Thu Sep 03 2026

Logo

'ચંદાચોરી' મુદ્દે સીબીઆઈ તપાસ થશે? હાઈ કોર્ટે અરજી ફગાવતા આપ્યું આ મોટું 'કારણ'

2026-07-06 16:31:33
Author: Devayat Khatana
'ચંદાચોરી' મુદ્દે સીબીઆઈ તપાસ થશે? હાઈ કોર્ટે અરજી ફગાવતા આપ્યું આ મોટું 'કારણ'

લખનઊ: અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટમાં આવેલા દાન અને ચઢાવવાની કથિત ચોરી મામલે દાખલ કરાયેલી અરજીને અલાહાબાદ હાઈ કોર્ટની લખનઊ બેંચે ફગાવી દીધી છે. હાઈ કોર્ટે આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરાવવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે આ જ મામલો સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ વિચારાધીન છે, તેથી વર્તમાન સંજોગોમાં આ અરજી હાઈ કોર્ટમાં સુનાવણી માટે સ્વીકારી શકાય તેમ નથી.

હાઈ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકાર પક્ષે એડિશનલ એડવોકેટ જનરલ (AAG) વિનોદ શાહી અને ચીફ સ્ટેન્ડિંગ કાઉન્સેલ (CSC) શૈલેન્દ્ર સિંહે દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટના ધ્યાન પર લાવ્યું હતું કે શ્રી રામ મંદિરના દાનના મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં સમાન અરજી પેન્ડિંગ છે, તેથી અહીં આ કેસ ચલાવવાનું કોઈ યોગ્ય રહેતું નથી. સરકાર પક્ષની આ દલીલોને ગ્રાહ્ય રાખીને જસ્ટિસ રાજન રોય અને જસ્ટિસ મંજીવ શુક્લાની ડિવિઝન બેંચે આ અરજીને નકારી કાઢી હતી.

આ જાહેર હિતની અરજી મોહિત અશોક નામના અરજદાર દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારની રજૂઆત હતી કે રામ મંદિર કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે, તેથી દાનમાં મળતી રકમની સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને તેની નિષ્પક્ષ તપાસ થાય તે અત્યંત જરૂરી છે. તેમણે કથિત ઉચાપત મામલે કેસ નોંધીને CBIને તપાસ સોંપવાની માંગ કરી હતી. 
આ ઉપરાંત, મંદિરમાં દાન પેટીઓમાં આવતી રોકડ રકમ, સોના-ચાંદીના આભૂષણો અને અન્ય કિંમતી વસ્તુઓનું કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) મારફતે ઓડિટ કરાવવાની પણ કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી.

અરજદારે આ મામલાની ગંભીરતાને જોતા પોતાની યાચિકામાં કેટલાક મહત્વના વિભાગોને પક્ષકાર બનાવ્યા હતા. તેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના તકેદારી (વિજિલન્સ) વિભાગના અગ્ર સચિવ, સીબીઆઈના ડિરેક્ટર અને કેગનો સમાવેશ થાય છે. આ સાથે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પણ તેના ચેરપર્સન મારફતે આ કેસમાં જવાબદાર પક્ષકાર તરીકે દર્શાવવામાં આવ્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટમાં મામલો પડતર હોવાના આધારે હાઈ કોર્ટે આ અરજી પર આગળની કોઈ કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો છે.