ડૉક્ટરોની મારપીટ કરનારા નગરસેવકને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લવાયા: ત્રણ દિવસની કસ્ટડી
થાણે: કેડીએમસી સંચાલિત ડોમ્બિવલીની હૉસ્પિટલમાં ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ સાથે કથિત મારપીટ કરવાના કેસમાં ધરપકડ કરાયેલા શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રેને વીડિયો કોન્ફરન્સિંગથી હાજર કરવાની અરજી પર મૅજિસ્ટ્રેટ ભડકી ઊઠ્યા હતા અને નગરસેવકને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ પોલીસને આપ્યો હતો. છાતીમાં દુખાવા સાથે હૉસ્પિટલમાં દાખલ મ્હાત્રેને આખરે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લવાયા હતા. કોર્ટે મ્હાત્રે અને તેના ત્રણ સાથીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
ડોમ્બિવલીની હૉસ્પિટલમાં નગરસેવક અને તેના સાથીઓએ કરેલી મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં મેડિકલ ઑફિસર ડૉ. વૈભવ સાળુંખેને લાફા અને પંચ મારતા મ્હાત્રે નજરે પડે છે. એ સિવાય મ્હાત્રેએ રેસિડેન્ટ મેડિકલ ઑફિસર ડૉ. સૃષ્ટિ બાવિસ્કર સાથે ઉદ્ધત વર્તન કરી તેને પણ ફટકારી હતી.
કલ્યાણ-ડોમ્બિવલી મહાપાલિકા સંચાલિત શાસ્ત્રી નગર હૉસ્પિટલમાં સોમવારની સાંજે બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચ્યો હતો. નાગરિકોનો ગુસ્સો જોતાં અને આઈએમએ દ્વારા દબાણ લાવવામાં આવ્યા પછી વિષ્ણુનગર પોલીસે બુધવારે મ્હાત્રે અને તેના ત્રણ સાથીની ધરપકડ કરી હતી.
ધરપકડ સાથે જ મ્હાત્રેએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેને પગલે તેમને થાણેની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
હૉસ્પિટલમાં દાખલ મ્હાત્રેને વીડિયો કોન્ફરન્સિંગથી હાજર કરવાની પરવાનગી પોલીસે માગી હતી. જોકે કલ્યાણના જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ્ર ક્લાસ કે. એસ. કાતકડેએ આ વિનંતી ફગાવી દીધી હતી અને મ્હાત્રેને કોર્ટ સમક્ષ પ્રત્યક્ષ હાજર કરવાનો આદેશ પોલીસને આપ્યો હતો.
આખરે લંચ પછી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મ્હાત્રેને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ માટે કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી હતી. કોર્ટરૂમમાં પણ હકડેઠઠ ભીડ જામી હતી.
બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી કોર્ટે મ્હાત્રે સહિત ચારેય આરોપીને 13 જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. મહિલા સમર્થક સહિત ચારેય આરોપી વિરુદ્ધ વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં મંગળવારની રાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.
(પીટીઆઈ)