મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સિઝનની શરૂઆત પહેલા રાજસ્થાન રોયલ્સ (RR)ની માલિકીમાં ફેરફાર થયો છે. યુએસ સ્થિત કન્સોર્ટિયમે RRને USD 1.63 બિલિયન (આશરે INR 15,290 કરોડ)માં ખરીદી છે, આ સોદો થતાં ઓસ્ટ્રેલિયાના સ્વર્ગસ્થ સ્પિન બોલર શેન વોર્નનો પરિવારને પણ માલામાલ થઇ ગયો છે.
અહેવાલ મુજબ RRના સોદાને કારણે શેન વોર્નનો પરિવારને 450 થી 460 કરોડ રૂપિયા મળશે, આની પાછળ શેન વોર્નની સુઝબુઝ જવાબદાર છે. વર્ષ 2008 માં IPLની પહેલી સીઝનમાં શેન વોર્ન રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો, ત્યારે ટીમમાં સામેલ થતાં પહેલા તેણે તેના કરારમાં એક કલમ દાખલ કરી હતી, જેનો મોટો ફાયદો લગભગ બે દાયકા પછી થયો છે.
વોર્ને આ શરત દાખલ કરાવી હતી:
જ્યારે 2008 માં RRએ શેન વોર્ન સાથે કરાર કર્યો હતો, આ કરારમાં એક શરત ઉમેરવામાં આવી હતી કે શેન વોર્ન RR માટે જેટલા વર્ષ રમે એ દરેક વર્ષે તેને ફ્રેન્ચાઇઝીની 0.75% માલિકી આપવામાં આવે. વોર્ને RR તરફથી ચાર સીઝન રમી, આમ ફ્રેન્ચાઇઝીમાં વોર્નનો કુલ હિસ્સો 3% થયો હતો.
2008 માં RR ફ્રેન્ચાઇઝી મનોજ બડાલેના નેતૃત્વ હેઠળના ઇમર્જિંગ મીડિયાએ માત્ર USD 67 મિલિયનમાં ખરીદી હતી. હવે જ્યારે RR હવે USD 1.63 બિલિયનમાં વેચાઈ ગઈ છે, જેના કારણે વોર્નનો હિસ્સો 450 થી 460 કરોડ રૂપિયા થાય છે.
પોતે લીધેલા નિર્ણયનો ફયદો જોવા માટે વોર્ન આ દુનિયામાં હાજર નથી, વર્ષ 2022 માં હાર્ટએટેકને કારણે તેમનું અવસાન થયું હતું, RRના સોદાને કારણે શેન વોર્નના પરિવારને ઘણો ફાયદો થશે.
નોંધનીય છે કે વોર્નની કેપ્ટનશીપ હેઠળ RRએ 2008ની પ્રથમ IPL સીઝનમાં ટાઇટલ જીત્યું.