મુંબઈઃ ભારતમાં કોઈ શહેરનું નામ ધ્યાનથી જુઓ તો તેમાં ઘણીવાર 'પુર', 'બાદ', 'ગઢ', 'નગર', 'ગંજ' જેવા શબ્દો જોવા મળે છે. જયપુર, જોધપુર, કાનપુર, હૈદરાબાદ, અમદાવાદ, જૂનાગઢ, રાજગઢ જેવા અનેક શહેરોના નામમાં આ શબ્દો જોડાયેલા છે. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે આ શબ્દોનો અર્થ શું છે અને તેઓ શહેરોના નામનો ભાગ કેવી રીતે બન્યા? વાસ્તવમાં આ શબ્દો ભારતના લાંબા ઇતિહાસ, અલગ-અલગ ભાષાઓ અને રાજવંશો સાથે જોડાયેલી વસાહતોની કહાની કહે છે. રાજવીઓની વિચારધારા અને નામની કહાની પાછળ એક ચોક્કસ સમય બાદ ફેરફાર થયા તથા સિટીના નામ બદલાયા. આ નામના તાર છેક મુઘલ શાસન સાથે જોડાયેલા છે.
'પુર'નો અર્થ શું થાય છે?
'પુર' અથવા 'પુરા' શબ્દનો સંબંધ સંસ્કૃત ભાષાના 'પુર' સાથે છે. તેનો સામાન્ય અર્થ શહેર, નગર અથવા વસાહત એવો થાય છે. પ્રાચીન ભારતમાં રાજાઓ, શાસકો અને અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે જોડાયેલા શહેરોના નામમાં આ શબ્દનો ઉપયોગ થતો હતો. આજે પણ જયપુર, જોધપુર, નાગપુર, કાનપુર, રાયપુર, ઉદયપુર અને સોલાપુર જેવા અનેક શહેરોના નામમાં 'પુર' જોવા મળે છે. આ તમામ શહેરોના શાસકો મોટાભાગે હિન્દુ હતા અને લાંબાગાળા સુધી તેઓ શાસન પર રહ્યા. એટલે સામાન્ય રીતે આવા નામોનો અર્થ સમજતી વખતે શહેરના મૂળ નામ સાથે જોડાયેલા શબ્દનો અર્થ જોવો જરૂરી છે.
'બાદ'નો અર્થ શું છે?
શહેરોના નામમાં આવતો 'આબાદ' અથવા 'બાદ' શબ્દ મુખ્યત્વે ફારસી ભાષા સાથે જોડાયેલો છે. ફારસી 'આબાદ'નો અર્થ વસેલું, સમૃદ્ધ અથવા વિકસેલું સ્થળ એવો થાય છે. ભારતમાં મધ્યકાલીન સમયમાં ફારસી ભાષાનો વહીવટ અને રાજકારણમાં મોટો પ્રભાવ હતો. તેના કારણે અનેક શહેરોના નામમાં ‘આબાદ’ જોડાયું. હૈદરાબાદ, અમદાવાદ, મુરશિદાબાદ, ફર્રુખાબાદ અને ઇલાહાબાદ જેવા નામોમાં તેનો પ્રભાવ જોવા મળે છે. આ તમામ શહેરોના સ્થાપકો અને શાસકો મુસ્લિમ રહ્યા છે અને લાંબા સમય સુધી શાસનમાં રહ્યા છે. 'આબાદ' શબ્દનો અર્થ માત્ર 'શહેર' એવો જ નથી. તેનો અર્થ વસેલું, સમૃદ્ધ અથવા સમૃદ્ધિ ધરાવતું સ્થળ એવો પણ થાય છે. આથી કોઈ સ્થળના નામમાં 'આબાદ' આવે તો તે સ્થળને વસાવવામાં આવ્યું અથવા વિકસાવવામાં આવ્યું હોવાનો ઐતિહાસિક સંદર્ભ હોઈ શકે છે. જેને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે.
'ગઢ' એટલે કિલ્લો
હવે વાત કરીએ 'ગઢ'ની. હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં 'ગઢ'નો અર્થ સામાન્ય રીતે કિલ્લો, સુરક્ષિત કિલ્લેબંધીવાળું સ્થળ અથવા 'Fort' એવો થાય છે. જૂના સમયમાં રાજાઓ પોતાના રાજ્ય અને મહત્વપૂર્ણ વસાહતોની સુરક્ષા માટે કિલ્લાઓ બનાવતા હતા. આવા કિલ્લાઓની આસપાસ વિકસેલા વિસ્તારોના નામમાં 'ગઢ' શબ્દ જોડાયો. જૂનાગઢ, રાજગઢ, બરગઢ, દેવગઢ અને નયાગઢ જેવા નામોમાં આ પરંપરા જોવા મળે છે.
'નગર'નો અર્થ પણ શહેર
ભારતમાં 'નગર' શબ્દ પણ ખૂબ સામાન્ય છે. સંસ્કૃતના 'નગર' નો અર્થ શહેર અથવા નગર થાય છે. અહમદનગર, શ્રીનગર, ગાંધીનગર, વિજયનગર અને નગરકોટ જેવા નામોમાં ‘નગર’ જોવા મળે છે. 'પુર' અને 'નગર' બંનેનો સંબંધ શહેર અથવા વસાહત સાથે છે, પરંતુ તેમનો ભાષાકીય અને ઐતિહાસિક ઉપયોગ અલગ-અલગ સમય અને પ્રદેશોમાં થયો છે.
‘ગંજ’નો અર્થ શું થાય?
શહેરોના નામમાં જોવા મળતો બીજો રસપ્રદ શબ્દ છે 'ગંજ'. 'ગંજ' શબ્દનો સંબંધ ફારસી ભાષા સાથે માનવામાં આવે છે અને તેનો અર્થ બજાર, વેપારનું સ્થળ અથવા માલસામાનનો ભંડાર જેવા સંદર્ભોમાં થાય છે. ભારતના ઘણા શહેરો અને વિસ્તારોના નામમાં 'ગંજ' જોવા મળે છે. ઐતિહાસિક રીતે વેપાર અને બજાર સાથે જોડાયેલા વિસ્તારોમાં આ પ્રકારના નામો પ્રચલિત થયા. ભારતના શહેરોના નામ માત્ર એક ભાષાના પ્રભાવથી બન્યા નથી. સંસ્કૃત ઉપરાંત ફારસી, અરબી, પ્રાકૃત, વિવિધ દ્રવિડ ભાષાઓ અને સ્થાનિક બોલીઓએ પણ ભારતના સ્થળોના નામોને પ્રભાવિત કર્યા છે. મોટા શહેરના નામ સાથે એમના રાજવીઓના નામ જોડાયેલા છે તો કેટલાક નાના નગર પણ એમના રાજવીઓના નામ સાથે સીધો સંબંધ ધરાવે છે. આ કારણે એક જ શહેરના નામમાં અલગ ભાષાઓના શબ્દોનું સંયોજન જોવા મળી શકે છે.
આ પ્રકારના શબ્દો માત્ર ઉત્તર ભારતમાં જ જોવા મળતા નથી. દક્ષિણ ભારતમાં પણ શહેરોના નામમાં અલગ-અલગ ભાષાઓના શબ્દો જોડાયેલા છે. ઉદાહરણ તરીકે, 'ઊરુ/ઉરુ' જેવા શબ્દો કેટલાક દક્ષિણ ભારતીય સ્થળોના નામમાં જોવા મળે છે અને તેનો સંબંધ ગામ અથવા વસાહત સાથે છે. 'કોટા/કોટ્ટે' જેવા શબ્દો કિલ્લા સાથે જોડાયેલા અર્થ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે 'પુર', 'આબાદ', 'ગઢ' અને 'નગર' જેવા શબ્દો માત્ર suffix નથી, પરંતુ કોઈ સ્થળની ઓળખ અને તેના ભૂતકાળની ઝલક આપે છે. આગામી વખતે જ્યારે જયપુર, હૈદરાબાદ, જૂનાગઢ, ગાંધીનગર કે નાગપુર જેવા શહેરનું નામ સાંભળો ત્યારે તેને માત્ર એક શહેરનું નામ ન માનતા. એના ઈતિહાસની એક આખી દાસ્તાન એની સાથે જોડાયેલી હોય છે.