Tue Aug 25 2026

Logo

બિલ્ડિંગ કોન્ટ્રેક્ટરની આત્મહત્યા: ભૂતપૂર્વ વિધાનસભ્ય, તેની પત્નીના આગોતરા જામીન મંજૂર, મનસેના નેતાની અરજી ફગાવાઇ

2026-07-24 17:37:28
Author: Yogesh D. Patel
બિલ્ડિંગ કોન્ટ્રેક્ટરની આત્મહત્યા: ભૂતપૂર્વ વિધાનસભ્ય, તેની પત્નીના આગોતરા જામીન મંજૂર, મનસેના નેતાની અરજી ફગાવાઇ

પુણે: પુણેની સેશન્સ કોર્ટે બિલ્ડિંગ કોન્ટ્રેક્ટરની આત્મહત્યાના મામલામાં ભૂતપૂર્વ વિધાનસભ્ય રવીન્દ્ર ધાંગેકર અને તેની પત્નીના આગોતરા જામીન મંજૂર કર્યા હતા, જ્યારે મનસેના નેતા બાળા શેડગેની અરજી ફગાવી દીધી હતી.

એડિશનલ સેશન્સ જજ અનિરુદ્ધ ગાંધીએ ગુરુવારે રવીન્દ્ર ધાંગેકર અને તેની પત્નીને પચીસ હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ અને સમાન રકમની શ્યોરિટી પર (શરતોને આધીન) આગોતરા જામીન મંજૂર કર્યા હતા. જોકે સેશન્સ કોર્ટે બાળા શેડગેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી, જેના નામનો ઉલ્લેખ સૂસાઇડ નોટ તેમ જ બિલ્ડિંગ કોન્ટ્રેક્ટરે અંતિમ પગલું ભરતા પહેલા રેકોર્ડ કરેલા વીડિયોમાં છે. 

આ કેસ 16 જુલાઇએ બિલ્ડિંગ સેન્ટરિંગ કોન્ટ્રેક્ટર અને લેબર સપ્લાયર ખલીલ શેખે (65) ગુલટેકડી ખાતેના તેના નિવાસસ્થાને કરેલી આત્મહત્યા સાથે સંબંધિત છે. 

ખલીલ શેખની પત્ની સુલતાનાએ નોંધાવેલી ફરિયાદને આધારે સ્વારગેટ પોલીસે શિવસેનાના નેતા ધાંગેકર, તેની પત્ની પ્રતિભા ધાંગેકર, બાળા શેડગે, રઘુનાથ ગોવડા અને અન્ય આઠ જણ સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું અને અન્ય આરોપ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર ખલીલ શેખે તેના મૃત્યુ પૂર્વે રેકોર્ડ કરેલા વીડિયોમાં તેણે વ્યવસાયમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. શેખના ઘરની બહાર દીવાલ પર સૂસાઇડ નોટ ચોંટાડેલી મળી આવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓ શેખને બાકીની રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા. તેમાં દાવો કરાયો હતો કે શેડગેએ શેખને મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સેન્ટરિંગ સામગ્રી જપ્ત કરી હતી, જેને કારણે તેને સતત હેરાનગતિનો સામનો કરવો પડતાં તેણે જીવનનો અંત આણ્યો હતો. 

ધાંગેકર દંપતીના આગોતરા જામીન આપતી વખતે કોર્ટે અવલોકન કર્યું હતું કે સૂસાઇડ નોટમાં રવીન્દ્ર ધાંગેકરના નામનો ઉલ્લેખ નથી અને તેનો મૃતક સાથે કોઇ સીધો વ્યાસાયિક વ્યવહાર નહોતો.

(પીટીઆઇ)