Fri Sep 04 2026

Logo

બેંગ્લૂરુમાં થોડી જ વારમાં આઇપીએલનો જલસો શરૂઃ કોહલીનું આગમન થતાં જ પ્રેક્ષકોએ બૂમો પાડી

2026-03-28 18:52:30
Author: Ajay Motiwala
બેંગ્લૂરુમાં થોડી જ વારમાં આઇપીએલનો જલસો શરૂઃ કોહલીનું આગમન થતાં જ પ્રેક્ષકોએ બૂમો પાડી

બેંગ્લૂરુઃ 2016માં નવમી આઇપીએલની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)એ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ને માત આપ્યા બાદ ફરી એક વાર એ જ બે ટીમ અહીં આજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મહત્ત્વની મૅચમાં સામસામે આવી છે અને એના આરંભની હજારો પ્રેક્ષકો તેમ જ કરોડો ટીવી-દર્શકો રાહ જોઈ રહ્યા છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગ્લૂરુના પીઢ ખેલાડી વિરાટ કોહલી (Kohli)એ અહીં મેદાન પર પ્રૅક્ટિસ માટે આગમન કર્યું એ સાથે જ અસંખ્ય પ્રેક્ષકોએ બૂમો અને ચીસો પાડીને તેને ભાવભેર વેલકમ આપ્યું હતું. આજે સાંજે 7.00 વાગ્યે ટૉસ થશે અને 7.30 વાગ્યે પ્રથમ બૉલ ફેંકવામાં આવશે.

આ સ્ટેડિયમની બહાર ગયા વર્ષે ચોથી જૂને નાસભાગની જે ઘટના બની હતી એમાં મૃત્યુ પામેલા 11 જણને અંજલિ આપવા સ્ટેડિયમમાં 11 સીટ કાયમ માટે ખાલી રાખવામાં આવી છે.

2016ની 29મી મેએ બેંગ્લૂરુના આ જ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં ડેવિડ વૉર્નરના સુકાનમાં હૈદરાબાદે વિરાટ કોહલીની બેંગ્લૂરુની ટીમને આઠ રનથી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.

બન્ને ટીમ વચ્ચે આઇપીએલના ઇતિહાસમાં કુલ પચીસ મુકાબલા થયા છે જેમાંથી 13 હૈદરાબાદે અને 11 બેંગ્લૂરુએ જીત્યા છે. એક મૅચ અનિર્ણીત રહી હતી.

પિચ અને એકંદર સ્થિતિ કેવી રહેશે?

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 10 મહિનામાં પહેલી જ વખત મૅચ રમાવાની છે એટલે પિચ તથા એકંદર સ્થિતિ વિશે રહસ્ય છે. જોકે પરંપરા મુજબ અહીંની પિચ બૅટ્સમેનો માટે સ્વર્ગ જેવી રહી છે અને આજે પણ એવી જ રહેવાની સંભાવના છે. જોકે કેટલાક આશ્ચર્ય પમાડે એવી સ્થિતિ પિચની બાબતમાં જોવા મળી શકે. છેલ્લા ત્રણ વર્ષમાં આ સ્થળે પ્રથમ બૅટિંગ કરનાર ટીમનો સ્કોર સરેરાશ 194 રન રહ્યો છે.

રજત પાટીદાર બેંગ્લૂરુનો, કિશન હૈદરાબાદનો સુકાની

2025માં બેંગ્લૂરુએ રજત પાટીદારના સુકાનમાં 18 વર્ષમાં પહેલી જ વખત આઇપીએલની ટ્રોફી જીતી લીધી હતી. આ વખતે પણ તે જ કૅપ્ટન છે અને રાબેતા મુજબ તેને કોહલી તેમ જ બીજા પીઢ ખેલાડી કૃણાલ પંડ્યાનું માર્ગદર્શન મળતું રહેશે. ઓપનર અને વિકેટકીપર ઇશાન કિશન થોડી મૅચો માટે હૈદરાબાદની ટીમનું સુકાન સંભાળશે.