Sun May 31 2026

Logo

આરસીબીની સાત સિક્સર સામે એકલા સૂર્યવંશીના સાત છગ્ગા: પાટીદાર પલ્ટન પરાસ્ત

2026-04-11 08:38:00
Author: Ajay Motiwala
Article Image

રાજસ્થાનનો ‘વિજયી ચોગ્ગો', બેંગ્લૂરુ પહેલી વખત હાર્યું


ગુવાહાટી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (20 ઓવરમાં 8/201)નો અહીં શુક્રવારે રાજસ્થાન રોયલ્સ (18 ઓવરમાં 4/202) સામે 6 વિકેટથી પરાજય થયો અને એ સાથે રાજસ્થાન રોયલ્સ (RR)એ આ વખતે સતત ચોથી મૅચ પણ જીતીને પોઇન્ટ્સ-ટેબલમાં આઠ પોઇન્ટ સાથે મોખરે સ્થાન વધુ મજબૂત કરી લીધું હતું. બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)એ આ વખતે પહેલી વખત પરાજય જોવો પડ્યો હતો. આઈપીએલમાં પંજાબની જેમ બેંગ્લૂરુ એવી બીજી ટીમ છે જેણે સાતમી વખત 200-પ્લસનો લક્ષ્યાંક ડિફેન્ડ કરતી વખતે હાર જોવી પડી છે.

વૈભવના સાત છગ્ગા, આઠ ચોગ્ગા

15 વર્ષની ઉંમરનો વૈભવ સૂર્યવંશી (78 રન, 26 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) ફરી એક વખત આઈપીએલના ફલક પર છવાઈ ગયો. રજત પાટીદારની કેપ્ટન્સીમાં આરસીબીની આખી ટીમ કુલ સાત સિક્સર ફટકારી શકી હતી, પરંતુ ત્યાર બાદ એકલા વૈભવ સૂર્યવંશીએ સાત છગ્ગા ફટકાર્યા હતા. જોકે રાજસ્થાનની જીતમાં સૂર્યવંશી જેટલું જ યોગદાન વિકેટકીપર ધ્રુવ જુરેલ (81 અણનમ, 43 બૉલ, ત્રણ સિકસર આઠ ફોર)નું હતું.

વૈભવ-જુરેલની 37 બૉલમાં 108ની ભાગીદારી

વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલ વચ્ચે બીજી વિકેટ માટે માત્ર 37 બૉલમાં 108 રનની વિક્રમજનક ભાગીદારી થઈ હતી. એમાં 70 રન વૈભવના અને 38 રન જુરેલના હતા.

કૃણાલ પંડ્યાએ લીધી વૈભવની વિકેટ

એક તબક્કે લાગતું હતું કે વૈભવ માત્ર 35 બૉલમાં સેન્ચુરી પૂરી કરવાનો પોતાનો આઈપીએલ રેકૉર્ડ તોડશે, પરંતુ કૃણાલ પંડ્યાએ તેની વિકેટ લઈને તેને એ કીર્તિમાનથી વંચિત રાખ્યો હતો.

વૈભવનો આઈપીએલમાં નવો વિક્રમ

વૈભવે માત્ર 15 બૉલમાં ચાર છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી હાફ સેન્ચુરી પૂરી કરી હતી. આઇપીએલના ઇતિહાસમાં કોઈ બૅટ્સમેને ત્રણ વખત 18 કરતાં ઓછા બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હોય તો એ છે એકમાત્ર વૈભવ સૂર્યવંશી. તેની તુલનામાં બીજા છ બૅટ્સમેન ફક્ત બે વખત 18 કરતાં ઓછા બૉલમાં 50 રન પૂરા કરી શક્યા હતા. વૈભવ ટી-20 ફોર્મેટનો માત્ર બીજો એવો બૅટ્સમેન છે જેણે ત્રણ વખત 300-પ્લસના સ્ટ્રાઈક-રેટથી હાફ સેન્ચુરી ફટકારી છે. આ રેકોર્ડ બુકમાં કિરૉન પોલાર્ડ આવી ચાર હાફ સેન્ચુરી સાથે પ્રથમ ક્રમે છે.

હેટમાયરનો ગોલ્ડન ડક

રાજસ્થાને યશસ્વી જયસ્વાલ (13 રન)ની બીજી જ ઓવરમાં વિકેટ ગુમાવવાની સાથે નબળી શરૂઆત કરી હતી. જોકે તાજેતરમાં જ મુંબઇ ઇન્ડિયન્સના જસપ્રીત બુમરાહને પહેલા જ બૉલની સિક્સરથી જોરદાર વળતો જવાબ આપનાર વૈભવે શુક્રવારે બેંગ્લૂરુને પણ તાકાત બતાવી દીધી હતી. જે મૅચમાં શિમરોન હેટમાયર જેવો દિગ્ગજ પોતાના પહેલા જ બૉલમાં (ગોલ્ડન ડકમાં) આઉટ થયો અને કેપ્ટન રિયાન પરાગ ત્રણ રન કરીને પૅવિલિયન ભેગો થઈ ગયો એ મૅચમાં વૈભવ બેંગ્લૂરુના સ્પિનર કૃણાલ પંડ્યા (4-0-30-2)ના બૉલમાં વિરાટ કોહલીના હાથમાં કૅચઆઉટ થતાં પહેલાં અનેરી છાપ છોડતો ગયો હતો. યશસ્વીની પ્રથમ વિકેટ 21 રન પર પડી હતી અને ત્યાર બાદ વૈભવે વિકેટ ગુમાવતાં પહેલાં ટીમનો સ્કોર 129 સુધી પહોંચાડી ચૂક્યો હતો. રાજસ્થાનને જિતાડવાની ત્યાર પછીની જવાબદારી ધ્રુવ જુરેલે રવીન્દ્ર જાડેજા (25 બૉલમાં 24 અણનમ) સાથે મળીને ઉપાડી લીધી હતી અને બંને વચ્ચે 68 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

જૉશ હૅઝલવુડની બે વિકેટ

રાજસ્થાની ચારમાંથી બે વિકેટ કમબૅકમૅન જૉશ હૅઝલવુડે અને બે વિકેટ કૃણાલ પંડ્યાએ લીધી હતી. બેંગ્લૂરુના બીજા ચાર બોલર વિકેટ વિનાના રહ્યા હતા.

બેંગ્લૂરુના બૅટ્સમેનોમાં એકમાત્ર પાટીદાર લડ્યો

એ પહેલાં, વરસાદને લીધે મૅચ એક કલાકથી પણ વધુ સમય બાદ શરૂ થઈ હતી. બેંગ્લૂરુએ બૅટિંગ મળ્યા પછી માત્ર કેપ્ટન રજત પાટીદાર (63 રન, 40 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી આઠ વિકેટે 201 રન કર્યા હતા. એમાં વિરાટ કોહલીના 32 રન અને વેંકટેશ ઐયરના અણનમ 29 રન સામેલ હતા. રાજસ્થાનના બોલર્સમાંથી જોફ્રા આર્ચર, રવિ બિશ્ર્નોઈ અને બ્રિજેશ શર્માએ બે-બે વિકેટ તેમ જ રવીન્દ્ર જાડેજા તથા સંદીપ શર્માએ એક-એક વિકેટ મેળવી હતી.