Fri Apr 17 2026

Logo

શો-શરાબાઃ સિનેમાનું સેન્ટર બની રહ્યું છે લોકલ ઇન્ડિયા કે પછી... બોલિવૂડ હવે ભારતને સમજવા લાગ્યું છે કે ફક્ત એડજસ્ટ થઈ રહ્યું છે?

2026-04-10 10:59:00
Author: Divyakant Pandya
Article Image

 

દિવ્યકાંત પંડ્યા

ઘણા સમય સુધી બોલિવૂડ મુખ્યત્વે એવું માનતું રહ્યું કે તેની મુખ્ય ઓડિયન્સ એક ચોક્કસ વર્ગમાં છે. એ છે અર્બન, મલ્ટિપ્લેક્સ જનાર, થોડું અંગ્રેજી બોલતી અને એક ખાસ પ્રકારની એસ્પિરેશનલ-મહત્ત્વાકાંક્ષી લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી... સ્ટોરીઝ પણ એ પ્રમાણે જ બનતી. કેરેક્ટર્સ ઘણી વાર રિયલ લાગતા કરતાં વધુ પોલિશ્ડ  લાગતા અને તેમના પ્રોબ્લેમ્સ પણ દેશના મોટા ભાગના લોકોની લાઇફથી કટ ઓફ લાગતા. 

જોકે છેલ્લાં થોડાં વર્ષોમાં, ખાસ કરીને પેન્ડેમિક પછી, આ સ્થિતિ ધીમે ધીમે બદલાઈ છે. હવે ફિલ્મ હિટ થાય કે નહીં, એનો નિર્ણય ફક્ત મુંબઈ, દિલ્હી કે બેંગલોર નથી કરતા. હવે સાચી તાકાત નાનાં શહેરોમાંથી આવે છે- એ ભારતમાંથી, જેને આપણે હંમેશાં ઓછું ગણતા આવ્યા છીએ- નકારતાં આવ્યાં છીએ...

આ બદલાવ એક દિવસમાં આવ્યો નથી, પણ બોક્સ ઓફિસે હવે આ વાત સ્પષ્ટ કરી દીધી છે. ‘ગદર 2’ જેવી ફિલ્મ ફક્ત હિટ નહોતી, પણ સિંગલ સ્ક્રીન્સ અને નાનાં શહેરોમાં એક તહેવાર જેવી બની ગઈ. તેમાં નોસ્ટેલ્જિયા હતું, દેશભક્તિ હતી અને સીધી લાગણી હતી, જે મેટ્રો કરતાં નાનાં શહેરોમાં વધારે અસર કરે છે. ‘જવાન’ ફિલ્મે બીજી રીતે આ બેલેન્સ પકડ્યું, મેટ્રો માટે સ્ટાઇલ અને સ્કેલ અને નાનાં શહેરો માટે ઇમોશનલ અને માસી મોમેન્ટ્સ. ‘એનિમલ’ જેવી ફિલ્મ, જે અર્બન સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહી, એણે પણ નાનાં  શહેરોમાંથી જબરદસ્ત સપોર્ટ મેળવ્યો.

આ જ ટ્રેન્ડ આગળ વધતો જોવા મળ્યો ‘બોર્ડર 2’ સાથે, જેના માટે રિલીઝ પહેલા જ નાનાં શહેરોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. એની પાછળનું કારણ સાદું છે, દેશભક્તિનો ટોન અને પહેલાની ફિલ્મની લેગસી, જે આ ઓડિયન્સ સાથે સહજતાથી સંકળાઈ જાય છે. સાથે સાથે ‘ધુરંધર’ જેવી ફિલ્મ્સે પણ આ પેટર્ન મજબૂત કરી છે, જ્યાં બોક્સ ઓફિસનો મજબૂત આધાર મોટાં શહેરો અને ડીપર સર્કિટ્સ બંને છે.

હવે વાત સ્પષ્ટ થઈ રહી છે કે નાનાં શહેરોના દર્શકો ફક્ત ફિલ્મ જોતા નથી, પણ ફિલ્મ હિટ કે ફ્લોપ થાય તેમાં તેમનો મોટો હાથ છે. છેલ્લાં થોડાં વર્ષોમાં નાનાં શહેરોમાં સિંગલ સ્ક્રીન્સ ગયા પણ મલ્ટિપ્લેક્સ થકી વધુ સ્ક્રીન્સ બન્યા છે, થિયેટર એક્સપીરિયન્સ સુધર્યું છે અને ડિસ્ટ્રિબ્યુશન વધુ મજબૂત થયું છે. એટલે ફિલ્મ હવે દેશના દરેક ખૂણે એકસાથે પહોંચી શકે છે. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે ક્ધટેન્ટ પણ હવે આ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનવા લાગ્યું છે.

ડ્રામા તરફનો ઝુકાવ વધ્યો છે. ‘સ્ત્રી 2’ જેવી ફિલ્મ એનું સારું ઉદાહરણ છે. ઉપરથી જોતા એ એક સ્માર્ટ હોરર કોમેડી લાગે છે, પણ તેનું રૂટેડ સેટિંગ, લોકલ હ્યુમર અને ઓળખી શકાય તેવી કલ્ચરલ ફીલ તેને નાનાં શહેરોમાં પણ સરળતાથી કનેક્ટ કરાવે છે.

આ બદલાવને કારણે અર્બન ફિલ્મ્સ માટે થિયેટરમાં ટકવું મુશ્કેલ બન્યું છે. ઘણી ફિલ્મ્સ ક્રિટિક્સને ગમે છે, પણ થિયેટરમાં ચાલતી નથી, કારણ કે તે બહુ નિશ હોય છે અથવા તેમાં એવી વાત હોય છે, જે બધા સાથે કનેક્ટ ન થાય. આવી ફિલ્મ્સ હવે ઓટીટી પર વધારે કામ કરે છે. થિયેટરમાં હવે એ જ ફિલ્મ ચાલે છે જેમાં ઇમોશનની સાથે એક પ્રકારની યુનિવર્સલ અપીલ હોય. નાનાં શહેરોના દર્શકો માટે ફિલ્મ સાથે ઓતપ્રોત થઈ જવું વધુ  મહત્ત્વનું છે. ફિલ્મ ધીમી લાગે, વધારે સ્માર્ટ લાગે અથવા કનેક્ટ ન થાય તો તે તરત રિજેક્ટ થઈ શકે છે.

આ બદલાવ બોલિવૂડને પણ પોતાની રાઇટિંગ સ્ટાઇલ બદલવા મજબૂર કરી રહ્યો છે. કેરેક્ટર્સ હવે ઓછા પોલિશ અને વધુ રૂટેડ બન્યા છે. ડાયલોગ્સ વધુ  નેચરલ થયા છે, જે રોજિંદી બોલચાલ જેવી લાગણી આપે છે. અર્બન અને લોકલ વચ્ચેનો ગેપ ઘટાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ અહીં એક મહત્ત્વનો સવાલ ઊભો થાય છે. શું બોલિવૂડ ખરેખર ભારતને સમજી રહ્યું છે કે ફક્ત ઉપરથી એડજસ્ટ થઈ રહ્યું છે. ફક્ત સ્મોલ ટાઉન સેટિંગ મૂકી દેવું કે લોકલ ડાયલેક્ટ ઉમેરવી એ પૂરતું નથી. ઓડિયન્સ તરત પકડી લે છે કે ફિલ્મ સાચી છે કે ફક્ત દેખાવ માટે છે.

આ આખા બદલાવમાં સાઉથ સિનેમાનો ઇન્ફ્લુઅન્સ પણ મહત્ત્વનો રહ્યો છે. ‘પુષ્પા ધ રાઇઝ’ અને ‘આરઆરઆર’ જેવી ફિલ્મ્સે હિન્દી ઓડિયન્સમાં જે અસર પેદા કરી, તે ફક્ત સ્કેલથી નહોતી, પણ ઇમોશનલ ક્લેરિટી અને નિડર સ્ટોરીટેલિંગથી હતી. મનોરંજન દેવની કૃપાથી બોલિવૂડ એમાંથી શીખ્યું છે. હવે હીરો ડ્રિવન સ્ટોરીઝ, લાર્જર ધેન લાઇફ મોમેન્ટ્સ અને હાઇ ડ્રામા તરફનો કોન્ફિડન્સ વધ્યો છે, પરંતુ એ પણ સાચું છે કે મેટ્રો ઓડિયન્સનું મહત્ત્વ પૂરેપૂરું ખતમ થયું નથી. અર્બન ઓડિયન્સ હજુ પણ ચર્ચામાં છે, ટ્રેન્ડ્સ સેટ કરે છે. હવે પાવર બેલેન્સ બદલાઈ ગયું છે. ઇન્ડસ્ટ્રીનું ઇકોનોમિક્સ બંને ઓડિયન્સ પ્રમાણે બદલાઈ ગયું છે.

ઇન્ડિયન સિનેમાનું દિલ હવે ફક્ત મેટ્રોઝમાં નથી ધબકતું. તે નાનાં શહેરોમાં વધુ જોરથી ધબકે છે. અને જ્યાં સુધી ફિલ્મમેકર્સ આ અવાજને સાંભળતા રહેશે ત્યાં સુધી આ બદલાવ બોલિવૂડને નવી દિશામાં લઈ જઈ શકે છે.     
                                             
લાસ્ટ શોટ
આપણે સ્ટોરીટેલિંગમાં બહુ જ અર્બન બની ગયા. દર્શકો બદલાઈ નથી ગયા, આપણે તેમને સમજવાનું ચૂકી ગયા છીએ. - અનુરાગ કશ્યપ