હેન્રી શાસ્ત્રી
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભાઈઓની જોડીના કેટલાક નામાંકિત ઉદાહરણ છે. એમાંય વિશેષ ધ્યાન ખેંચે છે ત્રણ ભાઈ (બંધુ ત્રિપુટી)નું યોગદાન. આ યાદી પર નજર નાખતા ખ્યાલ આવે છે કે મોટાભાગની ત્રિપુટીમાં કાં તો ત્રણેય ભાઈ એક્ટર હોય અથવા કમ સે કમ એક તો અભિનેતા હોય જ. સૌથી પહેલા યાદ આવે કપૂર બંધુઓ- રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂર. જોકે, આ ત્રણેય ભાઈઓએ અભિનય ઉપરાંત નિર્માતા-દિગ્દર્શકની જવાબદારી પણ નિભાવી છે.
બીજી પ્રખ્યાત જોડી છે ગાંગુલી ભાઈઓની. અશોક કુમાર, અનુપ કુમાર અને કિશોર કુમાર. અનુપ કુમાર કેવળ એક્ટિંગ, જ્યારે અભિનય ઉપરાંત દાદામોનીએ પ્રારંભિક કાળમાં જૂજ ગીતો ગાયા જ્યારે કિશોર કુમારએ તો એક્ટિંગ, સિંગિંગ ઉપરાંત ફિલ્મમેકિગના અનેક પહેલુ પર હાથ અજમાવ્યો હતો. આનંદ બંધુઓમાં ચેતન આનંદ લેખક અને નિર્માતા - દિગ્દર્શક અને વિજય આનંદ તેમજ દેવ આનંદ ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શન ઉપરાંત એક્ટિંગ પણ કરી.
પુરી બ્રધર્સ (મદન પુરી, ચમન પુરી, અમરીશ પુરી) નાથ ભાઈઓ (પ્રેમનાથ, રાજેન્દ્ર નાથ, નરેદ્ર નાથ) કેવળ અભિનય પૂરતા સીમિત રહ્યા. ખાન બંધુઓ (ફિરોઝ ખાન, સંજય ખાન, અકબર ખાન) અભિનય સિવાય ફિલ્મમેકિગ તરફ પણ વળ્યા. કપૂર ખાનદાનની નવી પેઢી (રણધીર કપૂર, રિશી કપૂર, રાજીવ કપૂર) અભિનયમાં અગ્રેસર રહ્યા પણ ફિલ્મમેકિગમાં એમની દાળ બહુ ગળી નહીં. સલમાન, અરબાઝ, સોહેલ ખાન ત્રિપુટીમાં એકટિગમાં સલમાનને મળી એની ચોથા ભાગનો યશ પણ બાકીના બે ભાઈના ભાગે ન આવ્યો. અરબાઝ અને સોહેલ નિર્માતા અને દિગ્દર્શક બન્યા પણ ગજું ન કાઢી શક્યા.
આવા બંધુ ત્રિપુટીમાં એક ઉદાહરણ એવું છે જે આજે વિસરાઈ ગયું છે. એક્ટિંગના માધ્યમથી છેટું રાખનારા આ ભાઈઓએ ફિલ્મ નિર્માણ, ફિલ્મ દિગ્દર્શન અને ફિલ્મ ગીતકારના સ્વરૂપમાં યોગદાન આપ્યું છે. આ બંધુ ત્રિપુટી એક સમયે રાવલ બંધુ તરીકે જાણીતી હતી. ચમનલાલ (સી. એલ. રાવલ) ફિલ્મ દિગ્દર્શક હતા, બનવારી લાલ (બી.સી. રાવલ) ફિલ્મ નિર્માતા અને ગીતકાર ગુલઝારી લાલ (જી. એલ. રાવલ). રાવલ ત્રિપુટીની પ્રખ્યાત ફિલ્મ `દિલ ને ફિર યાદ કિયા'ને 60 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે આ વિસરાઈ ગયેલી બંધુ ત્રિપુટીને જાણીએ.
આ ભાઈઓની અટક રાવલ હતી, પણ તે ગુજરાતી નહોતા. 1947ના વિભાજન પછી પંજાબથી મુંબઈ આવી વસેલા રાવલ બંધુઓને વ્યવસાય કરવાની તાલાવેલી હતી. આપસી વિચાર વિમર્શ પછી ફિલ્મમેકિગમાં ઝંપલાવવું એવી સહમતી થઈ. રસપ્રદ વાત એ હતી કે બનવારી લાલ પૈસાની લેવડદેવડ અને વ્યવસ્થા કાર્યમાં નિપુણ હોવાથી તેમણે નિર્માતા બનવાનું પસંદ કર્યું.
બીજા બે ભાઈ સર્જનાત્મક કૌશલ ધરાવતા હોવાથી ચમન લાલએ મુખ્યત્વે ફિલ્મ દિગ્દર્શકની જવાબદારી સંભાળવાનું નક્કી કર્યું. ગુલઝારી લાલને લેખન-વાંચન માટે વિશેષ પ્રીતિ હોવાથી પટકથા - સંવાદ લેખક તેમજ ગીતકાર તરીકે રોલ અપનાવી લીધો. ભાઈઓએ પારિવારિક ફિલ્મ કંપની `રાવલ ફિલ્મ્સ' સ્થાપી. ચમન લાલ અને ગુલઝારી લાલ પર રાજ કપૂરની ફિલ્મોનો પ્રભાવ હોવાથી રાવલ ફિલ્મ્સના લોગોમાં આર. કે. ફિલ્મ્સના લોગો સાથે સામ્ય જોવા મળે છે.
પંજાબી કનેક્શન રાવલ બંધુઓને આઈ. એસ. જોહર સુધી દોરી ગઈ જે એ સમયે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય થઈ રહ્યા હતા. મુલાકાતની ફલશ્રુતિ 'મિસ ઈન્ડિયા' (1957)માં થઈ. ફિલ્મના પ્રમુખ કલાકાર હતા નરગીસ, પ્રદીપ કુમાર, પ્રાણ અને આઈ. એસ. જોહર. ફિલ્મના કથા, પટકથા, સંવાદ લેખક અને દિગ્દર્શક તરીકે આઈ. એસ. જોહરનું નામ છે, પણ સ્ટોરી આઈડિયા જી. એલ. રાવલનો છે, પ્રોડક્શન કંટ્રોલર તરીકે સી. એલ. રાવલનું નામ છે અને પ્રોડ્યુસરની ક્રેડિટ બી. એલ. રાવલને આપવામાં આવી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવી નીવડી એની ખાતરીલાયક માહિતી ઉપલબ્ધ નથી, પણ રિવ્યુમાં એની પ્રશંસા કરવામાં આવી હતી. ટૂંકમાં રાવલ બંધુના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગમનની નોંધ લેવાઈ હતી.
બંધુ ત્રિપુટીની બીજી ફિલ્મ હતી `કોલેજ ગર્લ' (1960) જેમાં શમ્મી કપૂર અને વૈજયંતિમાલા લીડ રોલમાં હતા. યુવા વર્ગને આકર્ષતી આ ફિલ્મ સફળ સાબિત થઈ અને રાવલ બંધુના ઉત્સાહમાં ઉભરો આવ્યો. 1963ની ફિલ્મ `દિલ હી તો હૈ'થી રાવલ ભાઈઓ એક કદમ આગળ વધ્યા. રાજ કપૂર-નૂતન અભિનીત ફિલ્મમાં ડિરેક્ટર તરીકે પી. એલ. સંતોષી સાથે સી. એલ. રાવલનું નામ છે. 1950-60ના દાયકામાં મુસ્લિમ સોશ્યલ ફિલ્મોનું ચલણ હતું.`દિલ હી તો હૈ' એ પ્રકારની ફિલ્મ છે જેના બે ગીત (મુકેશનું `તુમ અગર મુજકો ન ચાહો તો કોઈ બાત નહીં' અને મન્ના ડેનું `લાગા ચુનરી મેં દાગ છુંપાઉં કૈસે') ત્યારે સુપરહિટ થયા હતા અને આજે પણ લોકો ભૂલ્યા નહીં હોય. ફિલ્મને ફાંકડી સફળતા મળી અને...
... અને 1966માં આવેલી `દિલ ને ફિર યાદ કિયા' ફિલ્મનું ડિરેક્શન રાવલ ભાઈએ કર્યું હતું. આ ફિલ્મની ક્રેડિટ લાઈનમાં બંધુ ત્રિપુટી છવાઈ ગઈ હતી. ફિલ્મના દિગ્દર્શક હતા સી. એલ. રાવલ, નિર્માતા બી. એલ. રાવલ, કથા - પટકથા, સંવાદ લેખક અને ગીતકાર હતા જી. એલ. રાવલ. સંગીતકાર હતા, સોનિક ઓમી જેમની ફિલ્મ કારકિર્દીનો પ્રારંભ અહીંથી થયો.
ફિલ્મનાં બે ગીત (લતાદીદીનું `આ જા રે પ્યાર પુકારે, નૈના તો રો રો હારે' અને રફી, સુમન કલ્યાણપુર અને મુકેશનું ટાઇટલ સોન્ગ `દિલ ને ફિર યાદ કિયા બર્ક સી લેહરાઈ હૈ') રસિકોને બહુ જ ગમ્યા હતા. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધે માથે પટકાઈ. ત્યારબાદ `આબરૂ' (1968) અને સી. એલ. રાવલના પુત્ર ધીરજ કુમારને લોન્ચ કરવા મુમતાઝ સાથે `લડકી પસંદ હૈ' (1971) બનાવી, જેને સરિયામ નિષ્ફળતા મળી.
એક અલગ પ્રયાસ તરીકે રાવલ બંધુઓએ 70ના દાયકામાં રાજ કપૂર અને અશોક કુમારને લઈ `ચોર મંડલી' ફિલ્મ બનાવવાની શરૂઆત તો કરી પણ આર્થિક તંગીને કારણે ફિલ્મ અભરાઈ પર ચડાવી દેવી પડી અને રાવલ બંધુ ત્રિપુટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.