Fri Sep 04 2026

Logo

‘ડાબેરીઓ અને TMCએ બંગાળમાં ઉદ્યોગોનો નાશ કર્યો’ રાહુલ ગાંધીએ મમતા સરકારને ઘેરી!

2026-04-14 16:02:13
Author: Savan Zalariya
‘ડાબેરીઓ અને TMCએ બંગાળમાં ઉદ્યોગોનો નાશ કર્યો’ રાહુલ ગાંધીએ મમતા સરકારને ઘેરી!

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી મતદાનને આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યા છે. એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ રાજ્યમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

રાયગંજમાં યોજાયેલી રેલીમાં રાહુલ ગાંધી કહ્યું, પહેલા ડાબેરી પક્ષોના શાસન અને ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસના શાસનને કારણે બંગાળમાં ઉદ્યોગો પડી ભાંગ્યા છે, જેના કારણે બેરોજગારી વધી છે.

રાહુલ ગાંધીએ રેલી દરમિયાન કહ્યું કે, "મને યાદ છે કે 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસે બંગાળને વચન આપ્યું હતું કે તેઓ 5 લાખ લોકોને રોજગાર આપશે. પરંતુ કેટલા લોકોને રોજગાર મળ્યો? કેટલીક કંપનીઓ બંધ થઈ ગઈ? 84 લાખ યુવાનોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે."

રાહુલ ગાંધીએ કહ્યું, "એક સમયે બંગાળ ઔદ્યોગિક કેન્દ્ર હતું. પહેલા સામ્યવાદીઓએ અને હવે TMCએ બંગાળમાં ઔદ્યોગિ ક્ષેત્રનો નાશ કર્યો છે."

ભાજપ પર લગાવ્યા આરોપ:
રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા, તેમણે આરોપ  લગાવ્યો હતો કે કેન્દ્રની નીતિને કારણે દેશમાં ઉદ્યોગનો નાશ થયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું, "જો યુએસનો  માલ આપણા દેશમાં સુનામીની જેમ આવશે, તો આપણી નાની અને મધ્યમ કદની કંપનીઓ બંધ થઈ જશે. મોદીજી કહી રહ્યા છે કે મમતાજી નાની અને મધ્યમ કદની કંપનીઓ બંધ કરી દીધી છે, બંગાળમાં તમને બેવડું નુકસાન થયું છે.”