સિદ્ધાર્થ છાયા..
‘ધૂરંધર’ની ધમરોળી નાખતી સફળતાએ બે ફિલ્મોને નુકસાન પહોંચાડ્યું હતું. પહેલી હતી ફરહાન અખ્તરની ‘ડોન 3’ અને બીજી હતી અજય દેવગણની ‘દૃશ્યમ-3’. પહેલી ફિલ્મમાંથી રણવીર સિંહ નીકળી ગયો જ્યારે બીજી ફિલ્મમાંથી રહમાન ડકૈત ઉર્ફે અક્ષય ખન્ના. અક્ષયને તો પ્રકાશરાજે રિપ્લેસ કરી દીધો, પણ રણવીર તકલીફમાં મુકાઈ ગયો છે.
‘ડોન’ ફ્રેન્ચાઇઝીનાં ત્રીજા ભાગનાં નિર્માતા ‘એક્સેલ એન્ટરટેઈનમેન્ટે’ ફિલ્મ અધવચ્ચે છોડી દેવાથી પોતાને નહીં નહીં તો પણ 40 કરોડનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો છે. હવે આ કંપનીના બે કર્તાધર્તા એવા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ આ 40 કરોડ રૂપિયા રણવીર સિંહ તેમને ચૂકવી દે એવી માંગણી કરી છે તો રણવીરે આમાં તેનો કોઈ જ વાંક ન હોવાનું કહીને લગભગ થાય ઈ કરી લેવું એમ કહી દીધું છે.
રણવીરનું કહેવું છે કે ફિલ્મ માટે ફરહાન ક્યારેય સિરિયસ ન હતો. તેણે વારંવાર બાઉન્ડ સ્ક્રિપ્ટ માગી હતી, પરંતુ ફરહાને કાયમ તેને અડધી અને અધૂરી વાતો જ સંભળાવી હતી. ફિલ્મ જાહેર થયાં પછી પણ મહિનાઓ થઇ ગયાં અને તે ફ્લોર પર ન ગઈ. આ કારણોસર તેણે ફિલ્મને ‘આવજો- બાયબાય-ટાટા’ કહી દીધું હતું. તો સામે પક્ષે ફરહાનનું કહેવું છે કે તેમણે રણવીરની અનેક સાચી એવમ્ ખોટી માગણીઓ પૂરી કરી હતી અને તેમ છતાં રણવીરે ફિલ્મ છોડી દીધી. આથી હવે નુકસાનીનાં 40 કરોડ તો રણવીરે આપવા રહ્યા... હાલમાં તો બોલિવૂડનાં મોટાં માથાંઓ જેવાં કે સાજીદ નડિયાદવાલા અને આમિર ખાન આ બંને વચ્ચે સંધિ કરાવવામાં વચ્ચે પડ્યાં છે, પણ પરિણામ આવતાં વાર જરૂર લાગશે.
દોસ્ત દોસ્ત ના રહા...
વર્ષોથી ભારતીય દર્શકોને હસાવનાર રાજપાલ યાદવ જેલમાં છે. એક ચેક બાઉન્સનાં કિસ્સામાં રાજપાલ યાદવને જેલમાં જવું પડ્યું છે. જેલમાં જતાં પહેલાં બોલિવૂડનાં વરિષ્ઠ ડાયરેક્ટર સુભાષ કે. ઝા રાજપાલને મળ્યાં હતાં. તેમણે આ કોમેડી એક્ટરને પૂછ્યું હતું કે અઢી કરોડ જેટલી રકમ તે કેમ ન ચૂકવી શક્યો, જ્યારે તે વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે?
તો રાજપાલ યાદવનો જવાબ હતો કે, શું કરું, સર? મારી પાસે અત્યારે પૈસા જ નથી.’ સુભાષ કે. ઝા એ જે બીજો પ્રશ્ન કર્યો તેણે તો બોલિવૂડનો અસલી ચહેરો સામે લાવી દીધો. ઝા એ પૂછ્યું કે ‘તે પોતાનાં મિત્રો જેવાં કે પ્રિયદર્શનની મદદ કેમ નથી લેતો?’ તો રાજપાલે જવાબ આપ્યો કે, ‘અહીં (બોલિવૂડમાં) બધાં એકલાં છીએ. મારો કોઈ મિત્ર નથી, લાગે છે મારે એકલાં જ લડવું પડશે...’ જો કે રાજપાલનાં જેલ જવાનાં સમાચારે કેટલીક બોલિવૂડ સેલિબ્રિટીને જરૂર જગાડી દીધી છે. બે દિવસ પહેલાં એક્ટર સોનુ સૂદે સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી છે કે તે પોતાની આગામી ફિલ્મમાં રાજપાલ યાદવને કાસ્ટ કરશે...
અફવાઓનું અઠવાડિયું
ગોસીપ અને અફવાઓમાં ફરક હોય છે. એક જમાનામાં આ તફાવત બધાંને સમજાતો હતો, પરંતુ હવેનું મીડિયા કદાચ આ ફરકને સમજતું નથી અથવા તો સમજવા માગતું નથી. આ આખું અઠવાડિયું કોઈને કોઈ અફવા ફેલાતી રહી હતી. આ દરેક અફવાનું ખંડન તેનાં લાગતાંવળગતાં ઓએ કરવું પડ્યું છે. પહેલી અફવા તો એ હતી કે ‘રામાયણ’ ફિલ્મમાં વિભિષણ તરીકે સાઉથનાં સુપરસ્ટાર વિજય સેતુપથી જોવા મળશે, પણ સેતુપથીએ ખુલાસો કરવો પડ્યો કે તે આ પ્રોજેક્ટનાં ક્યારેય હિસ્સા રહ્યા જ નથી.
બીજી અફવા એ આવી કે પ્રકાશ રાજને સંદીપ રેડ્ડી વંગાએ પોતાની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી કાઢી મૂક્યા છે તો પ્રકાશ રાજે પણ સ્પષ્ટ કર્યું કે તે હજી પણ આ ફિલ્મનાં ભાગ છે અને અફવાઓ પર વિશ્વાસ કરશો નહીં. ‘રામાયણ’ વિષે બીજી અફવા એ આવી કે મેઘનાદના રોલ માટે વિક્રાંત મેસ્સીને રિપ્લેસ કરીને રાઘવ જુયાલને કાસ્ટ કરાયો છે તો મેસ્સીએ પણ સેતુપથીની જેમ જ કહ્યું કે તે ક્યારેય આ પ્રોજેક્ટ સાથે નહોતો જોડાયો. મેસ્સીએ આ પ્રકારની અફવા મીડિયા દ્વારા ફેલાવવામાં આવી તે અંગે નિરાશા વ્યકત કરી છે.
આ અઠવાડિયાની સહુથી મોટી અફવા હતી ‘ગોલમાલ-5’ અંગે. અચાનક સમાચાર આવ્યાં કે આ ફિલ્મ અમિતાભ શશી કપૂરની ‘દો ઔર દો પાંચ’ની તર્જ પર આધારિત છે. બીજા જ દિવસે રોહિત શેટ્ટી પ્રગટ થયા અને સોશ્યલ મીડિયા મારફતે જાહેર કર્યું કે આ વાત સદંતર ખોટી છે. છંછેડાયેલા શેટ્ટી એ મીડિયાને તેનાં ‘સ્પિરિટની અંદર’ રહીને રિપોર્ટિંગ કરવાની સલાહ આપી હતી. આટલું ઓછું હોય તેમ તેણે એમ પણ કહી દીધું કે આ વખતે જવા દઉં છું, પણ જો ફરીથી આવું થયું તો...
કટ એન્ડ ઓકે..
પ્રિયદર્શનની ‘ભાગમભાગ 2’માં ગોવિંદાને અન્ય અભિનેતા મનોજ વાજપેયીએ રિપ્લેસ કર્યો છે અને પરેશ રાવળ આ ફિલ્મમાં ડબલ રોલ ભજવશે!
(નોંધ: આ પણ એક અફવા છે એવું હજુ સુધી કોઈએ કહ્યું નથી! )