Sun Apr 19 2026

Logo

દેશમાં LPG પુરવઠો ક્યારે થશે સામાન્ય? સરકારનો જવાબ સાંભળી ચોંકી જશો

2 days ago
Author: Mayurkumar Patel
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ફેબ્રુઆરી 2026ના અંતમાં શરૂ થયેલા યુદ્ધથી ભારતમાં ઈંધણ સપ્લાઈ ચેનને ઝટકો લાગ્યો છે. તેની સૌથી વધારે અસર એલપીજી સપ્લાઈ પર પડી છે. થોડા દિવસ પહેલા ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરને લઈ સહમતિ બની હતી. બંને દેશો વચ્ચે ઈસ્લામાબાદમાં થયેલી પ્રથમ શાંતિ મંત્રણામાં કોઈ ઉકેલ આવ્યો નથી. જેના કારણે હોર્મુઝની ખાડીની સ્થિતિ હજુ પણ સામાન્ય છે. ભારતની કુલ એલપીજી આયાતનો આશરે 90 ટકા હિસ્સો અહીંયાથી પસાર થયા છે. ઈરાન-અમેરિકા વચ્ચે થયેલી શાંતિ વાર્તા બાદ સ્થિતિ સામાન્ય થવાની અટકળો થઈ રહી છે. આ દરમિયાન સરકારે આપેલું નિવેદન ચિંતા વધારનારું છે.

સૂત્રોએ જણાવ્યું કે, ભારતને એલપીજી સપ્લાઈ ચેનના આ ઝટકામાંથી પૂરી રીતે બહાર આવવામાં ઓછામાં ઓછા 3 થી 4 વર્ષ જેટલો સમય લાગી શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે, કેટલાક મહત્ત્વપૂર્ણ ઉત્પાદન કેન્દ્ર બંધ થઈ ગયા છે. પુરવઠાને યુદ્ધ પહેલાંની સ્થિતિએ લાવવા માટે ઓછામાં ઓછા 36 થી 48 મહિના લાગશે. આ ઉપરાંત ખાડી દેશોથી આવતો પુરવઠો પણ ઘટીને 55 ટકા થઈ ગયો છે.

કિંમતમાં ઉછાળો

પુરવઠાની અછતની અસર આમ આદમી પર પડી છે. માર્ચમાં ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો થયો હતો. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 1 એપ્રિલે 195.50 રૂપિયાનો વધારો થયો હતો. જેની અસર હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ઉદ્યોગો પર પડી રહી છે. ઉપરાંત સરકાર પર સબ્સિડીનો બોજ પણ વધી ગયો છે.

PNGની માંગ વધી

એલપીજી પર નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર હવે પાઈપ્ડ નેચરલ ગેસને પ્રોત્સાહન આપી રહી છે. માર્ચ 2026માં સરકારે જ્યાં પાઈપલાઈનની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં 90 દિવસની અંદર PNGમાં શિફ્ટ થવા નિર્દેશ કર્યો હતો. સરકારે પાઈપલાઈન નેટવર્કના વિસ્તરણ માટે 5000-6000 કરોડના રોકાણની યોજના બનાવી છે. સરકાર પીએનજી માટે 50 ટકા સુધી સબ્સિડી પણ આપી રહી છે. હાલ ભારતમાં માત્ર 1.60 કરોડ ઘરમાં જ PNG કનેકશન છે, જેને 2034 સુધી વધારીને 12 કરોડ કરવાનો ટાર્ગેટ છે.