નવી દિલ્હીઃ ગાંધી પરિવાર હંમેશાં ચર્ચામાં રહે છે, જેમાં ગઈકાલે વરુણ ગાંધીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ચર્ચાએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું હતું. આજે રાહુલ ગાંધી બહેન પ્રિયંકા સાથે ભાજપના દિગ્ગજ સાંસદ નીતિન ગડરરીને મળવા મુદ્દે લોકોમાં ચર્ચા જાગી છે. આખરે ગાંધી પરિવારમાં શું ચાલી રહ્યું છે એ સવાલની વિગતો વિસ્તારપૂર્વક જાણીએ.
લોકસભામાં વિપક્ષ અને સત્તાપક્ષ આમને-સામને જોવા મળતા હોય છે. પરંતુ અત્યારે વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંસદ ભવનમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે બેઠક કરી હતી. આ મુલાકાત પર અત્યારે અનેક પ્રકારના તર્ક-વિતર્કો કરવામાં આવી રહ્યા છે કે, આખરે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા નીતિન ગડકરીને મળવા માટે શા માટે ગયા હતા. આ મુલાકાતનો ઉદ્દેશ શું છે?
રાહુલ ગાંધી ગડકરીને કેમ મળ્યાં?
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે રાજસ્થાનના બસ અને ટ્રક બોડી ઉત્પાદકોનું એક પ્રતિનિધિમંડળ રાહુલ ગાંધીને તેમની ફરિયાદો અંગે મળવા માટે નવી દિલ્હી પહોંચ્યું હતું. આજે સવારે આવેલા પ્રતિનિધિમંડળે રાહુલ ગાંધી સમક્ષ વેપાર સંબંધિત નીતિગત મુદ્દાઓ અને નવા નિયમોથી ઉદ્ભવતા પડકારો રજૂ કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ લોકોની સમસ્યાનું નિવારણ લાવવા માટે નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી.
ક્યા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી?
મહત્વની વાત એ છે કે, રાહુલ ગાંધી રાજસ્થાનના બસ અને ટ્રક બોડી ઉત્પાદકોના એક પ્રતિનિધિમંડળની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે તેમને નીતિન ગડકરીને મળવા માટે સાથે લઈ ગયા હતાં.આ મુલાકાત દરમિયાન બોડી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા મુદ્દાઓ, નિયમો અને તેમાં શું પરિવર્તન લાવી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હવે જોવાનું એ રહે છે કે, આ મામલે નીતિન ગડકરી દ્વારા કેવી પગલાં લેવામાં આવે છે.