Fri Apr 17 2026

Logo

એક નજર ઈધર ભી...: લેક કોમો સૌંદર્યનો સાક્ષાત્કાર

1 week ago
Author: Kamini Shroff
Article Image

ઈટલીના પ્રવાસે ગયેલા સહેલાણીઓ રોમ, વેનિસ અને ફ્લોરેન્સની મુલાકાત તો લે જ, પણ જો તમારે નખશીખ કુદરતનું સૌંદર્ય માણવું હોય તો લેક કોમો, સાર્ડિનિયા બીચ તેમ જ પુસ્તક પ્રેમીઓ માટે નેપલ્સની મુલાકાત લેવી જોઈએ. નિશ્ચિત પ્રવાસ કાર્યક્રમને કારણે ઈટલીના પ્રવાસ દરમિયાન લેક કોમો અને એની આસપાસના સ્થળની મુલાકાત સુધી સીમિત રહેવું પડ્યું. સાર્ડિનિયા અને નેપલ્સ ફરી ક્યારેક જાશું એમ કરી મન મનાવી લેવું પડ્યું. અલબત્ત, જે કંઈ જોયું એનાથી દિલ અને દિમાગ તરબતર થઈ ગયા. રોમેન્સ અને રોમાંચ એવી બંને પ્રકારની લાગણીનો અનુભવ થયો.

લેક કોમો

નયનરમ્ય નિસર્ગ અને લક્ઝરીનું સરનામું એટલે લેક કોમો. વિશ્વના સૌથી રોમેન્ટિક સ્થળની યાદીમાં ઓસ્ટે્રલિયાના સિડની હાર્બર બ્રિજની સાથે ઈટલીના લેક કોમોનું નામ પણ લેવામાં આવે છે. એમાંય લેક કોમો તો વિશ્વનો સૌથી રોમેન્ટિક લેક ગણાય છે. યશ ચોપડાની ફિલ્મોમાં સ્વિટ્ઝર્લેન્ડનું સૌંદર્ય દર્શકો થિયેટરમાં બેસીને માણતા હતા એ જ રીતે લેક કોમો પણ અનેક હોલિવૂડ ફિલ્મમેકરોનું માનીતું સ્થળ રહ્યું છે. જેમ્સ બોન્ડની `કસીનો રોયલ' અને જ્યોર્જ ક્લુની, બ્રાડ પિટ અને જુલિયા રોબર્ટ્સની મજેદાર ફિલ્મ `ઓસન્સ ટ્વેલ્વ'નાં કેટલાંક સાહસિક દૃશ્યોનું શૂટિગ લેક કોમોના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. 

જોકે એમની પહેલા અને એ પણ છેક 1925માં વિશ્વવિખ્યાત ફિલ્મમેકર આલ્ફ્રેડ હિચકોકે દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ `ધ પ્લેઝર ગાર્ડન'નું મોટાભાગનું શૂટિગ અહીં કર્યું હતું. ઈટાલિયન આલ્પ્સ પર્વતમાળાના ઘેરાવાની અંદર રહેલો લેક કોમો એના નખશિખ સૌંદર્ય ઉપરાંત બરફ જેવા ઠંડા અને અરીસા જેવા પારદર્શક પાણી માટે નામના ધરાવે છે. આસપાસના પર્વતોમાંથી પીગળતા બરફને કારણે સરોવરને તાજા અને ખનીજ તત્ત્વો ધરાવતા પાણીનો પુરવઠો સતત મળતો રહે છે. આ સરોવરના કિનારે કેટલાંક નગર અને શહેર વસેલાં છે જેમને એનું નિર્મળ અને નૈસર્ગિક પાણી સતત મળતું રહે છે. આ લેક વિશાળ છે અને એની આસપાસના કેટલાક સ્થળ પણ એની વિશેષતા માટે જાણીતા છે અને માણવા જેવા છે.

વિલા ડેલ બાલબીનેલીયો

લેક કોમોની આસપાસનું સૌથી જાણીતું સ્થળ જ્યાં સહેલાણીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. `સ્ટાર વોર' મુવીના કેટલાક દૃશ્યોનું ફિલ્માંકન અહીં કરવામાં આવ્યું હતું. ઈટલી લક્ઝુરિયસ વિલા માટે પ્રખ્યાત છે. 18મી સદીમાં બાંધવામાં આવેલા વિલા ડેલ બાલબીનેલીયોનો ઉપયોગ મઠ, હોસ્પિટલ તેમજ અંગત નિવાસસ્થાન માટે પણ કરવામાં આવ્યો છે. જોકે, આજની તારીખમાં એ પ્રાઈવેટ નહીં પણ પબ્લિક પ્રોપર્ટી છે, જેની માલિકી ઈટલીના નેશનલ ટ્રસ્ટ હસ્તક છે. 

અહીં સહેલાણીઓ આવે છે અને ક્યારેક વેડિગ ફોટોગ્રાફર્સ અને ફિલ્મનું શૂટિગ કરવા આવેલા યુનિટના સભ્યો પણ નજરે પડે છે. આ વિલાની એક ખાસિયત છે એના ગાર્ડન. આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારના છોડ - ઝાડ જોવા મળે છે જે વાતાવરણને રમણીય બનાવે છે. અહીંનું અમ્બ્રેલા ટ્રી તરીકે પણ ઓળખાતું હોમ ઓક વૃક્ષ જોવું એ એક લહાવો છે. વૃક્ષના પાંદડાંનો ઘેરાવો ખુલ્લી કરેલી છત્રી જેવો દેખાતો હોવાથી એને આ નામ મળ્યું છે.

ઈટાલિયન આલ્પ્સ

આલ્પ્સ નામ કાને પડતા જ વિશાળ પર્વતમાળા નજર સામે તરવરવા લાગે. આપણે ત્યાં સહ્યાદ્રીનો ઉલ્લેખ થતાની સાથે જે અનુભૂતિ થાય એવી જ લાગણી. 1200 કિલોમીટરમાં પથરાયેલી આ પર્વતમાળા ફ્રાન્સ, જર્મની, ઈટલી, મોનેકો, લિક્ટનસ્ટાઈન, સ્લોવેનિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા એમ આઠ દેશને આવરી લે છે. મોં બ્લાં આ પર્વતમાળાનું સૌથી પ્રતિષ્ઠિત શિખર છે. એનું નામ પડતા જ ભારતીય અણુ કાર્યક્રમના જનક ડો. હોમી ભાભાના ગમખ્વાર વિમાન હોનારતની યાદ દિલને દુ:ખાવી જાય. 

24 જાન્યુઆરી, 1966ના દિવસે એર ઈન્ડિયાનું વિમાન મોં બ્લાં શિખર નજીક આલ્પ્સ પર્વતમાળામાં તૂટી પડ્યું હતું અને એમાં ડો. ભાભા સહિત 117 જણ મૃત્યુ પામ્યા હતા. ફ્રાન્સથી ઈટલી થઈ ઓસ્ટ્રિયા સુધી ઈટાલિયન આલ્પ્સનો ઘેરાવો છે. અહીંના ઉત્તુંગ શિખરો મન મોહી લેનારા છે. 
   
અહીં લટાર મારતા મારતા `શગુન'નું `પર્બતો કે પેડોં પર શામ કા બસેરા હૈ' તેમજ `મેહબૂબા' ફિલ્મનું `પર્બત કે પીછે ચંબેલા ગાંવ, ગાંવ મેં દો પ્રેમી રહતે હૈં' ગણગણવાનું મન થઈ જાય. અહીંનું એક બોટનિકલ ગાર્ડન અને હિલ પર આવેલો કિલ્લો જોવા જેવો છે. જોકે, સમયના આભાવે કિલ્લો જોવાની તક ન મળી. 

અહીં આખું વર્ષ કોઈને કોઈ એક્ટિવિટી ચાલતી રહે છે. શિયાળામાં બરફ આચ્છાદિત વિસ્તારમાં સ્કીઈંગનો આનંદ લેવામાં આવે અને ઉનાળામાં હાઈકિગ અને સાઇકલિંગની મજા માણવામાં આવે. અલબત્ત, ઇટાલિયન આલ્પ્સ પર્વતમાળાના શ્રેષ્ઠ દર્શન તો ડોમાસો નામના ટાઉનથી થાય એમ અમને કહેવામાં આવ્યું. સમયની ખેંચને કારણે ત્યાં પણ જઈ ન શકાયું... અફસોસ!