આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોમાં ભારતની ફોરેક્સ રિઝર્વ અને કેન્દ્રીય બેંકની વ્યૂહરચનાઓને લઈને મોટી ચર્ચા જાગી છે. તાજેતરમાં બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના એક અહેવાલે દાવો કર્યો હતો કે પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક તણાવ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના સોનાના ભંડારનો એક મોટો ભાગ વેચી દીધો છે, એવા અહેવાલોને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ની ફેક્ટ ચેક વિંગે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. જોકે, આ વિવાદ વચ્ચે સામાન્ય લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, ભારત પાસે આખરે કેટલું સોનું છે અને તે દેશ-દુનિયામાં કઈ જગ્યાએ સુરક્ષિત રાખવામાં આવ્યું છે? ચાલો જણાવીએ...
બ્લૂમબર્ગ ઈકોનોમિક્સના અહેવાલમાં જણાવાયું હતું કે મધ્ય પૂર્વના તણાવને જોતા આરબીઆઈએ 22મી મેના રોજ પૂરા થયેલાં બે અઠવાડિયામાં અંદાજે 12 અબજ ડોલર એટલે કે આશરે 1.14 લાખ કરોડ રૂપિયાનું સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી દીધું છે. જોકે, પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે આ અંગે વિગતવાર તપાસ કરી તેને સંપૂર્ણપણે પાયાવિહોણો અને મનઘડત ગણાવ્યો છે. પીઆઈબીએ સ્પષ્ટ કર્યું કે આરબીઆઈના સત્તાવાર નાણાકીય આંકડામાં આવા કોઈ પણ સોદા કે વેચાણની નોંધ નથી, આથી આ સમાચાર તદ્દન ભ્રામક છે.
ઓફિશિયલ આંકડાઓ મુજબ, માર્ચના અંત સુધીમાં ભારતીય રિઝર્વ બેંક પાસે કુલ 880. 52 મેટ્રિક ટન સોનાનો વિશાળ ભંડાર છે. પશ્ચિમી દેશો દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રશિયાની વિદેશી સંપત્તિઓ જપ્ત ફ્રીઝ કરવામાં આવી, ત્યારથી ભારત સહિત દુનિયાની અનેક સેન્ટ્રલ બેંકો એલર્ટ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને જોખમોથી બચવા માટે ભારતે વિદેશી બેંકોમાંથી પોતાનું સોનું ઝડપથી પાછું લાવવાનું શરૂ કર્યું છે. છ મહિના પહેલા જ્યાં દેશની અંદર માત્ર 66 ટકા સોનું હતું, તે વ્યૂહાત્મક ફેરફાર બાદ વધીને હવે લગભગ 77 ટકા થઈ ગયું છે.
ભારતનું કુલ 880 મેટ્રિક ટન સોનામાંથી 575 મેટ્રિક ટન કરતાં વધુ સોનું ભારતની સરહદોની અંદર જ રાખવામાં આવ્યું છે. આ સોનાને આરબીઆઈએ મુંબઈ અને નાગપુરમાં આવેલી પોતાની અત્યંત આધુનિક અને હાઈ સિક્યોરિટી ધરાવતી અભેદ તિજોરીઓમાં ચોવીસો કલાક કડક સુરક્ષા વચ્ચે રાખ્યું છે.
બાકી રહેતું 23 સોનું આંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવવા અને કટોકટીના સમયે તરત જ લિક્વિડિટીની વ્યવસ્થા કરવા માટે વિદેશોમાં સ્ટોર કરવામાં આવ્યું છે. આ વિદેશી હિસ્સાનો સૌથી મોટો ભાગ બ્રિટનની રાજધાની લંડન સ્થિત 'બેંક ઓફ ઇંગ્લેન્ડ' પાસે જમા છે. આ ઉપરાંત, સ્વિટ્ઝરલેન્ડના બેસેલ શહેરમાં આવેલી આંતરરાષ્ટ્રીય બેંક બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે પણ ભારતનું સોનું વ્યૂહાત્મક રીતે અને સંપૂર્ણ સુરક્ષા સાથે અનામત રાખવામાં આવ્યું છે.