Sun Apr 26 2026

Logo

કવર સ્ટોરી: રાકેશ બેદી; તળેટીથી શિખર પર...

2026-04-03 08:24:05
Author: Hema Shastri
Article Image

એક પાત્રની પ્રભાવી સફળતાએ 71 વર્ષની ઉંમરે આ  અભિનેતાને જબરી  પ્રસિદ્ધિ  સાથે  એકદમ વ્યસ્ત કલાકાર બનાવી દીધો છે


45 વર્ષ પહેલા આવેલી ‘ચશ્મે બદુર’ ફિલ્મ જો તમે જોઈ હશે તો ઓમી શર્માનું પાત્ર તમને યાદ રહી ગયું હોવાની સંભાવના બળવત્તર છે. 45 વર્ષ પછી એ જ એક્ટર ‘ધુરંધર’ અને ‘ધુરંધર: ધ રિવેન્જ’ના પાકિસ્તાની રાજકારણી   જમીલ જમાલીના પાત્રથી દર્શકોના ચિત્તતંત્ર પર જડાઈ ગયો છે. એટલું જ નહીં , 45ની સંખ્યાને એક્ટરના પાત્ર સાથે અનોખો સંબંધ પણ ફિલ્મમાં જોવા મળે છે. ઓમી શર્માથી જમીલ જમાલી સુધીની યાત્રા કરનારા અવ્વલ દરજજાના અભિનેતા રાકેશ બેદી અચાનક એકદમ વ્યસ્ત કલાકાર બની ગયા છે. 
વાત આટલેથી અટકતી નથી. આદિત્ય ધરની સિક્વલમાં રાકેશ બેદીનો ડાયલોગ ‘મેરા બચ્ચા હૈ તૂ’ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો હોવાથી એનો છેડો પકડી અનેક બ્રાન્ડ પોતાના પ્રમોશન માટે અભિનેતાની લોકપ્રિયતા વટાવી ખાવા માટે તલપાપડ છે. ફિલ્મમાં રમૂજ લાવવા માટે અજમાવાયેલો નુસખો હવે મોટા પૈસા રળી આપતો માર્કેટિંગ ટ્રેન્ડ બની ગયો છે.

‘શોલે’ના ગબ્બર સિંહે અમજદ ખાનની કારકિર્દીને જે વળાંક આપ્યો એવું જ કંઈક બંને ’ધુરંધર’ ફિલ્મના જમીલ જમાલીના પાત્રથી રાકેશ બેદીના જીવનમાં બની રહ્યું છે અને એ પણ 71 વર્ષની ઉંમરે.

આમ તો રાકેશ બેદી કંઈ અજાણ્યું નામ નથી. 1984 - 85ની અફાટ લોકપ્રિયતાને વરેલી ‘યે જો હૈ જિંદગી’માં સ્વરૂપ સંપટના ભાઈ રાજાના રોલથી પ્રભાવ પાડનાર અભિનેતા ચારેક દાયકાથી ભારતીય ટેલિવિઝન અને સિનેમા ઉદ્યોગમાં ખૂબ જ જાણીતો અને આદરણીય ચહેરો છે. કોમિક પાત્ર માટે અફલાતૂન ટાઈમિંગની સેન્સ ધરાવતો અને સપોર્ટિંગ રોલ્સમાં ખીલી ઊઠતા એક્ટર તરીકે એની નામના છે. જો કે  હકીકત એ છે કે છેલ્લાં 10 વર્ષમાં વીસેક ફિલ્મમાં પિતા કે અન્ય વરિષ્ઠ વ્યક્તિનું પાત્ર ભજવનાર આ કલાકાર ઉડીને આંખે વળગ્યો નથી. ‘ધુરંધર’ અને ‘ધુરંધર: ધ રિવેન્જ’થી વિંગમાં રહેતો કલાકાર સ્ટેજ પર આવી ગયો છે. તળેટીમાં આંટા મારતો કલાકાર શિખર સુધી  પહોંચી ગયો છે. હવે એની કારકિર્દીનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે.

બંને ફિલ્મને મળેલી ધૂંઆધાર સફળતા અને એમાં જમીલ જમાલીના પાત્રને અનોખી રીતે સાકાર કરવામાં રાકેશ બેદીએ જીવ રેડી દીધો હોવાથી ફર્સ્ટ ગિયરમાં આગળ વધી રહેલી ગાડી એકદમ ટોપ ગિયરમાં સડસડાટ દોડવા લાગી છે. એને સાઈન કરવામાં નિર્માતાઓમાં ગજબની ઉત્સુકતા જોવા મળી રહી છે. વાત માત્ર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પૂરતી સીમિત નથી રહી. 

સાઉથના તમિલ અને તેલુગુ ફિલ્મ મેકરો પણ અનોખા રોલ સાથે એક્ટરનો સંપર્ક કરી રહ્યા છે. મળી રહેલા અસાધારણ પ્રતિસાદથી એક વાત ફરી એકવાર સ્પષ્ટ થઈ છે કે પ્રતિભા અને દ્રઢ મનોબળ હોય તો આજે નહીં તો આવતી કાલે કે પરમ દિવસે પણ  તમે ધ્યાનમાં આવ્યા વગર નથી રહેતા. રાકેશ બેદીનો પ્રવાસ દરેક પેઢીના આશાસ્પદ કલાકાર માટે પ્રેરણા પૂરી પાડે છે. આજની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યુવા વર્ગ અને ટ્રેન્ડની બોલબાલા છે ત્યારે અભિનેતાની પ્રગતિ પ્રતિભા - આવડતને ઉંમર સાથે કોઈ નિસ્બત નથી એ સિદ્ધ કરે છે. થાકવાનું નહીં, અટકવાનું નહીં અને પોતાની આવડતમાં ડગમગવાનું નહીં કારણ કે સફળતા કોઈ પણ ક્ષણે બારણે ટકોરા મારશે. એવે સમયે જો તમે ઊંઘતા હશો તો પતી ગયું, પણ જાગતા હશો અને સજજ હશો તો જમીલ જમાલી જેવું જ બીજું કોઈ તમને આમંત્રણ આપવા હાજર થઈ જશે.

આઈઆઈટી ગ્રેજ્યુએટ બનવાના સપનાનું ફિંડલું વાળી રંગભૂમિના એક્ટર બનવાનું ખ્વાબ જોનારા રાકેશ બેદીની ફિલ્મોમાં કોમિક પાત્રો સુધીની સફર આસાન તો નહોતી જ. ટેલન્ટની સરખામણીએ અભિનેતાને સશક્ત રોલ મળ્યા જ નહીં. જોકે, આદિત્ય ધરની 2019ની ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ તેમના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. દિઘ્દર્શકને દાદ દેવી પડે કે કોમિક રોલ માટે વધુ જાણીતા એક્ટરના અભિનય કૌશલની બીજી બાજુ આપણને દેખાડી. પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓફિસર- રાજકારણી  તરીકે મિસ્ટર બેદી સ્મરણમાં રહી ગયા. એનું જ એક્સ્ટેંશન જમીલ જમાલી છે. દર્શકોને હસાવવા ઉપરાંત પણ કમાલની અભિનય આવડત છે એ રાકેશ બેદીએ દેખાડી દીધું છે.

સોશ્યલ મીડિયા પર રાકેશ બેદીના અનેક નાના મોટા ઈન્ટરવ્યૂ વાયરલ થયા છે. એકે ઈન્ટરવ્યૂમાં તેમને સવાલ કરવામાં આવ્યો કે ’તમારો પ્રવાસ 45 વર્ષનો રહ્યો છે. 45 વર્ષ પહેલાના રાકેશ બેદીને જો તમારે એક સલાહ આપવાની હોય તો તમે શું કહેશો?’ સવાલના જવાબમાં રાકેશ બેદીએ આગવા અંદાજમાં પહેલા તો એટલું જ કહ્યું કે ‘લગે રહો મુન્નાભાઈ’ અને પછી વાતનો વિસ્તાર કરી જણાવ્યું કે ‘મારે લખેલો એક શેર છે કે’ ‘ફિઝાએં (મુશ્કેલ પરિસ્થિતિ) ઉમ્રભર કી કટી ઈસ ઉમ્મીદ મેં કે ફૂલ ખિલે મેરે નામ કા ઈસ બહાર મેં’. આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અનિશ્ર્ચિતતાથી ભરેલી છે. દરેક કલાકાર, દરેક દિગ્દર્શક પૂરી શ્રદ્ધા અને ટેલન્ટ સાથે પોતાના દરેક કામમાં ઓતપ્રોત થઈ જતો હોય છે પણ ક્યારે ક્યુ ચક્ર ફરી જાય એ કોઈ નથી જાણતું. હા, દરેક જણ એવા એક બોલની રાહ જોતો હોય છે જેમાં એ સિક્સર ફટકારી દે.

યસ, મિસ્ટર રાકેશ બેદી, જમીલ જમાલીના પાત્રમાં તમે સિક્સર મારવામાં સફળ રહ્યા છો. રાહ જોતા નવા કોન્ટ્રેક્ટ એની રસીદ છે.  

અભિનેતાનું ગુજરાતી કનેક્શન... 

આજે જમીલ જમાલીની ચારે તરફ બોલબાલા છે, પણ આદિત્ય ધરની જ ‘ઊરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં તેમણે ભજવેલો નાનકડો પણ પ્રભાવી રોલ છેલ્લ 18 વર્ષથી લોકોને ખડખડાટ હસાવતી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલના નિર્માતા અસિત કુમાર મોદીની પારખુ નજરમાં આવી ગયો. તારક મહેતાના ખડૂસ બોસ બાબુલાલના પાત્ર માટે અસિત ભાઈએ રાકેશ બેદીની પસંદગી કરી. બાબુલાલનું પાત્ર સિરિયલમાં સતત નજરે નથી પડતું, પણ જ્યારે જ્યારે આવે છે ત્યારે મોજ કરાવે છે. સિરિયલ હિન્દીમાં છે પણ એની મૂળ વાર્તા, એના લેખક અને નિર્માતા અસિત મોદી તેમજ મુખ્ય અભિનેતા દિલીપ જોશી (જેઠાલાલ) સહિત અન્ય કલાકાર ગુજરાતી છે. અભિષેક જૈનની ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ માં પણ રાકેશ બેદીએ દૌલતરામ ચૈનાણીનું પાત્ર ભજવ્યું હતું. સિવાય તેમણે બે મરાઠી ફિલ્મ પણ કરી છે જેમાંથી ‘વન રૂમ કિચન’માં તેઓ ગુજરાતી બ્રોકરના રોલમાં હતા અને ‘ટ્રિપલ સીટ’માં તેમનું પાત્ર હતું જહાંગીર ઈરાનીનું.