મુંબઇઃ પુણેના લોહગઢ કિલ્લામાં 26 વર્ષના કેતન વિશાલ અગ્રવાલના મોતના મામલામાં થયેલી ધરપકડો બાદ મૃતકના પરિવારની વેદના સામે આવી છે. કેતનના માતા-પિતાએ આ ઘટના પર ઊંડો શોક અને નારાજગી વ્યક્ત કરી છે. કેતનના પિતાનો આરોપ છે કે તેમના પુત્રનું મોત કોઈ અકસ્માત નથી, પરંતુ પહેલેથી જ રચવામાં આવેલા કાવતરાનું પરિણામ છે, જેમાં તેની મંગેતર સિયા ગોયલ અને ચેતન ચૌધરીની કથિત ભૂમિકા સામે આવી છે.
પ્રથમ પ્રયાસમાં કેતનને ગઈ હતી શંકા
કેતનના પિતા વિશાલ અગ્રવાલનો દાવો છે કે તેમના પુત્રની હત્યાનો પ્રથમ પ્રયાસ 14 જૂનના રોજ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, તે દિવસે પણ સિયા અને કેતન લોહગઢ કિલ્લા પર ગયા હતા, જ્યાં બંને એકલા જ હાજર હતા. આરોપ છે કે આ દરમિયાન સિયાએ કેતનને પાછળથી ધક્કો મારી દીધો હતો. ધક્કો લાગ્યા બાદ કેતન ખાઈ તરફ લપસવા લાગ્યો હતો, પરંતુ તેનો હાથ રસ્તામાં આવેલી ઝાડીઓમાં ફસાઈ ગયો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો.
'પ્રિન્સેસ ટ્રીટમેન્ટનો બદલો મર્ડર'
આ મામલામાં તમામ પાસાઓ અને તપાસની વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો દર્શાવે છે કે જેને કેતન ખુબ પ્રેમ કરતો હતો તે જ સિયા ઘણા સમયથી તેની હત્યાની તૈયારી કરી રહી હતી. એક વીડિયોમાં દેખાય છે કે કેતન, સિયા માટે પ્રી-બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. તે તેને એક લક્ઝરી કારમાં પિક કરે છે, ખૂબ જ પ્રેમથી તેના હાથમાં ફૂલ આપે છે અને ધીમેથી કારનું સનરૂફ ખોલે છે, જેના કાચ પર જાણે ગુલાબની ચાદર બિછાવેલી હોય છે. સિયા પણ આ જોઈને તેને ભેટી પડે છે. ત્યાર પછી કેતન તેને ડેટ પર લઈ જાય છે, જ્યાં બંને લાઈવ મ્યુઝિક પર ડાન્સ કરે છે. કોઈપણ છોકરી માટે આ બધું કોઈ પરીઓની વાર્તાથી કમ નહોતું. પરંતુ સિયાએ આ 'પ્રિન્સેસ ટ્રીટમેન્ટ'નો બદલો એવો આપ્યો કે કેતનનો જીવ જ લઈ લીધો.
જન્મદિવસને વધુ સ્પેશિયલ બનાવવા માંગતો હતો કેતન
આ બધું તો માત્ર પ્રી-બર્થડે સેલિબ્રેશન હતું, પરંતુ કેતન 19 જૂનના રોજ આવનારા સિયાના જન્મદિવસને વધુ સ્પેશિયલ બનાવવા માંગતો હતો. આ માટે તે તેને મિત્રો સાથે લોહગઢ કિલ્લા પર લઈ ગયો હતો, જ્યાં તેણે સિયાને ખુશ કરવા માટે ઘણી બધી તૈયારીઓ કરી રાખી હતી. પરંતુ અહીં તો સિયાએ અલગ જ જાળ બિછાવી રાખી હતી. સિયાએ તેના પ્રેમી ચેતન સાથે મળીને કેતનને ખીણમાં ધક્કો મારી દીધો અને તેના મોતને એક અકસ્માતમાં ખપાવી દીધો.