મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી
એક શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા માટે હું જે પણ કરી શકતો હતો તે બધું જ કર્યું, અને હવે હું મારા જીવનના આ નવા તબક્કાનો આનંદ માણી રહ્યો છું.
આંતરરાષ્ટ્રીય ટેનિસ જગતના મહારથી એવા ખેલાડી રાફેલ નડાલના આ શબ્દો છે. ગયા વર્ષે નવેમ્બરમાં ટેનિસને અલવિદા ફરમાવનારા નડાલને 24 મેના રોજ ફ્રેંચ ઓપનમાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી. તેને વિદાઈ આપવા માટે નોવાક જોકોવિચ, રોજર ફેડરર અને એન્ડી મરે જેવા ટેનિસ સ્ટાર પણ ઉપસ્થિત હતા. એ વખતે જગતભરના ફોટોગ્રાફર્સની એક ફ્રેમમાં ઝડપાયેલા આ ચારેય ખેલાડી, જેમના નામે કુલ મળીને 69 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. તેમાં સૌથી વધુ 22 ગ્રાન્ડ સ્લેમ નડાલના નામે અંકિત છે. તેણે 14 વખત ફ્રેંચ ઓપન જીતી છે તે પણ એક વિક્રમ છે. સ્વાભાવિક રીતે જ, 15,000થી વધુ દર્શકોએ `રાફા...રાફા...'ની ગુંજ સાથે સૂટ-બૂટમાં સજ્જ નડાલનું છેલ્લી વાર ફ્રેંચ ઓપનમાં સ્વાગત કર્યું હતું. દર્શકો પોતપોતાના સ્થાને ઊભા રહીને તાળીઓ પાડતા હતા અને કોર્ટમાં નડાલ સ્થિર ઉભો હતો. તેની ટેનિસ કારકિર્દીને દર્શાવતી ફિલ્મ વીડિયો સ્ક્રીન પર ચાલી રહી હતી. તે પૂરી થઇ ત્યારે નાડાલ તેની લાગણીઓને કાબૂમાં ન રાખી શક્યો. તેની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યાં. આંસુ તો દર્શકોની આંખોમાં પણ હતાં. નડાલે પછી વિદાય ભાષણ આપ્યું. અંગ્રેજી, ફ્રેન્ચ અને સ્પેનિશમાં...
`છેલ્લા 20 વર્ષથી આ કોર્ટ પર રમ્યા પછી, મને આજે ખબર નથી કે કેવી રીતે શરૂઆત કરું. મેં અહીં આનંદ માણ્યો છે, હું અહીં જીત્યો છે, હું અહીં હાર્યો છું... પરંતુ સૌથી મોટી વાત તો એ છે જે મને અહીં રમવાનો અવસર મળ્યો એટલે હું ભાવુક છું. હું હવે તમારી સામે રમી શકીશ નહીં, પરંતુ માં દિલ અને મારી યાદો હંમેશાં આ જાદુઈ સ્થળ સાથે જોડાયેલી રહેશે.'
પાછળથી નડાલે પત્રકારોને કહ્યું હતું : `હું ટેનિસને બહુ મિસ નથી કરતો , કારણ કે મને લાગે છે કે મેં આ રમતમાં માં બધું જ આપી દીધું છે. હું એવું વિચારીને આવ્યો હતો કે હું કોર્ટ પર નહીં જઈ શકું. માં શરીર મને કોર્ટ પર જવાની મંજૂરી આપતું નથી. તો બસ આટલું જ. અત્યારે માં મન શાંત છે.'
38 વર્ષના આ સ્પેનિયાર્ડે માત્ર ટેનિસમાં જ નહીં, સ્પોર્ટ્સની દુનિયામાં એક દંતકથાનું સ્થાન હાંસલ કર્યું છે. એક લાંબા સમય સુધી, માત્ર નડાલ જ ફેડરરના ચાહકોને નિરાશ કરતો હતો, કારણ કે તે એકમાત્ર ટેનિસ ખેલાડી હતો જે તેનો કુશળતાથી મુકાબલો કરતો હતો. સમય જતાં દર્શકો આ સ્પેનિશ કરિશ્માના પ્રેમમાં પડ્યા.
કોઈ વ્યક્તિ બીજા બધા જેવું રમીને આ સ્થાન પર ન પહોંચી શકે. તેના માટે અસાધારણ શિસ્ત, સાતત્ય અને શ્રમની જરૂર પડે. અને એટલા માટે નડાલ જેવો બીજો કોઈ નહીં થાય. આમાં માત્ર નડાલની પ્રશસ્તિની વાત નથી, એમાં આપણા માટે પણ ઘણું શીખવા જેવું છે.
પ્રાચીન ગ્રીસ અને રોમમાં સ્ટોઈક ફિલોસોફરો હતા. તે લોકો આત્મસંયમ અને નિસ્પૃહતાના ભાવથી ભરેલા હતા. એ ન તો સુખમાં ભ્રમિત થાય, ન તો દુ:ખમાં વિચલિત. આપણે તેમને આપણા ઉપનિષદકાળના સાધુઓ સાથે સરખાવી શકીએ.
ઘણા સ્પોર્ટ્સ વિવેચકો રાફેલ નડાલને સ્ટોઈક ફિલોસોફરનું આધુનિક રૂપ ગણે છે. ઘણી બાબતોમાં, ટેનિસ અને જીવન પ્રત્યેનો તેનો અભિગમ સ્ટોઇસિઝમના સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે. તેની કારકિર્દી માત્ર સ્પોર્ટ્સ ટેલેન્ટની ગવાહી પૂરે છે એટલું જ નહીં, પરંતુ તે એક પ્રાચીન માનસિકતાની પણ સાક્ષી છે જેણે તેને જીવનના ઉતાર-ચઢાવમાં માર્ગદર્શન આપ્યું છે. નડાલની સિદ્ધિઓ શારીરિક વિજય કરતાં વધુ છે- તેમાં ચિંતનાત્મક સિદ્ધિ પણ છે.
નડાલ પાસેથી પાંચ ચીજો શીખવા જેવી છે:
નમ્રતા:
નડાલનો સૌથી ઊડી આંખે વળગતો ગુણ તેની નમ્રતા છે. સફળતામાં માણસ જો નમી ન જાય તો તે નિષ્ફળતા કહેવાય. દરેક મેચમાં અને દરેક સાર્વજનિક કાર્યક્રમોમાં નડાલ હંમેશાં ઓછા બોલા, શાંત માણસ તરીકે પેશ આવ્યો છે. તે તેની લોકપ્રિયતાથી, વિજયોથી, ખિતાબોથી, પ્રશંસાથી અભિમાનમાં વહી ગયો નથી. તે તેની રમતને બાહ્ય ખિતાબો જીતવાના માધ્યમ તરીકે નહીં, પરંતુ આત્મસંયમ અને આત્મવિશ્વાસને મજબૂત
કરવાની કવાયત તરીકે જોતો હતો. એકવાર તેણે કહ્યું હતું : `જો કોઈ એમ કહેતું હોય કે હું રોજર કરતાં બહેતર છું, તો મને લાગે છે તે માણસને ટેનિસની કશી ખબર નથી.'
શિસ્ત અને શ્રમ:
ટેનિસ સ્ટાર જોન મેકનોરે એકવાર કહ્યું હતું કે રાફેલ જેટલી ટે્રનિંગ કોઈએ કરી નથી. તે તેની ફિટનેસ માટે કોઇપણ યુવાન ખેલાડીને શરમ આવે તે રીતે ટે્રનિંગ કરતો હતો. ટેનિસની રમતમાં તે કાળી મજુરી કરતો હતો. તેના શરીર પર અસંખ્ય ઈજાઓ થઇ હતી તેમ છતાં તે અનેક વિજય મેળવવા સક્ષમ રહ્યો હતો. તેણે કોઈ બાબતને હલકામાં નથી લીધી. ટેલેન્ટ એકલી પૂરતી નથી, એકવાર તેણે કહ્યું હતું, લક્ષ્ય અને સિદ્ધિ વચ્ચે શિસ્ત બ્રીજનું કામ કરે છે. તમારે તકલીફોને પણ માણવી પડે. આ ફિલોસોફી તેના જીવનમાં કાયમ રહી છે.
દૃઢતા:
નડાલ લડાયક હતો. તેના સિનિયરો તેને ગ્લેડિયેટર કહેતા હતા; ઝનૂની, નિષ્ઠુર, બાણાવળી અર્જુનની જેમ તે એક સમયે એક જ ચીજ પર ધ્યાન આપતો હતો. આજુબાજુમાં તોફાન થતું હોય તો પણ તે વિચલિત નહોતો થતો. એટલા માટે તે દરેક પરાજયમાંથી વધુ મજબૂત થઈને ઊભરતો હતો. તે નિષ્ફળતામાંથી પણ રમત શીખતો હતો.
તેના ડાબા પગમાં મુલ્લેર-વેઇસ સિન્ડ્રોમ નામની બીમારી હતી, જેથી તેના પગમાં ખોડ હતી. તેના બંને ઘૂંટણ અને કાંડામાં તિરાડો હતી. તેમ છતાં તે 22 ગ્રાંડ સ્લેમ જીત્યો હતો. આ માત્ર મનોબળનો પ્રતાપ હતો.
પડકારોનો પ્રેમ:
એક સ્ટોઇક ચિંતક મારકસ ઔરેલિયસે કહ્યું હતું કે, કામમાં અવરોધ કામને આગળ ધપાવે છે. જે નડે છે તે જ રસ્તો બને છે. એવું જ નડાલે કહ્યું હતું, અવરોધ તો આશીર્વાદ છે. નડાલ એવું માનતો હતો કે કષ્ટ વગર, દબાવ વગર, કઠણાઈ વગર વિજય નથી હોતો. તે આવી માનસિકતા સાથે જ તેનાં લક્ષ્ય નક્કી કરતો હતો અને ફેડરર, જોકોવિચ જેવા ધરખમ ખેલાડીઓનો સામનો કરતો હતો. તે દરેક પડકારને બહેતર બનવા માટેનો અવસર ગણતો હતો.
રૂટિન:
નડાલનું રૂટિન ટેનિસની દુનિયામાં ચર્ચાનો વિષય છે. કોઈકે નોંધ્યું હતું ટેનિસની મેચ વખતે તે 19 ચીજો કરતો હતો. ઘણા લોકો તેને ઓસીડી કહે છે : `ઓબ્સેસિવ કમ્પલસિવ ડીસઓર્ડર.' પણ નડાલે સ્પષ્ટ રીતે કહ્યું કે તે જે ચીજો કરે છે તેની પાછળ નિશ્ચિત હેતુ હોય છે, તેનાથી તે વધુ તીવ્ર રીતે રમત પર ફોકસ કરી શકે છે. દાખલા તરીકે, તે તેની ખુરશીની આગળ નીચે, ડાબા પગ પાસે બે બોટલ મૂકતો, એકની પાછળ એક. નડાલે કહ્યું હતું, અમુક લોકો તેને અંધવિશ્વાસ કહેતા, પણ હું મનમાં એ રીતે મારી જાતને ગેમમાં ગોઠવતો હતો. ફોકસ કરવાની એ મારી રીત હતી.
તે મેચ અગાઉ 45 મિનિટ પહેલાં ઠંડા પાણીથી ન્હાતો, જમણો પગ મૂકીને જ કોર્ટમાં પ્રવેશ કરતો, રેફરીને રાહ જોવડાવીને પણ વોર્મ-અપ કરતો, કોર્ટના ખૂણા પર તેનો ટોવેલ અમુક રીતે જ મુકતો, સર્વ કરતાં પહેલાં તે તેના વાળ અને શર્ટમાં આંગળીઓ ફેરવતો અને કોઈન ટોસ વખતે નેટ પાસે કૂદકો મારતો. આ બધું જ રમત પર ફોકસ કરવા માટે હતું.