Fri May 01 2026

Logo

ભવ્યતા એવી કે આંખો અંજાઈ જશે અને ભાવ એવો કે હૈયું ભરાઈ આવશે! રણબીરની ‘રામાયણ’નું ટ્રિઝર લોન્ચ

2026-04-02 12:22:00
Author: Mumbaisamachar Team
Article Image

મુંબઈ: ભારતીય સિનેમાના ઇતિહાસમાં જેની સૌથી વધુ આતુરતાથી રાહ જોવાતી હતી, તે ક્ષણ આખરે આવી ગઈ છે. વર્ષ 2017માં જેનું બીજ રોપાયું હતું, તે નમિત મલ્હોત્રાની 'રામાયણ'નું પ્રથમ સત્તાવાર ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ માત્ર એક ફિલ્મનું પ્રોમો નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર લઈ જવાનો એક ભવ્ય પ્રયાસ છે. અંદાજે અઢી મિનિટનું આ ટીઝર જોયા પછી પ્રેક્ષકોને ખાતરી થઈ ગઈ છે કે નિર્માતાઓએ જે સ્કેલ અને ભવ્યતાના વાયદા કર્યા હતા, આ ફિલ્મ તેનાથી પણ અનેકગણી ઉપર છે.

ટીઝરની એક અજાણ્યા છતાં આત્મીય વિશ્વમાં ખેંચી જાય છે. એ.આર. રહેમાન અને હોલીવુડના દિગ્ગજ હાન્સ ઝિમરનું સંગીત એક અનોખી શાંતિ અને શક્તિનો અનુભવ કરાવે છે. અહીં સંગીતમાં બૂમાબૂમ નથી, પણ હૃદયને સ્પર્શી જાય તેવો સૂરીલો પ્રવાહ છે. ઇન્ડિયન સિનેમાના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ વિઝ્યુઅલ્સ આ ટીઝરમાં જોવા મળે છે, જ્યાં દરેક ફ્રેમ એટલી બધી વિગતોથી ભરેલી છે કે તેને વારંવાર જોવાનું મન થાય. આ વિઝ્યુઅલ ટ્રીટ રામાયણના પવિત્ર કાળને જીવંત કરી દે છે.
 

જે પ્રશ્ન સૌના મનમાં હતો કે રણબીર કપૂર રામના પાત્રમાં કેવો લાગશે, તેનો જવાબ ટીઝરે ખૂબ જ સચોટ રીતે આપ્યો છે. રણબીરની ચાલ, તેની આંખોની નમ્રતા અને આત્મવિશ્વાસથી ભરેલું બોડી લેંગ્વેજ જોઈને લાગે છે કે તેણે આ પાત્રને આત્મસાત કરી લીધું છે. નિતેશ તિવારીએ રામના પાત્રમાં શક્તિ અને વિનયનું જે સંતુલન બતાવ્યું છે તે કાબિલે તારીફ છે. ટીઝરમાં સીતાજીની એક ઝલક અને રાવણનો પડછાયો પણ ઉત્તેજના વધારે છે. આ ફિલ્મ માત્ર સ્કેલની દ્રષ્ટિએ જ નહીં, પણ ભાવનાત્મક જોડાણની દ્રષ્ટિએ પણ લોકોના દિલ જીતવા તૈયાર છે.

અત્યાર સુધી આપણે હોલીવુડની ફિલ્મોમાં ગ્રીક કે રોમન સંસ્કૃતિની વાર્તાઓ ભવ્ય રીતે જોતા આવ્યા છીએ, પરંતુ 'રામાયણ' દ્વારા ભારત હવે વિશ્વને પોતાની મહાન ગાથા આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રેઝન્ટેશન સાથે બતાવવા જઈ રહ્યું છે. નિતેશ તિવારીની આ કૃતિ ઇન્ટરનેશનલ સિનેમામાં 'ઇન્ડિયન પ્રાઇડ'ની તસવીર બનીને ઉભરી છે. ટીઝર જોયા બાદ હવે ચાહકો માટે દિવાળી સુધીની રાહ જોવી મુશ્કેલ બની જશે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પણ દરેક ભારતીય માટે ગૌરવ લેવાની ક્ષણ છે.

રામાયણના આ ટીઝરે દર્શકોમાં એક નવો ઉત્સાહ જગાડ્યો છે. ફિલ્મના એક-એક પ્રોમો અને પોસ્ટર્સ હવે વાર્તાને વધુ ઘેરી બનાવશે. રામકથાને આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત લાગણીઓ સાથે જે રીતે વણવામાં આવી છે, તે જોતા લાગે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખશે. સિનેમાના આ અદ્ભુત જાદુને માણવા માટે હવે આખું ભારત તૈયાર છે. નમિત મલ્હોત્રા અને નિતેશ તિવારીએ ભારતીય સિનેમાને એક એવી ભેટ આપી છે જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે.