાવું, અન્યની નિંદા કરવી, વ્યસનની આદત રાખવી  આ બધું તામસ પ્રવૃત્તિના સ્વરૂપો છે, પરંતુ મનુષ્યનું સાચું લક્ષ્ય તામસતાથી ઉપર ઉઠી સાચી દિશામાં ચાલવાનું છે. તામસ કર્મનો ત્યાગ એટલે આંતરિક શુદ્ધિનો આરંભ. જ્યારે માણસ પોતાના જીવનમાં પ્રામાણિકતા, કરુણા, અને સ્વાનુશાસન લાવે છે, ત્યારે તે તામસથી મુક્ત થવા લાગે છે. નિસ્સંદેહ, જો મનુષ્ય ગુરુના વચનમાં રહીને પ્રામાણિક સાધના કરે, તો તે તામસ કર્મનો ત્યાગ કરીને પ્રકાશના માર્ગે આગળ વધે છે.

પ્રાચીન સમયમાં અંગુલિમાલ એક ક્રૂર ડાકુ હતો. તે લોકોની હત્યા કરીને તેમની આંગળીઓની માળા પહેરતો, પરંતુ એક દિવસ ભગવાન બુદ્ધ તેના માર્ગમાં આવ્યા. બુદ્ધની શાંતિપૂર્ણ વાણી અને કરુણાદૃષ્ટિએ અંગુલિમાલનું હૃદય બદલી નાખ્યું. તેણે હથિયાર મૂકી દીધું અને તામસ કર્મનો ત્યાગ કર્યો. પછી તે બુદ્ધનો શિષ્ય બન્યો અને એક શાંત ભિક્ષુ તરીકે જીવન જીવ્યો.

જયારે ગુરુ કે ભગવાન મળે છે કે ત્યારે અંધકારના દ્વાર બંધ થાય છે, ત્યારે જ જ્ઞાન અને શાંતિના દ્વાર ખૂલે છે.

આફ્રિકામાં દારેસલામ શહેરમાં એક આધુનિક યુવક સતત તામસિક કર્મોમાં ડૂબેલો રહેતો. પૈસા ઘણા હતા પણ ખોટે રસ્તે વપરાતા હતા. વ્યસનમાં ગળાડૂબ! વળી ક્રોધી અને લડાયક વૃત્તિ એવી કે ટાન્ઝાનિયા દેશની પોલીસ પણ ડરે. પરિવાર સાથે પણ તેનો સંપ નહોતો! જીવન બિનઅર્થપૂર્ણ લાગતું હતું. એક દિવસ તે યુવક પ્રમુખસ્વામી મહારાજના યોગમાં આવ્યો. ત્યાં તેણે પોતાના જીવનના ખાલીપાને વ્યક્ત કર્યો. 

સ્વામીશ્રીએ તેને તેના વડવાઓના સત્સંગ અને સમર્પણની વાત યાદ કરાવી. બાપાએ યુવકને કહ્યું, તમારે આ વ્યસન ન શોભે. હવે શૂરવીર થાઓ અને બધું છોડો. નવું જીવન આરંભ કરો. પોતાનો સમય મારકૂટમાં નહીં, પણ સેવા અને શાંતિમાં લગાવો. આ શબ્દોએ તેનું જીવન બદલી નાખ્યું. તેણે તમામ તામસિક વૃત્તિનો ત્યાગ કર્યો. સેવા અને સત્સંગનાં કાર્યોમાં જોડાયો. તેનું જીવન બીજા યુવાનો માટે પ્રેરણારૂપ બની ગયું. 

આમ, તામસ કર્મનો ત્યાગ કરતાં જીવનની નવી દિશા ખૂલી અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ થઈ.

તામસ કર્મનો ત્યાગ માત્ર બાહ્ય વર્તનમાં નહીં, પણ આંતરિક વિચારશુદ્ધિમાં રહેલો છે. જેવો વિચાર, તેવી ક્રિયા  એટલે મનના અંધકારને દૂર કરવા માટે જ્ઞાન, સત્સંગ અને સદાચાર જરૂરી છે, જ્યારે મનુષ્ય સજાગ બનીને પોતાના દરેક કાર્યને ભગવાનને અર્પણ કરવાના ભાવથી કરે છે, ત્યારે તેની તામસતા સ્વયં વિલીન થાય છે. આ રીતે, તામસ કર્મનો ત્યાગ એટલે જીવનમાં પ્રકાશ લાવવાનો સંકલ્પ, જે વ્યક્તિ તામસતાને છોડી શુદ્ધ જીવન જીવવા પ્રયત્ન કરે છે, તે પોતાના અને સમાજના કલ્યાણનો માર્ગ તૈયાર કરે છે, કારણ કે જ્યાં તામસતાનો અંત થાય છે, ત્યાંથી સત્ય, શાંતિ અને દિવ્ય આનંદનો ઉદય થાય છે.